ન્યુ ઝીલૅન્ડની ત્રણ ક્રિકેટરોની અપીલ, ‘મહિલા આઇપીએલ જલદી શરૂ કરો’

21 December, 2021 01:01 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારતીય ક્રિકેટ બોર્ડ ૨૦૧૮, ૨૦૧૯ અને ૨૦૨૦માં પુરુષોની આઇપીએલ દરમ્યાન મહિલાઓની ત્રણ ટીમની એક્ઝિબિશન મૅચો રમાડી ચૂક્યું છે

ન્યુ ઝીલૅન્ડની ક્રિકેટ-કૅપ્ટન સૉફી ડિવાઇન (ડાબે) અગાઉ હૉકી-પ્લેયર હતી. સુઝી બેટ્સ (વચ્ચે) ક્રિકેટર બનતાં પહેલાં બાસ્કેટબૉલ પ્લેયર હતી. લેગ સ્પિનર ઍમેલિયા કેર (જમણે) ૨૦૧૮માં વન-ડેમાં ડબલ સેન્ચુરી (આયરલૅન્ડ સામે અણનમ ૨૩૨) ફટકારનાર ક્રિકેટજગતની (પુરુષ અને મહિલા, બન્ને વર્ગ) યંગેસ્ટ પ્લેયર બની હતી.

ન્યુ ઝીલૅન્ડની મહિલા ક્રિકેટ ટીમની કૅપ્ટન સૉફી ડિવાઇન તેમ જ તેની બે સાથીખેલાડીઓ સુઝી બેટ્સ અને ઍમેલિયા કેરની ઇચ્છા છે કે ભારતની વિશ્વપ્રસિદ્ધ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના બૅનર હેઠળ વહેલી તકે મહિલાઓ માટેની આઇપીએલ પણ શરૂ કરવામાં આવે. ભારતીય ક્રિકેટ બોર્ડ ૨૦૧૮, ૨૦૧૯ અને ૨૦૨૦માં પુરુષોની આઇપીએલ દરમ્યાન મહિલાઓની ત્રણ ટીમની એક્ઝિબિશન મૅચો રમાડી ચૂક્યું છે. જોકે ઘણા સમયથી ભારતીય મહિલા ક્રિકેટરો પણ વિમેન્સ આઇપીએલ શરૂ કરવાની માગણી કરી રહી છે.
ગઈ કાલે ઍમેઝૉન પ્રાઇમ વિડિયોની વર્ચ્યુઅલ ઇવેન્ટમાં સૉફી, સુઝી, ઍમેલિયાનાં મહિલા આઇપીએલ બાબતનાં મંતવ્યો માગવામાં આવ્યાં ત્યારે તેમણે કહ્યું કે ઑસ્ટ્રેલિયામાં મહિલાઓની બિગ બૅશ લીગ ખૂબ સફળ થઈ હોવાથી એના આધારે આઇપીએલમાં પણ મહિલા લીગ શરૂ થવી જોઈએ જેનાથી મહિલા ક્રિકેટનું સ્તર વધુ ઉપર આવશે.’
ન્યુ ઝીલૅન્ડના પુરુષ ક્રિકેટરો ‘બ્લૅક કૅપ્સ’ તરીકે અને મહિલા ક્રિકેટ ટીમ ‘વાઇટ ફર્ન્સ’ તરીકે ઓળખાય છે. ૨૦૨૨ના વર્ષની શરૂઆતમાં ન્યુ ઝીલૅન્ડમાં મહિલાઓનો વન-ડે વર્લ્ડ કપ રમાશે એ પહેલાં ત્યાં ભારતીય મહિલા ટીમ ‘વાઇટ ફર્ન્સ’ સાથે પાંચ વન-ડે અને એક ટી૨૦ રમશે.

અમારે માટે ફેવરિટના ટૅગ કરતાં હાર્ડવર્ક અને પ્લાનિંગ વધુ મહત્ત્વનાં : કેન વિલિયમસન

ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન કેન વિલિયમસને ગઈ કાલની ઇવેન્ટમાં આઇસીસીની સ્પર્ધાઓમાં તેની ટીમને હજી સુધી ન મળેલા ‘ફેવરિટ ટૅગ’ વિશે પૂછવામાં આવતાં કહ્યું હતું કે ‘અમને ફેવરિટ તરીકેનો ટૅગ મળે કે ન મળે એના પર અમે ધ્યાન નથી આપતા. અમે ખાસ તો ટીમને લગતા બહોળા પરિપ્રેક્ષ્ય પર લક્ષ આપીને ટીમ માટે શું-શું સંભવ છે એને તેમ જ ખાસ કરીને હાર્ડવર્ક તથા પ્લાનિંગને વધુ મહત્ત્વ આપીએ છીએ. અમે ટીમ તરીકે હંમેશાં પૂરા દિલથી રમીએ છીએ.’
આ વર્ચ્યુઅલ ઇવેન્ટમાં અભિનેતા મનોજ બાજપેયી અને અભિનેત્રી સાયની ગુપ્તા તેમ જ કિવી ખેલાડીઓ ટિમ સાઉધી અને કાઇલ જૅમીસને પણ હાજરી આપી હતી.

sports sports news cricket news indian premier league new zealand