01 February, 2026 09:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
રણજી ટ્રોફી ૨૦૨૫-’૨૬ના ગ્રુપ-સ્ટેજ રાઉન્ડની અંતિમ અને સાતમી મૅચનો આજે અંતિમ દિવસ છે. એલીટ કૅટેગરીનાં ૪ ગ્રુપમાં ટૉપ ટૂમાં સ્થાન મેળવી ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં પહોંચવા માટે મોટા ભાગની ટીમ અંતિમ પ્રયાસ કરશે. હાલમાં ગ્રુપ Aમાં આંધ્ર પ્રદેશ, ઝારખંડ; ગ્રુપ Bમાં મધ્ય પ્રદેશ, સૌરાષ્ટ્ર; ગ્રુપ Cમાં બંગાળ, હરિયાણા અને ગ્રુપ Dમાં મુંબઈ, જમ્મુ ઍન્ડ કાશ્મીર ટૉપ ટૂ ટીમ છે. આજના અંતિમ દિવસના રિઝલ્ટ બાદ ટૉપ ટૂ ટીમોમાં ફેરફાર પણ થઈ શકે છે.
પહેલી ઇનિંગ્સમાં દિલ્હીના ૨૨૧ રનના સ્કોર સામે મુંબઈ ગઈ કાલે ૧૦૩.૨ ઓવરમાં સિદ્ધેશ લાડની ૧૦૩ રનની ઇનિંગ્સના આધારે ૩૧૭ રન કરીને ઑલઆઉટ થયું હતું. દિલ્હીએ ત્રીજા દિવસના અંતે બીજી ઇનિંગ્સમાં ૫૧ ઓવરમાં ૨૦૬/૪નો સ્કોર કરીને ૧૧૦ રનની લીડ મેળવી હતી. આ મૅચના રિઝલ્ટથી મુંબઈની નૉકઆઉટ રાઉન્ડની ભાગીદારીને કોઈ ખાસ અસર થશે નહીં. ૩૦ પૉઇન્ટ સાથે ગ્રુપ Dની નંબર વન ટીમ મુંબઈ માટે દિલ્હી સામેની મૅચ એક ઔપચારિક મૅચ જ છે. દિલ્હીની ટીમ હાલમાં એક હાર, પાંચ હાર અને ઝીરો જીત સાથે છઠ્ઠા ક્રમે છે.