ટીમ ઇન્ડિયા સાવધાન, ફાઇનલની પિચ પર હશે પેસ અને બાઉન્સ

15 June, 2021 02:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પિચ-ક્યુરેટર સિમોન લી કહે છે કે હું ક્રિકેટ-ફૅન હોવાથી એવી પિચ બનાવવા માગું છું જે ક્રિકેટપ્રેમીઓને મૅચનો દરેકેદરેક બૉલ જોવા મજબૂર કરે. જો મોસમ સારી રહી તો છેલ્લા બે દિવસ સ્પિનરોને મદદરૂપ થશે

પિચ

ઇંગ્લૅન્ડના સધમ્પ્ટન જ્યાં શુક્રવારથી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ રમાવાની છે એના હેડ ગ્રાઉન્ડ્સ મૅન સિમોન લીએ સંકેત આપ્યો છે કે પિચ પેસ અને બાઉન્સવાળી હશે. 

સિમોને જોકે સ્વીકાર કર્યો હતો કે ઇંગ્લૅન્ડની આબોહવાને કારણે એવી પિચ બનાવવી ખૂબ મુશ્કેલ કામ છે, પણ એ પિચ પણ વધુ રોલિંગ નહીં કરીને બોલરોને સ્પીડ અને બાઉન્સ મળી રહે એવા પ્રયત્ન કરશે. 

સિમોને કહ્યું હતું કે ‘મારી પોતાની ઇચ્છા પેસ, બાઉન્સવાળી પિચ બનાવવાની છે, પણ ઇંગ્લૅન્ડની મોસમ અમને એવું કરવા નથી દેતી. જોકે ફાઇનલના સમય દરમ્યાન સારા મોસમની આગાહી છે અને સૂરજની મહેરબાની રહેવાની હોવાથી અમે પિચ પર વધુ પડતું રોલિંગ કરવાનું ટાળીશું જેથી પિચમાં ભરપૂર ઝડપ અને ઉછાળ જળવાઈ રહે.’

સિમોન લી નથી ચાહતા કે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ જેવી મૅચ વન-સાઇડેડ રહે. તેઓ ઇચ્છે છે કે આ પાંચ દિવસ દરમ્યાન લોકોને ક્લાસિક બૅટિંગ અને અમેજિંગ બોલિંગ-સ્પેલ જોવા મળે. તેઓ કહે છે કે પેસ રેડ બૉલ ક્રિકેટ વધુ એક્સાટિંગ બનાવે છે. હું એક ક્રિકેટ-ફૅન હોવાથી એવી પિચ બનાવવા માગું છું જે ક્રિકેટપ્રેમીઓને દરેકેદરેક બૉલ જોવા મજબૂર કરે.’

પિચ સ્પિનરને પણ મદદરૂપ થઈ પડશે એમ કહીને સિમોને કહ્યું કે ‘મેં પહેલાં કહ્યું એ પ્રમાણે આ પાંચ દિવસ દરમ્યાન મોસમની ફોરકાસ્ટ સારી છે અને પાંચેપાંચ દિવસ તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સિયસની આસપાસ અને ક્યારેક ઝરમર વરસાદ પડવાનું અનુમાન છે. સારો તડકો રહ્યો તો પિચ જલદીથી સુકાઈ જશે, કેમ કે માટીમાં અમે રેતી ભેળવતા હોઈએ છીએ. જો એમ થયું તો છેલ્લા બે દિવસ પિચ સ્પિનરોને મદદરૂપ રહેશે.’

india new zealand cricket news sports news sports southampton