News in Shorts IPL 2023 : એમએસ ધોની જેવો કોઈ કૅપ્ટન નથી અને થશે પણ નહીં : ગાવસકર

18 April, 2023 11:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુશ્કેલ સ્થિતિમાંથી કેવી રીતે બહાર આવવું એ સીએસકેની ટીમ બહુ સારી રીતે જાણે છે.

સુનિલ ગાવસ્કર

એમએસ ધોની જેવો કોઈ કૅપ્ટન નથી અને થશે પણ નહીં : ગાવસકર

બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકરે મહેન્દ્ર સિંહ ધોનીને આઇપીએલનો બેસ્ટ કૅપ્ટન ગણાવતાં બ્રૉડકાસ્ટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ‘આઇપીએલમાં ધોની જેવો કોઈ કૅપ્ટન થયો નથી અને ભવિષ્યમાં જોવા પણ નહીં મળે. મુશ્કેલ સ્થિતિમાંથી કેવી રીતે બહાર આવવું એ સીએસકેની ટીમ બહુ સારી રીતે જાણે છે. ૨૦૦ મૅચમાં સુકાન સંભાળવું એ બહુ મોટી વાત કહેવાય. આટલા તોતિંગ બોજ નીચે ખુદ ધોનીના પર્ફોર્મન્સ પર વિપરીત અસર થઈ શકે એમ હતી, પણ માહી સાવ નોખો જ સુકાની છે.’

સીએસકેમાં દરેકને સરખું માન મળે છે : જાડેજા

ચેન્નઈ સુપર કિંગ્સમાં ૨૦૧૨ની સાલમાં જોડાઈને એને અનેક મૅચો જિતાડનાર રવીન્દ્ર જાડેજાએ ગઈ કાલે સ્ટાર સ્પોર્ટ્‍સને જણાવ્યું કે ‘સીએસકે મૅનેજમેન્ટ અને માલિકો ક્યારેય કોઈ ખેલાડી પર કોઈ પણ પ્રકારનું પ્રેશર નથી મૂકતાં. હું ૧૧ વર્ષથી આ ટીમ સાથે જોડાયેલો છું અને ત્યારથી મેં તેમનો પ્લેયર્સ પ્રત્યેનો એકસરખો અપ્રોચ જોયો છે. કોઈ ખેલાડી સારું ન રમતો હોય તો તેને વધુ નિરાશા થાય એવું આ ટીમના સંચાલકો કે માલિકો કંઈ જ નથી કહેતા.’

કૅપ્ટન સૂર્યાને દંડઃ શોકીન, રાણાની પણ મૅચ-ફી કપાઈ

વાનખેડેમાં રવિવારે રમાયેલી આઇપીએલની મૅચમાં કલકત્તા નાઇટ રાઇડર્સની ઇનિંગ્સમાં નિર્ધારિત સમયમાં પોતાની ટીમ પાસે ૨૦ ઓવર પૂરી ન કરાવી શકવા બદલ મુંબઈ ઇન્ડિયન્સના કાર્યવાહક કૅપ્ટન સૂર્યકુમાર યાદવને ૧૨ લાખ રૂપિયાનો દંડ થયો હતો. તેની ટીમે ૨૦ ઓવર પૂરી કરવા માટે વધુ બેથી અઢી ઓવર જેટલો સમય લીધો હતો. આ સીઝનમાં સ્લો ઓવર-રેટ બદલ દંડ ભોગવનાર તે ડુ પ્લેસી, સૅમસન અને હાર્દિક પછીનો ચોથો સુકાની છે. મુંબઈના સ્પિનર રિતિક શોકીન અને કલકત્તાના કૅપ્ટન નીતીશ રાણા વચ્ચે જે ચકમક થઈ હતી એમાં શોકીનની ૧૦ ટકા અને રાણાની પચીસ ટકા મૅચ-ફી કાપી લેવાઈ હતી. રાણાને આઉટ કર્યા બાદ શોકીને હાથ વડે તેને પૅવિલિયનનો રસ્તો બતાવતો સંકેત કર્યો હતો. રાણા ડગઆઉટ તરફ જઈ રહ્યો હતો, પણ પાછો આવ્યો અને શોકીનને ગુસ્સામાં કશુંક બોલ્યો હતો. સૂર્યકુમાર અને પીયૂષ ચાવલાએ વચ્ચે પડીને મામલો ઠંડો પાડ્યો હતો.

બીસીસીઆઇની ૭૯ કરોડ રૂપિયાની માફી

બીસીસીઆઇએ ૨૦૧૮-૨૦૨૩ માટેના સ્ટાર ઇન્ડિયા સાથેના મીડિયા રાઇટ્સ ઍગ્રીમેન્ટમાંથી ૭૮.૯૦ કરોડ રૂપિયા માફ કરી દીધા છે. સ્ટાર સાથેના કુલ ૬૧૩૮.૧૦ કરોડ રૂપિયાના ડીલ મુજબ આ પાંચ વર્ષમાં કુલ ૧૦૨ મૅચ રમાશે એવું નક્કી થયું હતું, એક વધુ એટલે કે ૧૦૩ મૅચ રમાઈ એટલે ભારતીય ક્રિકેટ બોર્ડે મીડિયા રાઇટ્સની એક મૅચ જેટલી રકમ (૭૮.૯૦ કરોડ રૂપિયા) કાપી આપી છે. જોકે સ્ટારની નજીકનાં સૂત્રો કહે છે, ‘કરાર મુજબ બીસીસીઆઇએ ૧૦૨ મૅચ રાખવાની હતી એટલે એક મૅચની ફી તેમણે કાપી આપી એ મુદ્દો જ ઉપસ્થિત નથી થતો. સ્ટારે ૧૦૨ મૅચના પૈસા આપવાના હતા અને હવે એટલા જ આપવાનું છે.’

બ્રાઝિલના પૅરા બૅડ‍્મિન્ટનમાં પ્રમોદ-સુકાંત ગોલ્ડ જીત્યા

ભારતના દિવ્યાંગ બૅડ્મિન્ટન ખેલાડીઓ પ્રમોદ ભગત અને સુકાંત કદમ બ્રાઝિલ પૅરા-બૅડ્મિન્ટન ઇન્ટરનૅશનલની ડબલ્સની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યા છે. તેમણે રસાકસીભરી ફાઇનલમાં કોરિયાના જુ ડૉન્ગજેઇ અને શિન ક્યુન્ગ વાનને ૨૨-૨૦, ૨૧-૧૯થી હરાવ્યા હતા. ઓડિશાનો પ્રમોદ દિવ્યાંગ બૅડ્મિન્ટન ખેલાડીઓમાં વર્લ્ડ નંબર વન છે. સાંગલીનો સુકાંત પણ વિશ્વના ટોચના પૅરા ખેલાડીઓમાં ગણાય છે. બન્નેને પોલિયો છે. ભારતની ૧૮ વર્ષની દિવ્યાંગ ખેલાડી નિત્યા શ્રી સુમંતી સિવન વિમેન્સ સિંગલ્સમાં અને શિવરાજન સાથે મળીને મિક્સ્ડ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીતી હતી.

ભારતે પાકિસ્તાનને ડૉટા 2 ટુર્નામેન્ટમાં હરાવ્યું

વિડિયો ગેમ્સના ઉપયોગથી સ્પર્ધાના રૂપમાં રમાતી ડૉટા 2 નામની ઈસ્પોર્ટ્સ (ઇલેક્ટ્રોનિક સ્પોર્ટ્સ) ટુર્નામેન્ટમાં ભારતે પાકિસ્તાનને ફાઇનલમાં ૩-૨થી હરાવીને ચૅમ્પિયનપદ મેળવ્યું છે. પાકિસ્તાને પહેલો રાઉન્ડ ૪૫-૩૭થી, ભારતે બીજો રાઉન્ડ ૩૯-૩૧થી, પાકિસ્તાને ત્રીજો રાઉન્ડ ૬૯-૪૦થી અને ભારતે ચોથો તથા પાંચમો રાઉન્ડ ૪૦-૨૨ અને ૪૬-૪૫થી જીતી લીધો હતો.

sports news sports chennai super kings ravindra jadeja indian premier league ms dhoni border-gavaskar trophy ipl 2023 cricket news board of control for cricket in india kolkata knight riders mumbai indians