17 February, 2026 09:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કર્ણાટકના કૅપ્ટન દેવદત્ત પડિક્કલે ૩૩૦ બૉલમાં ૨૯ ફોર અને ૩ સિક્સની મદદથી ૨૩૨ રન કર્યા હતા
રણજી ટ્રોફી ૨૦૨૫-’૨૬ના સેમી-ફાઇનલના જંગના બીજા દિવસે પણ ધમાકેદાર પ્રદર્શન જોવા મળ્યાં હતાં. કર્ણાટકના કૅપ્ટન દેવદત્ત પડિક્કલે પ્રથમ ફર્સ્ટ-ક્લાસ ડબલ સેન્ચુરી ફટકારીને ઉત્તરાખંડ સામે પહેલી ઇનિંગ્સનો સ્કોર ૬૮૯/૬ કર્યો હતો. બીજા દિવસે પણ ઉત્તરાખંડના બોલર્સને પિચ પર ભારે મહેનત કરવી પડી હતી. જમ્મુ ઍન્ડ કાશ્મીરના કૅપ્ટન પારસ ડોગરાએ ૧૪૬ મૅચમાં પોતાના ૧૦,૦૦૦ રણજી રન પૂરા કર્યા હતા. રણજી ટ્રોફીમાં મુંબઈના ભૂતપૂર્વ ક્રિકેટર વસીમ જાફર (૧૫૬ મૅચમાં ૧૨,૦૩૮ રન) બાદ તે ૧૦,૦૦૦ રન કરનાર માત્ર બીજો બૅટર બન્યો છે.
જમ્મુ ઍન્ડ કાશ્મીર માટે ૫૮ રનની ઇનિંગ્સ રમીને કૅપ્ટન પારસ ડોગરા ૧૦,૦૦૦ રણજી રન કરનાર બીજો બૅટર બન્યો
બંગાળે ૯૭.૧ ઓવરમાં સુદીપ કુમારની ૨૪૬ બૉલમાં ૧૪૬ રનની ઇનિંગ્સના આધારે પહેલી ઇનિંગ્સમાં ૧૦ વિકેટ ગુમાવીને ૩૨૮ રન કર્યા હતા. પહેલા દિવસે તેમનો સ્કોર ૨૪૯/૫ હતો. જમ્મુ ઍન્ડ કાશ્મીરના ફાસ્ટ બોલર આકિબ નબી દારે પાંચ વિકેટ અને સુનીલ કુમારે ૩ વિકેટ લીધી હતી. બંગાળના મોહમ્મદ શમી (૩ વિકેટ) અને મુકેશ કુમાર (૨ વિકેટ)ના તરખાટ વચ્ચે જમ્મુ ઍન્ડ કાશ્મીરે ૭.૧ ઓવરમાં ૧૩ રનના સ્કોર પર ત્રણેય ટૉપ-ઑર્ડર બૅટરની વિકેટ ગુમાવી દીધી હતી. ચોથા ક્રમે રમીને કૅપ્ટન પારસ ડોગરાએ ૧૧૨ બૉલમાં ૭ ફોરની મદદથી ૫૮ રન કર્યા હતા. જમ્મુ ઍન્ડ કાશ્મીર માટે પાંચમા ક્રમે રમી રહેલા અબ્દુલ સમદે ૮૫ બૉલમાં ૧૨ ફોરના આધારે ૮૨ રન ફટકાર્યા હતા. બંગાળ પાસે હજી ૧૩૦ રનની લીડ બચી છે.
બંગાળ માટે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ૧૩ ઓવરમાં ૬૦ રન આપીને બે ઓપનર્સ સહિત ૩ પ્લેયર્સની વિકેટ લીધી હતી
ઉત્તરાખંડ સામે પહેલા દિવસે કર્ણાટકે ૯૦ ઓવરમાં બે વિકેટના નુકસાન સાથે ૩૫૫ રન કર્યા હતા. બીજા દિવસે કૅપ્ટન દેવદત્ત પડિક્કલની ડબલ સેન્ચુરીને કારણે કર્ણાટકે ૧૮૦ ઓવરમાં પહેલી ઇનિંગ્સનો સ્કોર ૬૮૯/૬ સુધી પહોંચાડ્યો હતો. દેવદત્ત પડિક્કલે ૩૩૦ બૉલમાં ૨૯ ફોર અને ૩ સિક્સની મદદથી ૨૩૨ રન કર્યા હતા. ૧૧૮મી ઓવરમાં ૪૮૪ રનના સ્કોર પર દેવદત્તની વિકેટ પડી હતી. ત્યાર બાદ સ્મરણ રવિચન્દ્રને ૧૯૧ બૉલમાં ૧૨૧ રન, કરુણ નાયરે ૧૦૫ બૉલમાં ૬૦ રન અને ક્રુતિક ક્રિષ્નાએ ૧૦૩ બૉલમાં ૬૦ રનનું યોગદાન આપ્યું હતું. ઉત્તરાખંડના સ્પિનર આદિત્ય રાવતે ૨૯ ઓવરમાં ૧૩૨ રન આપીને સૌથી વધુ ૩ વિકેટ લીધી હતી.