ન્યૂઝ શોર્ટમાં: ટૂંકમાં વાંચો સ્પોર્ટ્સ સંબંધિત તમામ સમાચાર

07 May, 2021 02:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રીલંકાની બંગલા દેશમાં ત્રણ વન-ડેની નાનકડી સિરીઝની ગઈ કાલે જાહેરાત કરવામાં આવી હતી.

પ્રતીકાત્મક તસવીર

ત્રણ વન-ડે રમવા માટે બંગલા દેશ જશે શ્રીલંકાની ટીમ
શ્રીલંકાની બંગલા દેશમાં ત્રણ વન-ડેની નાનકડી સિરીઝની ગઈ કાલે જાહેરાત કરવામાં આવી હતી. ત્રણેય વન-ડે ડે-નાઇટ હશે અને એ મીરપુરમાં ૨૩, ૨૫ અને ૨૮ મેએ રમાશે. આ સાથે કોરોનાકાળમાં બંગલા દેશમાં ટૂર પર જનાર શ્રીલંકા બીજી ટીમ બનશે. આ પહેલાં જાન્યુઆરીમાં બે ટેસ્ટ અને ત્રણ વન-ડે રમવા વેસ્ટ ઇન્ડીઝ ગઈ હતી. 

મિક્સ્ડ ડબલ્સમાં બોપન્ના ક્વૉર્ટર ફાઇનલમાં 
ભારતીય ટેનિસ સ્ટાર રોહન બોપન્ના અને તેની મહિલા પાર્ટનર કૅનેડાની ડેનિસ શાપોવાલોવે મૅડ્રિડ ઓપન માસ્ટર્સમાં વર્લ્ડ 
નંબર વન જોડીને હરાવીને મિક્સ્ડ ડબલ્સની ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયા હતાં. બોપન્ના-શાપોવાલોવે નંબર વન જૉન સૅબેસ્ટિયન કેબલ અને રૉબર્ટ ફારાહને સીધા સેટમાં ૬-૩, ૬-૪થી હરાવ્યા હતા. હવે તેમનો મુકાબલો જર્મની જોડી ઍલેક્ઝાન્ડર ઝ્વેરેવ અને ટિમ પ્યુઇત્ઝ સામે થશે. 

સ્ટૅટિસ્ટિશ્યન દિનાર ગુપ્તેનું કોરોનાને લીધે મૃત્યુ
ભારતના જાણીતા ક્રિકેટ સ્ટૅટિસ્ટિશ્યન દિનાર ગુપ્તે ગઈ કાલે કોરોના સામેનો જંગ હારી ગયા હતા. તેઓ ૭૬ વર્ષના હતા અને વડોદરા રહેતા હતા. તેમણે ૧૫ કરતાં વધુ વર્ષ સુધી ભારતીય ક્રિકેટ બોર્ડના ઑફિશ્યલ સ્ટૅટિસ્ટિશ્યન તરીકે સેવા આવી હતી.  તેઓ ક્રિકેટ બોર્ડ ઉપરાંત સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશન, ઑલ ઇન્ડિયા રેડિયો અને બીજી અનેક સંસ્થાઓ સાથે ઑફિશ્યલ સ્કોરર તરીકે પણ સંકળાયેલા હતા. ૧૯૯૯ના વર્લ્ડ કપમાં પણ તેઓ ભારતીય ક્રિકેટ ટીમના ઑફિશ્યલ સ્કોરર હતા.

વર્લ્ડ કપ માટે ભારતીય તીરંદાજોને વિઝા આપવાનો સ્વિટ્ઝરલૅન્ડનો ઇનકાર
સ્વિટ્ઝરલૅન્ડે ૧૭થી ૨૩ મે દરમ્યાન યોજાનારા વર્લ્ડ કપ (સેકન્ડ સ્ટેજ) માટે ભારતીય તીરંદાજોને વીઝા આપવાનો ઇનકાર કરી દીધો છે. ભારતમાં વધી રહેલો કોરોનાનો પ્રકોપ અને અને લીધે યાત્રા સંબંધિત જાહેર કરેલા પ્રતિબંધને લીધે વિઝા આપવાનો ઇનકાર કર્યો છે. ૨૧થી ૨૭ જૂન દરમ્યાન પૅરિસમાં યોજાનારા ઑલિમ્પિક્સ ક્વૉલિફાયર વર્લ્ડ કપ પહેલાં મહિલા તીરંદાજો માટે આ સ્વિટ્ઝરલૅન્ડનો વર્લ્ડ કપ મહત્ત્વપૂર્ણ માનવામાં આવતો હતો અને એના દ્વારા મહિલા તીરંદાજો પાસે ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય કરવાનો મોકો હતો. 

અબુ ધાબી ટી૧૦ લીગ ૧૯ નવેમ્બરથી
અબુ ધાબી ટી૧૦ લીગની પાંચમી સીઝન ૧૯ નવેમ્બરથી ૪ ડિસેમ્બર દરમ્યાન રમાશે. આ એકમાત્ર ૧૦-૧૦ ઓવરની લીગ છે જેને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલે માન્યતા આપી છે. ૨૮ જાન્યુઆરીથી ૬ ફેબ્રુઆરી દરમ્યાન રમાયેલી ચોથી સીઝનમાં નિકોલસ પૂરનના નેતૃત્વવાળી નૉર્ધર્ન વૉરિયર્સે દિલ્હી બુલ્સને ૮ વિકેટે હરાવીને ચૅમ્પિયન બની હતી. ચોથી સીઝનમાં મળેલી ઝળહળતી સફળતાને લીધે પાંચમી સીઝનની વહેલી જાહેરાત કરી દીધી હતી. જોકે ચોથી સીઝન પહેલાં ગયા વર્ષે નવેમ્બરમાં પ્લાન કરવામાં આવી હતી, પણ આઇપીએલ એ દરમ્યાન ત્યાં યોજાતાં એને પોસ્ટપોન્ડ કરવી પડી.

કોરોનાને લીધે વેદા કૃષ્ણમૂર્તિએ મમ્મી બાદ હવે બહેન ગુમાવી
ભારતીય મહિલા ક્રિકેટર વેદા કૃષ્ણમૂર્તિ પર કોરોનાને લીધે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બે અઠવાડિયાં પહેલાં કોરોનાને લીધે મમ્મીને ગુમાવનાર વેદાએ ગઈ કાલે તેની મોટી બહેનને ગુમાવી હતી. વેદાની ૪૫ વર્ષની બહેન વત્સલા શિવકુમારે ગઈ કાલે કર્ણાટકના શહેર ચિકમગલુરની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં કોરોનાના ઇલાજ દરમ્યાન મૃત્યુ થયું હતું. ભારતીય ટીમ વતી અત્યાર સુધી ૪૮ વન-ડે અને ૭૬ ટી૨૦ રમનાર વેદાએ ૨૪ એપ્રિલે ટ્વીટ કરીને તેની મમ્મીના મૃત્યુના સમાચાર આપતાં જણાવ્યું હતું કે તેની બહેન સિરિયસ છે. 

cricket news sports news sports ipl 2021 indian premier league