કમિન્સ યુએઈમાં રમાનારી આઇપીએલમાં નહીં રમે

31 May, 2021 03:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાકીની મૅચોમાં ખેલાડીઓને મોકલવાના મામલે નિર્ણય લેશે ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ

પૅટ કમિન્સ

કલકત્તાનો ફાસ્ટ બોલર પૅટ કમિન્સ યુએઈમાં રમાનારી આઇપીએલની બાકી રહેલી મૅચોમાં નહીં રમે. અન્ય ખેલાડીઓને માનસિક રીતે થકવી નાખનારા બાયો-બબલમાં ખેલાડીઓને મોકલવા કે નહીં એ મામલે ઑસ્ટ્રેલિયાનું ક્રિકેટ બોર્ડ ચર્ચા કરશે. કોરોનાકેસ મળવાને કારણે આઇપીએલને આ મહિનાની શરૂઆતમાં મોકૂફ રાખવી પડી હતી. ગઈ કાલના ‘સિડની મૉર્નિંગ હેરાલ્ડ’માં આવેલા અહેવાલ મુજબ મોટી પ્રાઇસમાં સાઇન થયો હોવા છતાં કમિન્સ આઇપીએલની આ સીઝનની બાકીની મૅચોમાં નહીં રમે. બીજી તરફ ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ પણ આ વર્ષે ઑક્ટોબર-નવેમ્બર દરમ્યાન ભારતમાં રમાનારા ટી૨૦ વર્લ્ડ કપ અને ખેલાડીઓ પર પડનારા દબાણ સંદર્ભે દરેક બાબતની ચર્ચા કરશે. ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓને ભારતથી સ્વદેશ પાછા ફરતાં પહેલાં મૉલદીવ્ઝમાં કેટલોક સમય ક્વૉરન્ટીન થવું પડ્યું હતું તેમ જ પ્રવાસનાં નિયંત્રણોનો પણ સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ વર્લ્ડ કપ પણ યુએઈમાં જ રમાય એવી શક્યતા છે એથી ખેલાડીઓને આઇપીએલ દ્વારા ત્યાં રમવાનો અનુભવ પણ મળી જાય એ વાતને પણ બોર્ડ ધ્યાનમાં રાખી રહ્યું છે. 

ઇંગ્લૅન્ડ ક્રિકેટ બોર્ડના ડિરેક્ટરે કહ્યું કે જૂન પછી વ્યસ્ત કાર્યક્રમને કારણે ઇંગ્લૅન્ડના ખેલાડીઓ પણ ટુર્નામેન્ટની બાકીની મૅચોમાં નહીં રમે. જૂન મહિનાના અંતમાં અને ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં ઑસ્ટ્રેલિયા વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે જશે. ત્યાર બાદ અફઘાનિસ્તાન સામે ટેસ્ટ અને ઍશિઝ સિરીઝનો સમાવેશ થાય છે. ઑસ્ટ્રેલિયાની ટીમ બંગલા દેશના પ્રવાસે પણ જશે. જોકે એ પ્રવાસ હજી ફાઇનલ થયો નથી. બંગલા દેશ ક્રિકેટ બોર્ડે પાંચ ટી૨૦ મૅચોનું આયોજન કર્યું છે. તાજેતરમાં મોકૂફ રાખવામાં આવેલી આઇપીએલમાં ક્રિકેટર, સપોર્ટ સ્ટાફ અને બ્રૉડકાસ્ટર્સ મળીને કુલ ૪૦ લોકોએ ભાગ લીધો હતો. 

kolkata knight riders cricket news sports news sports united arab emirates ipl 2021 indian premier league