18 December, 2025 07:41 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
સૌરવ ગાંગુલી
કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમ ખાતે લિયોનેલ મૅસ્સીની ખૂબ જ અપેક્ષિત ‘GOAT ઇન્ડિયા ટૂર’ ઇવેન્ટ અરાજકતામાં પરિણમી હતી. હજારો ચાહકો નબળી દૃશ્યતા અને ગેરવહીવટને કારણે હતાશ થઈ ગયા હતા, અને તંત્ર સામે ગુસ્સો વ્યક્ત કરવા સ્ટેડિયમમાં તોડફોડ કરી હતી. આ બધા વિવાદને લઈને ભારતના પૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલી સામે પણ એક ફૅન કલબના ચાહક દ્વારા આરોપો કરવામાં આવ્યા હતા, જેને લઈને હવે ભૂતપૂર્વ ક્રિકેટરે ફરિયાદ દાખલ કરી છે.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ ગુરુવારે કોલકાતા સ્થિત `આર્જેન્ટિના ફુટબૉલ ફૅન ક્લબ`ના વડા ઉત્તમ સાહા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. “ગાંગુલીએ આરોપ લગાવવામાં આવ્યો હતો કે આરોપી વ્યક્તિએ તેમના વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી”, એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. કોલકાતા પોલીસના સાયબર સેલને ઈમેલ કરીને મોકલેલી ફરિયાદમાં ગાંગુલીએ જણાવ્યું હતું કે આરોપી વ્યક્તિના નિવેદનોથી તેમની પ્રતિષ્ઠા અને માનસિક શાંતિ પર પ્રતિકૂળ અસર પડી છે અને તેઓ આરોપી સામે રૂ. 50 કરોડનો માનહાનિનો દાવો પણ કરશે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "ફરિયાદમાં જણાવાયું છે કે આરોપી `આર્જેન્ટિના ફુટબૉલ ફૅન ક્લબ`ના વડાએ કોઈપણ તથ્યના આધાર વિના ગાંગુલી વિરુદ્ધ જાણી જોઈને ગંભીર આરોપો લગાવ્યા હતા." આરોપીઓએ એક પત્રકાર સાથે વાતચીત કરતી વખતે ગાંગુલી વિરુદ્ધ આ ટિપ્પણી કરી હોવાનું કહેવાય છે. ગાંગુલીએ ફરિયાદમાં ઉમેર્યું હતું કે આવા "પાયાવિહોણા આરોપો તેમની મહેનતથી કમાયેલી પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ છે". આ મુદ્દે હવે વધુ તપાસ ચાલી રહી છે.
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે “ઉત્તમ સાહા, જે આર્જેન્ટિના ફુટબૉલ ફૅન ક્લબનો પ્રમુખ હોવાનો દાવો કરે છે, તેણે જાણી જોઈને, બેદરકારીથી અને દ્વેષપૂર્વક YouTube અને Facebook સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક બંગાળી ન્યૂઝ પોર્ટલ સાથેનો એક વીડિયો ઇન્ટરવ્યુ કર્યો છે. આ વીડિયોમાં આર્જેન્ટિના ફૅન ક્લબના સ્થાપકે સૌરવ ગાંગુલી વિશે ખોટા, નિંદાત્મક, બદનક્ષીભર્યા નિવેદનો આપ્યા છે. નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સૌરવ ગાંગુલી પર બદનક્ષીભર્યા ટિપ્પણીઓ ધરાવતા વીડિયોએ તેમની પ્રતિષ્ઠા, વ્યક્તિગત સ્થિતિ, વ્યાવસાયિક સદ્ભાવના અને જાહેર છબીને ગંભીર નુકસાન પહોંચાડી છે, ઉપરાંત તેમને બિનજરૂરી શંકા અને ઉપહાસનો સામનો કરવો પડ્યો છે.
વીડિયોમાં, સાહાએ કહ્યું હતું કે “સતાદ્રુ દત્તા (ઇવેન્ટ આયોજક) સૌરવ ગાંગુલીની કઠપૂતળી અને લાકડી છે, આ રીતે તેનું કદ વધ્યું છે. સૌરવની છેતરપિંડી વિશે શું કહેવું - દરેક વ્યક્તિ પહેલાથી જ સત્ય જાણે છે. તે સવારે ભાજપનો પક્ષ લે છે અને સાંજે મમતા (પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન)નો. જ્યાં પૈસા હોય ત્યાં સૌરવ ત્યાં દોડે છે. તેણે બંગાળનું ક્રિકેટ સમાપ્ત કરી નાખ્યું છે. એવું લાગે છે કે બંગાળમાંથી હવે કોઈ ભારતીય ક્રિકેટ ટીમમાં રમશે નહીં - સૌરવે તેને આ રીતે ગોઠવ્યું છે.”