રોહિત શર્માના મતે અમે ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ ૨-૧થી જીત્યા

05 October, 2021 11:11 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કોરોના વાઇરસના ડરને કારણે ભારતીય ટીમ ઇંગ્લૅન્ડ સામેની પાંચમી ટેસ્ટ ન રમતાં હજી સુધી આ શ્રેણીનું રિઝલ્ટ જાહેર કરવામાં નથી આવ્યું

રોહિત શર્મા

આઇપીએલ ૨૦૨૧ પહેલાં ભારતીય ટીમ ઇંગ્લૅન્ડના પ્રવાસે હતી, જ્યાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ મૅચની ​ટેસ્ટ સિરીઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટેસ્ટ સિરીઝની પાંચમી મૅચ નાટકીય અંદાજમાં સ્થગિત કરવામાં આવી હતી, કારણ કે ભારતીય ટીમના ઘણા સપોર્ટ સ્ટાફ કોરોના-પૉઝિટિવ હતા. પાંચમી મૅચ પહેલાં ભારતીય ટીમ આ ટેસ્ટ સિરીઝમાં ૨-૧થી આગળ હતી. ભારતીય ટીમ આ ટેસ્ટ સિરીઝ જીતે એવી શક્યતા હતી. પાંચમી ટેસ્ટ મોકૂફ રાખવામાં આવ્યા બાદ આ ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમને વિજેતા જાહેર કરવામાં ન આવી.

હવે ટેસ્ટ સિરીઝના પરિણામ પર ભારતીય ટીમના ઓપનર રોહિત શર્માએ પોતાનો વિચાર વ્યક્ત કરતાં કહ્યું કે મારા મતે ભારતે પાંચ મૅચની સિરીઝ ૨-૧થી જીતી લીધી છે. ઇંગ્લૅન્ડના પ્રવાસમાં ચીફ કોચ રવિ શાસ્ત્રી કોરોના-સંક્રમિત થયો હતો. ત્યાર બાદ ચીફ ફિઝિયો નીતિન પટેલ, બોલિંગ-કોચ ભરત અરુણ અને ફીલ્ડિંગ કોચ આર. શ્રીધરને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા હતા. ચીફ ફિઝિયોની ગેરહાજરીમાં અસિસ્ટન્ટ ફિઝિયો યોગેશ પરમારે ટીમની જવાબદારી સંભાળી હતી, પરંતુ પછી તે પણ કોવિડ પૉઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ મૅન્ચેસ્ટરમાં રમાનારી પાંચમી અને છેલ્લી ટેસ્ટ મૅચ રદ કરવામાં આવી હતી.

રોહિત શર્મા માટે આ પ્રવાસ સફળ રહ્યો હતો. ઇંગ્લૅન્ડના કૅપ્ટન જો રૂટ બાદ સિરીઝમાં તે બીજો સૌથી સફળ બૅટ્સમૅન રહ્યો હતો. તેણે ચાર મૅચમાં ૫૨.૫૭ની સરેરાશથી ૩૬૮ રન બનાવ્યા હતા અને ઓપનર તરીકે વિદેશમાં પહેલી સદી ફટકારી હતી. રોહિતે ઇંગ્લૅન્ડના પ્રદર્શન વિશે વાત કરતાં કહ્યું કે ‘અંગત રીતે મારા માટે આ પ્રવાસ સૌથી સારો રહ્યો હતો. આ પ્રવાસમાં મળેલા આત્મવિશ્વાસને ભવિષ્યના પ્રવાસમાં પણ યથાવત્ રાખવા માગીશ.

sports sports news cricket news test cricket india england rohit sharma