08 July, 2025 09:00 AM IST | London | Gujarati Mid-day Correspondent
શુભમન ગિલ
પહેલી ટેસ્ટ-મૅચમાં જીતની નજીક આવીને હાર્યા બાદ ભારતીય ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલે બીજી મૅચમાં વાપસી માટે વધુ સારી બોલિંગ અને સારી ફીલ્ડિંગને શ્રેય આપ્યો હતો. બર્મિંગહૅમમાં ટેસ્ટ-મૅચ જીતનાર પહેલો એશિયન કૅપ્ટન શુભમન ગિલ કહે છે, ‘જ્યારે તમારા બે ફાસ્ટ બોલરો ૧૭ વિકેટ લે છે ત્યારે કૅપ્ટન માટે કામ સરળ થઈ જાય છે. જસપ્રીત બુમરાહ ટીમમાં નહોતો, પરંતુ અમારી પાસે જે બોલરો છે તેઓ મૅચમાં ૨૦ વિકેટ લેવા સક્ષમ છે.’
ગિલ આગળ કહે છે, ‘ઘણા પ્રસંગો આવ્યા છે જ્યારે અમે સિરીઝની પહેલી મૅચ હારી ગયા અને પછી વાપસી કરી છે. એથી અમને ખબર હતી કે કેવી રીતે વાપસી કરવી. જો અમે સતત ૪૫૦ રન બનાવીશું તો અમારા બોલરો અમને મૅચમાં જાળવી રાખશે. મને લાગે છે કે અમે અમારી બોલિંગ અને ફીલ્ડિંગ સાથે જે રીતે વાપસી કરી એ જોવા યોગ્ય હતું.’
શુભમને પુષ્ટિ કરી કે લૉર્ડ્સ ટેસ્ટ-મૅચમાં મુખ્ય બોલર જસપ્રીત બુમરાહ પ્લેઇંગ ઇલેવનમાં વાપસી કરશે. તેણે ખુલાસો કર્યો કે બૅટિંગ લાઇનઅપમાં ઊંડાઈ જોઈતી હોવાથી સ્પિનર કુલદીપ યાદવને ટીમમાં સામેલ કરવામાં મુશ્કેલી આવી રહી છે. એજબૅસ્ટનમાં બીજી ટેસ્ટ દરમ્યાન ફાસ્ટ બોલર આકાશ દીપ (૧૦ વિકેટ) અને મોહમ્મદ સિરાજ (૭ વિકેટ) સૌથી સફળ રહ્યા હતા, જ્યારે ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાની સાથે સ્પિનર્સ રવીન્દ્ર જાડેજા અને વૉશિંગ્ટન સુંદરને એક-એક સફળતા મળી હતી.
ત્રીજી ટેસ્ટ-મૅચ પહેલાં ઇંગ્લૅન્ડે ફાસ્ટ બોલર ગસ ઍટકિનસનને સ્ક્વૉડમાં સામેલ કર્યો
આગામી ૧૦થી ૧૪ જુલાઈ દરમ્યાન લૉર્ડ્સ ખાતે રમાનારી ત્રીજી ટેસ્ટ-મૅચ માટે ઇંગ્લૅન્ડે ફાસ્ટ બોલર ગસ ઍટકિનસનને સ્ક્વૉડમાં સામેલ કર્યો છે. પહેલી બન્ને ટેસ્ટ-મૅચમાં એક જ પ્લેઇંગ ઇલેવન સાથે રમનાર ઇંગ્લૅન્ડ હવે ત્રીજી ટેસ્ટ માટે નવા વિકલ્પો પર વિચાર કરીને વાપસી કરવાનો ટાર્ગેટ રાખશે. ૨૭ વર્ષનો ગસ ઍટકિનસન ૨૦૨૪થી ઇંગ્લૅન્ડ માટે ૧૨ ટેસ્ટ-મૅચમાં પંચાવન વિકેટ લઈ ચૂક્યો છે. ઘરઆંગણે તેણે સાત ટેસ્ટમાં ૩૭ વિકેટ લીધી છે. તે ભારત સામે હજી સુધી એક પણ ટેસ્ટ-મૅચ રમ્યો નથી.
શુભમને ડ્યુક્સ બૉલની ટીકા કરી
મૅચ બાદ પ્રેસ-કૉન્ફરન્સમાં ભારતીય ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલે ડ્યુક્સ બૉલના ઝડપથી બગડતા સ્વભાવની ટીકા કરતાં કહ્યું, ‘બોલરો માટે આ ખૂબ જ મુશ્કેલ છે. મને લાગે છે કે પિચ કરતાં વધુ કદાચ બૉલ ખૂબ જ ઝડપથી ઘસાઈ જાય છે. એ ખૂબ જ ઝડપથી નરમ થઈ જાય છે. બોલરો માટે આવી પરિસ્થિતિમાં વિકેટ લેવી ખૂબ જ મુશ્કેલ છે, જ્યારે પિચ પણ ફ્લૅટ હોય. બોલરો માટે થોડી મદદ હોવી જોઈએ. જો બૉલ કંઈક હરકત કરી રહ્યો હોય તો તમે કોઈક રીતે કંઈક યોજના બનાવી શકો છો અને પછી રમવાની મજા આવે છે.’
એજબૅસ્ટનની જીત જીવનભર રહેશે યાદ : કૅપ્ટન શુભમન ગિલ
પચીસ વર્ષનો શુભમન ગિલ ઐતિહાસિક ૪૩૦ રન બનાવી પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. તે એજબૅસ્ટન ટેસ્ટ જીત્યા પછી કહે છે, ‘આ જીત આખી જીવનભર યાદ રાખીશ. કદાચ જ્યારે પણ હું નિવૃત્તિ લઈશ ત્યારે મને લાગે છે કે એ મારી સૌથી ખુશ યાદોમાંની એક હશે. જે રીતે દરેક વ્યક્તિએ બૉલ અને બૅટથી યોગદાન આપ્યું એ ખૂબ જ સકારાત્મક છે.’
30
આટલી ટેસ્ટ સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ન્યુ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા (SENA)માં જીતનાર પહેલી એશિયન ટીમ બની ભારતની. પાકિસ્તાની ટીમની ૨૯ જીતનો રેકૉર્ડ તોડ્યો.