ઉમરાન મલિકની બોલિંગ કોહલીને ગમી ગઈ : યુએઈમાં જ રહેવા કહ્યું

12 October, 2021 05:07 PM IST  |  Abu Dhabi | Gujarati Mid-day Correspondent

ફળના વેપારીનો આ પુત્ર આઇપીએલમાં ફાસ્ટેસ્ટ બૉલ ફેંકી ચૂક્યો છે

ઉમરાન મલિક, વિરાટ કોહલી

આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ વતી ઝળકેલા જમ્મુ અને કાશ્મીરના પેસ સેન્સેશન ઉમરાન મલિકની બોલિંગથી વિરાટ કોહલી એટલો બધો ખુશ છે કે તેણે તેને યુએઈમાં જ રહેવા કહ્યું છે જેથી ૧૭ ઑક્ટોબરે યુએઈમાં શરૂ થનારા ટી૨૦ વર્લ્ડ કપ માટેની પ્રૅક્ટિસ દરમ્યાન તે ટીમ ઇન્ડિયાને નેટ-બોલર તરીકે કામ લાગી શકે. ૨૧ વર્ષના ઉમરાનની જિંદગી માત્ર બે ડોમેસ્ટિક મૅચ અને આઇપીએલથી બદલાઈ ગઈ છે. સતત કલાકે ૧૫૦ કિલોમીટરની ઝડપે બૉલ ફેંકી શકતા ઉમરાને એક તબક્કે ૧૫૩ કિલોમીટરની ઝડપે બૉલ ફેંક્યો હતો જે આઇપીએલમાં રમી ચૂકેલા ભારતીય બોલરોમાં ફાસ્ટેસ્ટ બૉલ ગણાય છે.

ઉમરાન મલિકની બોલિંગ-સ્ટાઇલની સરખામણી પાકિસ્તાનના લેજન્ડ વકાર યુનુસ સાથે થાય છે. ઉમરાનના પિતા કાશ્મીરમાં ફળોના વેપારી છે.

ઉમરાને આઇપીએલની ત્રણ મૅચમાં બે વિકેટ લીધી હતી. એ બે વિકેટ યંગ સેન્સેશન્સ મુંબઈના ઈશાન કિશન અને બૅન્ગલોરના શ્રીકાર ભરતની હતી.

sports sports news cricket news indian premier league ipl 2021 hyderabad royal challengers bangalore