28 October, 2023 12:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રનઆઉટ સમયની તસવીર
૨૦૧૯ના વન-ડે વર્લ્ડ કપમાં ન્યુ ઝીલૅન્ડ સામેની શૉકિંગ હાર ભારતીય ક્રિકેટના ઇતિહાસના સૌથી આઘાતજનક પરાજયોમાં ગણાય છે અને દેશનો લેજન્ડરી કૅપ્ટન અને વિકેટકીપર અને બૅટર મહેન્દ્રસિંહ ધોની એ બનાવનો હિસ્સો હતો. પી.ટી.આઇ.ના અહેવાલ મુજબ બૅન્ગલોરમાં તાજેતરની એક ઇવેન્ટમાં ખુદ ૅકૅપ્ટન કૂલ’ એ ઘટનાની યાદ અપાવતાં નિરાશ દેખાતો હતો.
મૅન્ચેસ્ટરની એ સેમી ફાઇનલમાં ધોનીને માર્ટિન ગપ્ટિલે રનઆઉટ કર્યો ત્યારે ઘણાએ કલ્પના પણ નહીં કરી હોય કે ધોનીએ ભારત વતી રમેલી આ અંતિમ મૅચ હતી.
ધોનીએ બૅન્ગલોરની ઇવેન્ટમાં કહ્યું હતું કે ‘રસાકસીભરી મૅચમાં છેવટે હારી જઈએ ત્યારે હતાશાની લાગણીને કાબૂમાં રાખવી મુશ્કેલ થઈ જાય. મેં નિવૃિત્ત એક વર્ષ પછી જાહેર કરી હતી, પણ ૨૦૧૯ની સેમી ફાઇનલમાં હું રનઆઉટ થયો ત્યારે જ મેં નિર્ણય લઈ લીધો હતો કે ભારત વતી હું છેલ્લી વાર રમ્યો છું. મેં રિટાયરમેન્ટ એક વર્ષ પછી જાહેર કર્યું, પરંતુ હકીકતમાં હું એ દિવસે જ નિવૃત્ત થઈ ગયો હતો. અમને ફિટનેસ મૉનિટર કરવા મશીન અપાતું હોય છે. હું જ્યારે પણ ટ્રેઇનર પાસે ગયો ત્યારે મેં તેમને એ મશીન પાછું આપ્યું, પણ તેઓ મને કહેતા કે ના, તમે આ તમારી પાસે રાખો. જોકે મને થયું કે હું તેમને કેવી રીતે કહું કે હવે મને આ મશીનની જરૂર જ નથી. એ તબક્કે હું રિટાયરમેન્ટ અનાઉન્સ નહોતો કરી શક્તો હતો એટલે મનની વાત તેમને નહોતી કરી.’
ભારતના સૌથી સફળ કૅપ્ટન ધોનીએ ઑગસ્ટ ૨૦૨૦માં રિટાયરમેન્ટ જાહેર કર્યું હતું, પણ ૨૦૨૩માં સીએસકેને પાંચમું આઇપીએલ-ટાઇટલ અપાવ્યા પછી ચાહકોના પ્રેમને કારણે ત્યારે તેણે આઇપીએલમાંથી રિટાયરમેન્ટ જાહેર નહોતું કર્યું.