12 June, 2025 07:05 AM IST | London | Gujarati Mid-day Correspondent
ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસન અને ભારતના સ્ટાર બૅટર સચિન તેન્ડુલકરનો ફાઇલ ફોટો
ઇંગ્લૅન્ડ અને ભારત વચ્ચેની આગામી પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝને સૌથી વધુ ટેસ્ટ-મૅચ રમનાર ભારતના ભૂતપૂર્વ બૅટર સચિન તેન્ડુલકર (૨૦૦ મૅચ) અને ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસન (૧૮૮ મૅચ)નું નામ આપવામાં આવ્યું છે. ટેસ્ટ-ક્રિકેટમાં સચિન સૌથી વધુ રન ફટકારનાર બૅટર અને જેમ્સ ઍન્ડરસન સૌથી વધુ ટેસ્ટ-વિકેટ લેનાર ફાસ્ટ બોલર છે.
આ વિશે વાત કરતાં જેમ્સ ઍન્ડરસન કહે છે, ‘મને યાદ છે કે હું તેને રમતના મહાન પ્લેયરમાંથી એક તરીકે જોતો હતો અને હું તેની સામે ઘણી વાર રમ્યો છું. એથી આ ટ્રોફી પર તેની સાથે મારું નામ હોવું એ ખૂબ જ સન્માનની વાત છે અને મને આનાથી વધુ ગર્વ થઈ રહ્યો છે. મને હજી પણ વિશ્વાસ નથી આવતો. સચિન એવો ખેલાડી છે જેને હું બાળપણમાં આદર્શ માનતો હતો. જોકે હું તેની ઉંમર સાથે તેનું અપમાન કરવા માગતો નથી.’
બાવન વર્ષના સચિને નવેમ્બર ૧૯૮૯માં ૧૬ વર્ષની ઉંમરે ડેબ્યુ કર્યું હતું. જુલાઈ ૧૯૮૨માં જન્મેલો ઍન્ડરસન ત્યારે માત્ર સાત વર્ષનો હતો. ૪૨ વર્ષના ઍન્ડરસને ડિસેમ્બર ૨૦૦૨માં ઇંગ્લૅન્ડ માટે ૨૦ વર્ષની ઉંમરે ઇન્ટરનૅશનલ ડેબ્યુ કર્યું હતું. તેઓ ટેસ્ટ-ક્રિકેટમાં ૧૪ વખત સામસામે રમ્યા છે અને નવ વખત સચિન ઇંગ્લૅન્ડના આ ખતરનાક બોલર સામે આઉટ થયો છે.
મને હંમેશાં ભારત સામે રમવાનું ગમતું હતું. ઑસ્ટ્રેલિયા સામેની ઍશિઝ પછી અમે ભારત સામેની ટેસ્ટ-સિરીઝની સૌથી વધુ રાહ જોતા હતા - જેમ્સ ઍન્ડરસન