ફાઇનલ માટે ઓછી તૈયારી પણ લાભદાયી

13 May, 2021 02:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડમાં ન્યુ ઝીલૅન્ડ સામે રમાનારી ટેસ્ટ ચૅમ્પિયનશિપની મૅચ માટે ભારતના બો​લિંગ અને ફીલ્ડિંગે કોચે વ્યક્ત કર્યો પોતાનો મત

વિરાટ કોહલી અને કૅન

ઇંગ્લૅન્ડમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ માટેની ભારતીય ટીમની તૈયારીને ક્વૉરન્ટીનનાં નિયંત્રણોને કારણે વિપરીત અસર પડશે, પરંતુ ટીમના બોલિંગ કોચ ભરત અરુણ અને ફીલ્ડિંગ કોચ આર. શ્રીધરના મતે ખેલાડીઓનો અનુભવ આ પડકારને ઝીલવા માટે પૂરતો છે. ભારતીય ટીમ જૂનના પહેલા સપ્તાહમાં ઇંગ્લૅન્ડ જશે. ન્યુ ઝીલૅન્ડ સામેની મૅચ પહેલાં ક્વૉરન્ટીન દરમ્યાન ભારતીય ટીમને પ્રૅક્ટિસ કરવાની છૂટ મળશે કે નહીં એ હજી નક્કી નથી. મૅચ ૧૮ જૂનથી શરૂ થશે. ભારતીય ટીમ ઑગસ્ટ મહિનામાં ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટસિરીઝ રમશે. 

પી.ટી.આઇ.ને આપેલા ઇન્ટરવ્યુમાં શ્રીધરે કહ્યું હતું કે ‘અમે જ્યારે ત્યાં પહોંચીશું ત્યારે કેટલા દિવસનો તેમ જ કયા પ્રકારનો ક્વૉરન્ટીન પિરિયડ હશે એની ખબર નથી. કેટલીક વખત પૂરતી તૈયારીનો સમય ન મળવો એનો પણ ફાયદો છે, કારણ કે તમે માનસિક રીતે વધુ સુસજ્જ હો છો. અગાઉ આપણે ઇંગ્લૅન્ડમાં રમી ચૂક્યા છીએ. એ અનુભવ પણ કામ લાગશે.’ 

કોચ ભરત અરુણે કહ્યું હતું કે ‘ફાઇનલ પહેલાં રમાનારી ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડની સિરીઝ જોઈને અમે અમારી યોજના બનાવીશું. અમે જોઈશું કે ઇંગ્લૅન્ડની પરિસ્થિતિમાં ન્યુ ઝીલૅન્ડના ખેલાડીઓ કેવું રમી રહ્યા છે તેમ જ ઇંગ્લૅન્ડના ખેલાડીઓ પણ શું કરી રહ્યા છે. આમ ક્વૉરન્ટીનનો પિરિયડ અમને અમારી યોજના બનાવવામાં ફાયદોકારક નીવડશે.’  

cricket news sports news sports england india