બે કૅપ્ટન્સીની પ્રથા કોહલી અને રોહિત માટે છૂપા આશીર્વાદ : રવિ શાસ્ત્રી

28 December, 2021 11:50 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

શાસ્ત્રીનું દઢપણે માનવું છે કે રેડ બૉલ અને વાઇટ બૉલના ફૉર્મેટ માટે ભિન્ન સુકાની રાખવાની નવી નીતિ મારી દૃષ્ટિએ વિરાટ કોહલી અને રોહિત શર્મા બન્ને માટે છૂપા આશીર્વાદ સાબિત થઈ શકે છે

ભૂતપૂર્વ હેડ-કોચ રવિ શાસ્ત્રી

ભારતીય ક્રિકેટની નૅશનલ ટીમ માટે રેડ અને વાઇટ બૉલ ફૉર્મેટમાં સ્પ્લીટ કૅપ્ટન્સી (અલગ-અલગ કૅપ્ટનની)ની નવી પ્રથા શરૂ કરવાના નિર્ણયને ભૂતપૂર્વ હેડ-કોચ રવિ શાસ્ત્રીએ ગઈ કાલે ટેકો આપ્યો હતો અને પી.ટી.આઇ. સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘કૅપ્ટન્સીની બાબતમાં આ નિર્ણય યોગ્ય છે.’
બીસીસીઆઇ અને સિલેક્શન કમિટીએ વિરાટ કોહલી પાસે ટેસ્ટ-ક્રિકેટ (રેડ બૉલની)ની કૅપ્ટન્સી જાળવી રાખી છે, પરંતુ તેણે છોડેલી ટી૨૦ની કૅપ્ટન્સીની અને તેની પાસેથી લઈ લેવામાં આવેલી વન-ડેની કૅપ્ટન્સી (વાઇટ બૉલની)ની જવાબદારી મર્યાદિત ઓવર્સની ક્રિકેટના ટોચના ખેલાડી અને સ્ટાર ઓપનર રોહિત શર્માને સોંપવામાં આવી છે. આઇપીએલમાં રોહિતના નેતૃત્વમાં મુંબઈ ઇન્ડિયન્સ વિક્રમજનક પાંચ ટાઇટલ જીત્યું છે.
શાસ્ત્રીનું દઢપણે માનવું છે કે રેડ બૉલ અને વાઇટ બૉલના ફૉર્મેટ માટે ભિન્ન સુકાની રાખવાની નવી નીતિ મારી દૃષ્ટિએ વિરાટ કોહલી અને રોહિત શર્મા બન્ને માટે છૂપા આશીર્વાદ સાબિત થઈ શકે છે, કારણ એ છે કે બાયો-બબલ અને કોવિડ સંબંધિત પ્રોટોકોલનો વર્તમાન સમયગાળો હજી એકાદ વર્ષ લંબાય તો એક કૅપ્ટનથી બધી ટીમો સંભાળવી મુશ્કેલ બની જાય. આ સ્થિતિમાં બે કૅપ્ટન્સીની પદ્ધતિ કારગત નીવડી શકે.’

"મને કોહલીની કૅપ્ટન્સી-સ્ટાઇલ કપિલ દેવ જેવી અને રોહિતની સ્ટાઇલ સની ગાવસકર જેવી લાગે છે. કપિલની જેમ કોહલી સુકાન સંભાળવામાં સાહસી અને જેવી સ્થિતિ એવી નીતિનો રાહ અપનાવનારો છે. ગાવસકરની માફક રોહિત શાંત મગજનો અને પાકો ગણતરીબાજ છે." : રવિ શાસ્ત્રી

sports sports news cricket news india virat kohli rohit sharma ravi shastri