વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની પૉઇન્ટ સિસ્ટમ સ્ટુઅર્ટ બ્રૉડને સમજાતી નથી

15 May, 2021 02:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડનો પેસ બોલર કહે છે કે ઇંગ્લૅન્ડ-ઑસ્ટ્રેલિયાની પાંચ મૅચની સિરીઝના અને ‍ભારત-બંગલા દેશની બે ટેસ્ટની સિરીઝના પૉઇન્ટ એકસરખા કેવી રીતે હોઈ શકે

સ્ટુઅર્ટ બ્રૉડ

૧૮થી ૨૨ જૂન દરમ્યાન વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે રમાવાની છે ત્યારે ઇંગ્લૅન્ડના અનુભવી પેસ બોલર સ્ટુઅર્ટ બ્રૉડે આ ચૅમ્પિયનશિપમાં પૉઇન્ટ ફાળવવાની સિસ્ટમ અંગે સવાલો ઉઠાવ્યા છે. આઇસીસીએ દરેક સિરીઝ (બે મૅચની હોય કે પાંચ મૅચની) માટે એકસરખા પૉઇન્ટ ફાળવ્યા છે જેથી ઓછી ટેસ્ટ મૅચ રમનાર ટીમને અવળી અસર ન થાય. 

બ્રૉડે એક ઇન્ટરવ્યુ દરમ્યાન કહ્યું હતું કે ‘વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ એક ઉમદા કન્સેપ્ટ છે, પણ મને લાગતું નથી કે એમાં બધું બરાબર છે. જોકે હું પહેલી જ વાર એનું આયોજન થઈ રહ્યું છે. મને એક બાબત સમજાતી નથી કે પાંચ મૅચની ઍશિઝ સિરીઝનું અને ભારતે બંગલા દેશ સામે રમેલી બે ટેસ્ટની સિરીઝનું મૂલ્ય એકસરખું કેવી રીતે હોઈ શકે?’ 

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની પૉઇન્ટ સિસ્ટમમાં સિરીઝના નહીં પણ દરેક મૅચના રિઝલ્ટ પ્રમાણે પૉઇન્ટ આપવામાં આવે છે. પાંચ મૅચની સિરીઝમાં દરેક મૅચમાં ૨૦ ટકા પ્રમાણે અને બે મૅચની સિરીઝમાં દરેક મૅચમાં ૫૦ ટકા પ્રમાણે પૉઇન્ટ મળે છે. 

૩૪ વર્ષના બ્રૉડે ૧૪૬ ટેસ્ટમાં ૫૧૭ વિકેટ લીધી છે અને તે ઇંગ્લૅન્ડ વતી સૌથી વધુ વિકેટ લેવાના મામલે તેના સાથી જેમ્સ ઍન્ડરસન બાદ બીજા નંબરે છે. બ્રૉડને લાગે છે કે જો આ જ પૉઇન્ટ સિસ્ટમ જળવાઈ રહી તો ઇંગ્લૅન્ડ ક્યારેય ફાઇનલમાં નહીં પહોંચી શકે. તેને લાગે છે કે આ સિસ્ટમાં સૌથી વધુ મૅચ રમનાર ટીમને નુકસાન થઈ રહ્યું છે એથી આ અંગે ફેરવિચાર કરવો જોઈએ.

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયશિપનમાં ઇંગ્લૅન્ડ સૌથી વધુ ૨૧ ટેસ્ટ રમ્યું હતું, પણ એ પૉઇન્ટ ટેબલમાં ચોથા ક્રમાંકે છે. ભારત સેકન્ડ હાઇએસ્ટ ૧૭ મૅચ રમ્યું છે અને પૉઇન્ટ ટેબલમાં એ બીજા નંબરે છે. ભારતે ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડને હરાવીને બન્નેનું ફાઇનલ રમવાનું સપનું તોડી નાખ્યું હતું. 

cricket news sports news sports india new zealand