ડ્રૉનું રિઝલ્ટ ભારતીય ટીમ માટે જીત બરાબર: મિતાલી

21 June, 2021 03:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૅપ્ટને કહ્યું, ‘અંગ્રેજ ટીમ હવે અમને નબળી ગણવાની ભૂલ ક્યારેય નહીં કરે’

શેફાલી

સાત વર્ષ બાદ ટેસ્ટ રમી રહેલી ભારતીય મહિલા ટીમે ઇંગ્લૅન્ડ સામે શનિવારની એકમાત્ર ટેસ્ટ ડ્રૉ કરાવી હતી. જે મૅચ પહેલા દિવસથી જ ઇંગલૅન્ડ જીતી જશે એવું લાગતું હતું એ મૅચને ભારતીય ટીમે છેલ્લા દિવસે ડ્રૉમાં ખેંચી હતી. ટીમના ટોચના ખેલાડીઓ સારું પ્રદર્શન નહોતા કરી શક્યા, પરંતુ લોઅર ઑર્ડર બૅટ્સવિમેને શાનદાર રમત બતાવી હતી. ટીમની કૅપ્ટન મિતાલી રાજના મતે મૅચ ભલે ડ્રૉ રહી હોય, પરંતુ ભારતીય ટીમે ઇંગ્લૅન્ડ સામે માનસિક રીતે જીત મેળવી છે. અંગ્રેજ ટીમ હવે અમને નબળી ગણવાની ભૂલ કદી નહીં કરે.

યાદગાર મૅચ

ઇંગ્લૅન્ડે બીજા દિવસે ૯ વિકેટે ૩૯૬ રન બનાવીને પોતાની પહેલી ઇ​નિંગ્સ ડિક્લેર કરી હતી. ભારતની પહેલી ઇ​નિંગ્સ ૨૩૧ રન પર સમેટાઈ ગઈ, પરંતુ ફૉલોઑન બાદ સારી એવી લીડ મેળવી અને મૅચને ડ્રૉ કરાવી હતી. મિડલ ઑર્ડર નિષ્ફળ રહ્યા બાદ ડેબ્યુ કરનાર સ્નેહ રાણા (નૉટઆઉટ ૮૦) અને તાન્યા ભાટિયા (નૉટઆઉટ ૪૪)એ નવમી વિકેટ માટે અણનમ ૧૦૪ રનની પાર્ટનરશિપ કરી ભારત માટે એક યાદગાર ડ્રૉ મેળવી આપ્યો હતો.

વધ્યો આત્મવિશ્વાસ

મિતાલીએ મૅચ બાદ વર્ચ્યુઅલ પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું કે આ ડ્રૉને કારણે ઇંગ્લૅન્ડ ચોક્કસ બૅકફુટ પર આવી ગયું છે, કારણ કે તેમને હવે ખબર છે. ભલે ટૉપ ઑર્ડર નિષ્ફળ રહ્યો હોય, પણ લોઅર ઑર્ડરે બાજી સંભાળી લીધી હતી. મને લાગે છે કે એક સિરીઝ શરૂ કરવાની આ એક શાનદાર રીત હતી. અમે હારની નજીક હતા, પણ ત્યાંથી અમે મૅચને ડ્રૉ સુધી ખેંચી ગયા હતા. અમે હાર સ્વીકારવા તૈયાર નથી.  

શેફાલી દરેક ફૉર્મેટમાં મહત્ત્વની

મૅચમાં ૧૭ વર્ષની શેફાલીએ પહેલી ઇનિંગ્સમાં ૯૬ રન અને બીજી ઇનિંગ્સમાં ૬૩ રન ફટકાર્યા હતા. તે પહેલી જ મૅચમાં બન્ને ઇનિંગ્સમાં હાફ સેન્ચુરી કરનાર સૌથી યુવા અને કુલ ચોથી

ખેલાડી બની હતી. મિતાલીએ કહ્યું કે શેફાલી દરેક ફૉર્મેટમાં ભારત માટે મહત્ત્વની છે. તેણે ટી૨૦ની જેમ પહેલા બૉલથી આક્રમક બૅટિંગ કરી નહોતી. તેની પાસે અલગ-અલગ પ્રકારના શૉટ છે. જો તે લયમાં આવી તો આ પ્રકારના ફૉર્મેટમાં પ્રભાવી સાબિત થઈ શકે છે.’ 

મહિલાઓની ટેસ્ટ મૅચ પાંચ દિવસની રાખવાની ઇંગ્લૅન્ડના કૅપ્ટને કરી માગણી

ઇંગ્લૅન્ડની કૅપ્ટન હીથર નાઇટે ભારત સામેની એકમાત્ર બ્રિસ્ટલ ટેસ્ટ શનિવારે ડ્રૉ થયા બાદ કહ્યું હતું કે ટેસ્ટ ક્રિકેટ માટે શાનદાર જાહેરાત સમાન હતી બ્રિસ્ટલ ટેસ્ટ. ભારતીય ટીમે ફૉલોઑન બાદ પોતાની બીજી ઇનિંગ્સમાં ૭ વિકેટ ૧૯૯ રન પર ગુમાવી દીધી હતી. એની પાસે માત્ર ૩૪ રનની જ લીડ હતી, પરંતુ સ્નેહ રાણાએ પૂંછડિયા બૅટ્સવિમેન શિખા ટંડન અને તાન્યા ભાટિયા સાથે મળીને ૧૪૫ રન ઉમેરતાં મૅચ ડ્રૉ કરી હતી. મૅચ બાદ હીથર નાઇટે કહ્યું હતું કે ‘મૅચનો નાટકીય અંત ન આવ્યો, પરંતુ આ જ ક્રિકેટ છે. બન્ને તરફથી યુવા ખેલાડીઓએ શાનદાર રમત બતાવી. આ મૅચે બતાવી આપ્યું કે મહિલા ટેસ્ટ ક્રિકેટનું પોતાનું અલગ સ્થાન છે. હું પાંચ દિવસની ટેસ્ટ માટે તૈયાર છું. મહિલા ક્રિકટમાં ઘણી ડ્રૉ જોવા મળે છે, જેવું આ મૅચમાં થયું એથી મને લાગે છે કે આ વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ.’

sports sports news cricket news test cricket mithali raj indian womens cricket team