20 September, 2025 10:08 AM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent
હું પણ રોહિત શર્મા જેવો બની ગયો છું
ગઈ કાલે અબુ ધાબીમાં ઓમાન સામેની સરળ મૅચ પહેલાં કૅપ્ટન સૂર્યકુમાર યાદવ સાથે રમૂજી ઘટના બની હતી. ટૉસ સમયે કૉમેન્ટેટર રવિ શાસ્ત્રીને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ બે નવા નામ કહેતાં સમયે સૂર્યા એક પ્લેયરનું નામ ભૂલી ગયો હતો. તેને માત્ર હર્ષિત રાણાનું જ નામ યાદ રહ્યું હતું. બીજા પ્લેયર એટલે કે અર્શદીપ સિંહનું નામ યાદ કરતાં સમયે સૂર્યાએ માઇકમાં કહ્યું કે હું પણ રોહિત શર્મા જેવો બની ગયો છું. ભારતનો વન-ડે કૅપ્ટન રોહિત શર્મા એક સમયે મેદાન પર ટૉસ સમયે બૅટિંગ લેવાની છે કે બોલિંગ એ જ ભૂલી ગયો હતો. હિટમૅન પોતાના શાનદાર શૉટ રમવાની સાથે ભૂલવાની આદતને કારણે પણ ચર્ચામાં રહે છે.
ભારતની T20 પ્લેઇંગ ઇલેવનમાં સાત મહિના બાદ સ્થાન મળ્યું હર્ષિત રાણા અને અર્શદીપ સિંહને
ગઈ કાલે ઓમાન સામેની ઔપચારિક ગ્રુપ સ્ટેજ મૅચમાં ભારતીય ટીમે બે ફેરફાર કર્યા હતા. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને સ્પિનર વરુણ ચક્રવર્તીને સુપર-ફોર રાઉન્ડ પહેલાં આરામ આપવામાં આવ્યો હતો. તેમના સ્થાને ફાસ્ટ બોલર હર્ષિત રાણા અને અર્શદીપ સિંહને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું હતું. બન્નેએ સાત મહિના અને ૨૧ દિવસ બાદ ભારતની T20 પ્લેઇંગ ઇલેવનમાં એન્ટ્રી મારી હતી. છેલ્લે તેઓ ભારત માટે ૩૧ જાન્યુઆરીએ પુણેમાં ઇંગ્લૅન્ડ સામે T20 મૅચ રમ્યા હતા.