મહાગુરુ ધોનીને ટક્કર આપવા ચેલો પંત તૈયાર

10 April, 2021 09:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માહીની ચેન્નઈ સુપર કિંગ્સ સૌથી ખરાબ છેલ્લી સીઝનને ભુલાવીને નવી શરૂઆત કરવા આતુર છે, જ્યારે રેગ્યુલર કૅપ્ટન શ્રેયસ ઐયરની ગેરહાજરીમાં રિષભના સહારે દિલ્હી ગઈ સીઝનનું ફૉર્મ જાળવી દમદાર શરૂઆત કરવા માગે છે

આઇપીએલમાં ૨૦૦ પ્લસનો ટાર્ગેટ ચેઝ કરતાં સૌથી વધુ 38 ટકા મૅચ ચેન્નઈ જીત્યું છે.

મુંબઈમાં આજે આઇપીએલની આ ૧૪મી સીઝનમાં બીજી ટક્કરમાં ભારતના સૌથી સફળ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સની ટક્કર ભવિષ્યના કૅપ્ટન તરીકે જેને જોવામાં આવી રહ્યો છે એ રિષભ પંતની ટીમ દિલ્હી કૅપિટલ્સની સામે ટક્કર થવાની છે. આમ આજે ભારતીય ક્રિકેટના ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચે રોમાંચક ટક્કર જામવાની છે. 
શ્રેયસ ઐયરના નેતૃત્વમાં દિલ્હી કૅપિટલ્સે ગઈ સીઝનમાં શાનદાર પર્ફોર્મન્સના જોરે પ્રથમ વાર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જોકે ફાઇનલમાં તેઓ મુંબઈના મહારથીઓને રોકી નહોતા શક્યા અને રનર-અપથી સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે બીજી તરફ ત્રણ વખતની ચૅમ્પિયન ચેન્નઈ માટે છેલ્લી સીઝન તેમની સૌથી ખરાબ રહી હતી અને પ્રથમ વાર જ તેઓ પ્લે-ઑફમાં નહોતા પહોંચી શક્યા. ચેન્નઈ પૉઇન્ટ ટેબલમાં સેકન્ડ લાસ્ટ સાતમા ક્રમાંકે રહી હતી. આમ આજે દિલ્હી ઇન્જરીને લીધે ઐયરની ગેરહાજરી છતાં યુવા અને શાનદાર ફૉર્મમાં રમી રહેલા રિષભ પંતના નેતૃત્વમાં ગઈ સીઝનનું ફૉર્મ જાળવી રાખવા કમર કસી રહી છે, જ્યારે ચેન્નઈ ગઈ સીઝનને ભૂલીને આજે નવી શરૂઆત કરવા તત્પર હશે. 
જેની પાસે શીખ્યો તેની 
સામે જ ટ્રિક અજમાવશે
ધોનીના રિટાયરમેન્ટ બાદ તેના અનુગામી તરીકે રિષભ પંતને ગણવામાં આવ્યો હતો. થોડો સમય નબળા ફૉર્મને લીધે ભારે ટીકા બાદ ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં તેના પર્ફોર્મન્સના આધારે આજે એ ભારતનો નંબર-વન વિકેટકીપર-બૅટ્સમૅન બન્યો છે. ધોની પાસેથી શીખેલી ટ્રિક આજે પંત કૅપ્ટન્સી તરીકેની પહેલી જ મૅચમાં તેની સામે અજમાવશે. પંતે કહ્યું કે ‘કૅપ્ટન તરીકે મારી પહેલી મૅચ માહીભાઈ સામે છે. મારા માટે આ એક સારો અનુભવ બની રહેશે, કેમ કે હું તેમની પાસેથી ઘણું શીખ્યો છું. આ ઉપરાંત એક ખેલાડી તરીકેના મારા પણ કેટલાક અનુભવ છે. આજે માહીભાઈ પાસેથી જે શીખ્યો છું તેમની સાથે મારા અનુભવો વડે આજે કંઈક અલગ કરવાની કોશિશ કરીશ.’
સ્મિથના પણ રહાણે જેવા હાલ
રાજસ્થાન રૉયલ્સનો કૅપ્ટન અજિંક્ય રહાણે ગઈ સીઝનમાં દિલ્હી ટીમમાં પહોંચી ગયો હતો. દિલ્હીની મજબૂત બૅટિંગ-લાઇનઅપમાં જોકે મોટા ભાગની સીઝનમાં તેનો મેદાનમાં પાણી લઈ જવાનો વારો આવ્યો હતો. હવે રાજસ્થાનનો વધુ એક કૅપ્ટન સ્ટીવ સ્મિથ પણ દિલ્હી ટીમમાં આવી ગયો છે. જોઈએ હવે સ્મિથને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળે છે કે તેણે ડગ-આઉટમાં જ બેસી રહેવું પડે છે. 
દિલ્હીની બૅટિંગ-લાઇનઅપ શિખર ધવન, પૃથ્વી શૉ, રહાણે, રિષભ પંત અને સ્મિથના જોરે ખૂબ મજબૂત લાગી રહી છે. ધવને ગઈ સીઝનમાં બે સન્ચુરી સાથે સેકન્ડ હાઇએસ્ટ ૬૧૮ રન બનાવ્યા હતા અને પૃથ્વી શૉએ ઑસ્ટ્રેલિયાની નામોશી ભુલાવી ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં ચાર સેન્ચુરી સાથે હાઇએસ્ટ ૮૨૭ રન ખડકી દીધા હતા. મોટા ભાગે ધવન અને પૃથ્વી જ ઓપનિંગ કરશે. 
અક્ષર પટેલ ડાઉટફૂલ
કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ ક્વૉરન્ટીન થયેલા અક્ષર પટેલની બીજી ટેસ્ટ આજે આવવાની શક્યતા છે. જો એ નેગેટિવ આવે તો રમવા માટે ફિટ હશે અને તો જ દિલ્હી તેને આજે મેદાનમાં ઉતારવાનું જોખમ લેશે. 
આફ્રિકન ખેલાડીઓની ગેરહાજરી
દિલ્હી ટીમની પેસ બોલરની જાન કૅગિસો રબાડા અને ઍન્રિચ નૉર્કિયાની ગેરહાજરી ટીમને નડી શકે છે. ગઈ સીઝનમાં ૧૭ વિકેટ સાથે પર્પલ કૅપ જીતનાર રબાડા અને ૧૬ વિકેટ સાથે તેને યોગ્ય સાથ આપનાર નૉર્કિયા ત્રણેક જ દિવસ પહેલાં ભારત આવ્યા છે અને અત્યારે ફરજિયાત ક્વૉરન્ટીન થયા છે. ચેન્નઈ માટે પણ સાઉથ આફ્રિકન લુન્ગી ઉપલબ્ધ નહીં હોય. 
 રૈનાને લીધે ટૉપ ઑર્ડર મજબૂત
સુરેશ રૈના પાછો ચેન્નઈ ટીમમાં જોડાઈ જતાં તેમનો ટૉપ ઑર્ડર યુવા ઋતુરાજ ગાયકવાડ, ફૅફ ડુ પ્લેસિસ અને અંબાતી રાયુડુ સાથે પાછો મજબૂત થઈ ગયો છે. સૅમ કરૅને છેલ્લી વન-ડેમાં ભારતના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. ઑલરાઉન્ડર મોઇન અલી અને ગ્રેટ ફિનિશર ધોની સાથે મિડલ ઑર્ડરમાં ખૂબ દમખમ છે. 
બોલિંગ ડિપાર્ટમેન્ટનો ભાર દિવસે-દિવસે ખીલી રહેલા શાર્દુલ ઠાકુર, દીપક ચાહર અને રવીન્દ્ર જાડેજાના ખભા પર રહેશે. ચેન્નઈના મોટા ભાગના ખેલાડીઓ ધોની, રાયુડુ, જાડેજા, પ્લેસિસ વગેરે ઘણા સમયથી રમ્યા ન હોવાથી આજે પ્રથમ મૅચમાં કેટલા ફિટ હશે એ તેમને માટે સૌથી મોટો ચિંતાનો વિષય બની રહેશે. હવે મુંબઈમાં કોરોના તરખાટ મચાવે છે ત્યારે વાનખેડેમાં બંધબારણે પંત ગુરુ ધોનીને માત આપે છે કે ધોની મહાગુરુ સાબિત થાય છે.  
આમને-સામને
આઇપીએલમાં બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધી ૨૩ જંગ જામી ચૂક્યા છે, જેમાંથી ૧૫ ચેન્નઈ જીત્યું છે અને ૮માં દિલ્હીએ દમ બતાવ્યો છે. ગઈ સીઝનના બન્ને મુકાબલામાં દિલ્હીની જીત થઈ હતી. 

ms dhoni mahendra singh dhoni Rishabh Pant cricket news sports news sports ipl 2021