પૅટ કમિન્સને લાગે છે કે આઇપીએલમાં અમુક બાબતો સારી રીતે થઈ શકી હોત

06 May, 2021 02:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમના વાઇસ-કૅપ્ટન અને આઇપીએલમાં કલકત્તા નાઇટ રાઇડર્સ વતી રમતા પૅટ કમિન્સને લાગે કે ભારતીય ક્રિકેટ બોર્ડ આઇપીએલમાં અમુક બાબતો સારી રીતે કરી શક્યું હોત.

પૅટ કમિન્સ

ઑસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમના વાઇસ-કૅપ્ટન અને આઇપીએલમાં કલકત્તા નાઇટ રાઇડર્સ વતી રમતા પૅટ કમિન્સને લાગે કે ભારતીય ક્રિકેટ બોર્ડ આઇપીએલમાં અમુક બાબતો સારી રીતે કરી શક્યું હોત. 

કોરોનાને લીધે ગઈ સીઝનમાં આઇપીએલ પહેલાં પોસ્ટપોન કર્યા બાદ યુએઈમાં યોજાઈ હતી. જોકે આ વર્ષે એનું ભારતમાં જ આયોજન થયું હતું, પણ બાયો-બબલમાં કોરોનાના પ્રવેશને લીધે મંગળવારે અનિશ્ચિત સમય માટે પોસ્ટપોન કરી દેવામાં આવી હતી. 

મંગળવારે આઇપીએલ પોસ્ટપોન કરવાનો નિર્ણય લેવાયો એ પહેલાં ફૉક્સ સ્પોર્ટ્સને આપેલા ઇન્ટરવ્યુમાં કમિન્સે કહ્યું હતું કે ‘ગયા વર્ષે આઇપીએલ યુએઈમાં રમાડવામાં આવી હતી, જેનું શાનદાર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ વર્ષે એક કદમ આગળ વધીને ભારતનાં કેટલાંક શહેરોમાં આયોજન કરવાનો નિર્ણય લીધો હતો. અમુક વસ્તુઓને જોઈને હું ખાતરીપૂર્વક કહી શકું છું કે તેઓ અમુક બાબતો સારી રીતે કરી શક્યા હોત.’

કોરોનાને લીધે લોકો મરી રહ્યા છે ત્યારે આઇપીએલના આયોજન માટે ખૂબ ટીકા થઈ રહી છે. આ બાબતે કમિન્સે કહ્યું હતું કે ‘બે અલગ-અલગ દુનિયામાં આપણે જીવી રહ્યા છીએ. અમે નસીબદાર, સલામત અને સુરક્ષિત છીએ જ્યારે અમુક લોકો સામાન્ય મેડિકલ સારવાર માટે વલખાં મારી રહ્યા છે. પહેલાં તો એ જાણવું જરૂરી હતું કે આઇપીએલમાં રમવાનો અમારો નિર્ણય યોગ્ય હતો કે નહીં. બધા કહેતા હતા કે આ કપરાકાળમાં અમારા રમવાથી કરોડો લોકોને ત્રણથી ચાર કલાક મનોરંજન મળી રહેશે. મારાથી જે શક્ય હતું એ બધું મેં કર્યું. ભારત મારા માટે અને અનેક ક્રિકેટરો માટે એક અદ્ભુત દેશ છે.’

cricket news sports news sports ipl 2021 indian premier league