20 June, 2025 06:57 AM IST | London | Gujarati Mid-day Correspondent
સ્ટુઅર્ટ બ્રૉડ
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રૉડે પોતાના પૉડકાસ્ટ ‘ફૉર ધ લવ ઑફ ક્રિકેટ’માં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ભારે પ્રશંસા કરી છે. જેમ્સ ઍન્ડરસન (૯૯૧ વિકેટ) બાદ ઇંગ્લૅન્ડ માટે સૌથી વધુ વિકેટ લેનાર ભૂતપૂર્વ ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રૉડ (૮૪૭ વિકેટ) કહે છે કે ‘જ્યારે તે (બુમરાહ) બોલિંગ કરવા માટે દોડે છે ત્યારે તમને લાગે છે કે તે ૭૦ માઇલ પ્રતિ કલાકની ઝડપે હશે, પરંતુ તે ૯૦ માઇલ પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે જેના કારણે તમે યોગ્ય રીતે અનુમાન લગાવી શકતા નથી.’
જૉસ બટલર સાથે આ પૉડકાસ્ટમાં વાત કરતાં ૩૮ વર્ષનો આ પ્લેયર આગળ કહે છે કે ‘બુમરાહનો રન-અપ ખૂબ જ સંતુલિત છે અને તે ક્યારેય એને બગડવા દેતો નથી. મેં જે બોલરો જોયા છે એમાં ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મૅક્ગ્રાનો રન-અપ ખૂબ જ સંતુલિત હતો. બુમરાહ પણ તેના જેવો જ છે. દરેક વ્યક્તિ ચોક્કસપણે તેના પર નજર રાખશે. ઇંગ્લૅન્ડ ક્યારેય નહીં ઇચ્છે કે તે પાંચેય ટેસ્ટ-મૅચમાં રમે. જો આવું થાય તો તે ઘણી વિકેટ લેશે. તેણે ઑસ્ટ્રેલિયામાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.’
ઇંગ્લૅન્ડ સામે બુમરાહનો રેકૉર્ડ?
વિદેશી ટીમોમાંથી ઇંગ્લૅન્ડ સામે બુમરાહ સૌથી વધુ ૧૪ ટેસ્ટ-મૅચમાં રમ્યો છે અને એમાં તેણે ૬૦ વિકેટ ઝડપી છે. ઇંગ્લૅન્ડની ધરતી પર તે નવ ટેસ્ટ-મૅચમાં ૩૭ વિકેટ ઝડપી ચૂક્યો છે.
બટલરે સુપરસ્ટાર ગણાવ્યો
ઇંગ્લૅન્ડનો વિકેટકીપર-બૅટર જૉસ બટલર આ પૉડકાસ્ટમાં કહે છે કે ‘આ ભારતીય ટીમમાં જસપ્રીત બુમરાહ કરતાં કોઈ મોટો સ્ટાર નથી. તેનો રન-અપ અનોખો છે, તેની ઍક્શન અનોખી છે. તે બીજા કોઈ બોલર કરતાં બૅટ્સમૅનની થોડી નજીકથી બૉલ ફેંકે છે, એથી બૉલ એની વાસ્તવિક ગતિ કરતાં વધુ ઝડપી દેખાય છે.’