દ્રવિડે ઑસ્ટ્રેલિયા પાસેથી શીખીને તૈયાર કરી પ્રતિભા‍વાન ખેલાડીઓની ફોજ : ચૅપલ

13 May, 2021 03:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયન દિગ્ગજ ખેલાડી ગ્રેગ ચૅપલના મતે પ્રતિભાવાન ખેલાડીઓને કેવી રીતે શોધવા એ ઑસ્ટ્રેલિયા પાસેથી શીખીને રાહુલ દ્રવિડે ઑસ્ટ્રેલિયા કરતાં પણ સારી પદ્ધતિ ભારતમાં શરૂ કરી.

ગ્રેગ ચૅપલ

ઑસ્ટ્રેલિયન દિગ્ગજ ખેલાડી ગ્રેગ ચૅપલના મતે પ્રતિભાવાન ખેલાડીઓને કેવી રીતે શોધવા એ ઑસ્ટ્રેલિયા પાસેથી શીખીને રાહુલ દ્રવિડે ઑસ્ટ્રેલિયા કરતાં પણ સારી પદ્ધતિ ભારતમાં શરૂ કરી. ઑસ્ટ્રેલિયા પણ હવે સારા ખેલાડીઓની શોધ કરવામાં પાછળ રહી ગયું છે. યુવા ખેલાડીઓની શોધ કરીને તેમને તક આપવામાં ભારત અને ઇંગ્લૅન્ડ બન્ને આગળ નીકળી ગયાં છે. ચૅપલે ક્રિકેટડોટકૉમ વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘રાહુલને કારણે આ શક્ય બન્યું. વળી તેમની પાસે વસતિને કારણે વધારે વિકલ્પો પણ હતા.’ 

દ્રવિડ હાલ બૅન્ગલોરમાં આવેલી નૅશનલ ક્રિકેટ ઍકૅડૅમીમાં ક્રિકેટ ઑપરેશનનો ડિરેક્ટર છે તેમ જ ૨૦૧૬થી ૨૦૧૯ વચ્ચે ઇન્ડિયા-એ અને અન્ડર-૧૯ ક્રિકેટ ટીમનો કોચ પણ હતો. ચૅપલે કહ્યું હતું કે ‘સારા ખેલાડીની શોધ કરી તેમને તક આપવામાં ઑસ્ટ્રેલિયા સૌથી આગળ હતું, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં પરિસ્થિતિ બદલાઈ છે. હવે ઇંગ્લૅન્ડ અને ભારત આપણા કરતાં સારું કરી રહ્યાં છે.’

૭૨ વર્ષના ઑસ્ટ્રેલિયન દિગ્ગજે આ વર્ષની શરૂઆતમાં ભારતના નવા ખેલાડીઓએ ટેસ્ટસિરીઝમાં મેળવેલા વિજયનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ‘બ્રિસ્બેન ટેસ્ટમાં ભારતીય ટીમમાં ત્રણથી ચાર નવા ખેલાડીઓ હતા. આ ખેલાડીઓ ઇન્ડિયા-એ તરફથી ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ ઘણી મૅચ રમી ચૂક્યા હતા. તેથી તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો પણ સારો અનુભવ હતો. બીજી તરફ ઑસ્ટ્રેલિયાના યુવા ખેલાડીઓને એવો કોઈ અનુભવ નહોતો. આ બાબત સૌથી મહત્ત્વની હતી.’ 

australia cricket news sports sports news india rahul dravid