News in Short: એક ક્લિકમાં જાણો સ્પોર્ટ્સ સંબંધિત તમામ સમાચાર

20 May, 2021 03:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આઇપીએલમાં કોરોનાગ્રસ્ત થયા બાદ લગભગ બે અઠવાડિયાં સુધી દિલ્હીની હોટેલમાં ક્વૉરન્ટીન રહ્યા બાદ ભારતનો વિકેટકીપર-બૅટ્સમૅન વૃદ્ધિમાન સહા હવે ફૅમિલી સાથે ટાઇમ પાસ કરી રહ્યો છે.

વૃદ્ધિમાન સહા ફૅમિલી સાથે

ક્વૉરન્ટીન વિથ ફૅમિલી
આઇપીએલમાં કોરોનાગ્રસ્ત થયા બાદ લગભગ બે અઠવાડિયાં સુધી દિલ્હીની હોટેલમાં ક્વૉરન્ટીન રહ્યા બાદ ભારતનો વિકેટકીપર-બૅટ્સમૅન વૃદ્ધિમાન સહા હવે ફૅમિલી સાથે ટાઇમ પાસ કરી રહ્યો છે. સહાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેને કલકત્તાના તેના ઘરે જવાની છૂટ મળી હતી. ઇંગ્લૅન્ડ ટૂર માટે સિલેક્ટ થયેલા મોટા ભગાના ખેલાડીઓ મુંબઈ પહોંચી ગયા છે, પણ સહાએ ફૅમિલી સાથે થોડા દિવસ રહેવાની પરમિશન માગતાં તે હવે કદાચ ૨૪મીએ મુંબઈ આવશે. ફૅમિલી સાથે ફોટો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું હતું કે ‘મારો ક્વૉરન્ટીન પિરિયડ હજી પૂરો નથી થયો. રૂટિન ચેક-અપ દરમ્યાન બે ટેસ્ટ કરવામાં આવી હતી જેમાંથી એક નેગેટિવ અને એક પૉઝિટિવ આવી હતી. બાકી હું એકદમ સ્વસ્થ છું. બધાને રિકવેસ્ટ કરું છું કે સંપૂર્ણ સંદર્ભ વગર લોકોને ગેરમાર્ગે દોરતી સ્ટોરી કે માહિતી ન ફેલાવો.’

શાકિબ-મુસ્તફિઝુર બંગલા દેશ ટીમ સાથે જોડાયા
આઇપીએલ અટકી પડતાં પાછા બંગલા દેશ પહોંચી ગયેલા શાકિબ અલ હસન અને મુસ્તફિઝુર રહેમાન બંગલા દેશ ટીમ સાથે બાયો-બબલ્સમાં જોડાઈ ગયા હતા અને ટ્રેઇનિંગ શરૂ કરી દીધી હતી. બંગલા દેશ ૨૩ મેથી શ્રીલંકા સામે ત્રણ વન-ડેની સિરીઝ રમવાનું છે. શાબિક અને મુસ્તફિઝુર આઇપીએલ બાદ બંગલા દેશ પાછા ફરીને એક હોટેલમાં ક્વૉરન્ટીન હતા. હોટેલમાંથી સીધા તેમને ટીમના બાયો-બબલ્સમાં પ્રવેશ કરાવ્યો હતો. 

ફુટબૉલ વર્લ્ડ કપને ચારને બદલે દર બે વર્ષે રમાડવાનો પ્રસ્તાવ
ફુટબૉલ વર્લ્ડ કપને દર ચાર વર્ષને બદલે દર બે વર્ષે રમાડવાનો પ્રસ્તાવ ફરી એક વાર ફુટબૉલ જગતનું સંચાલન કરતી સંસ્થા ફિફા સામે આવ્યો છે. સાઉદી અરેબિયાના સોકર ફેડરેશને આપેલા આ પ્રસ્તાવમાં તેમણે પુરુષ અને મહિલા બન્ને વર્લ્ડ કપ દર બે વર્ષે યોજવા વિશે વિચાર કરવા કહ્યું છે. ફિફાએ આ અંગેનો પ્રસ્તાવ મળ્યો હોવાનું સ્વીકાર કરતાં કહ્યું હતું કે બન્ને ટુર્નામેન્ટ દર બે વર્ષે આયોજન સંબંધી પ્રસ્તાવ શુક્રવારે ફિફાના ૨૧૧ મેમ્બરોના મહાસંઘની વાર્ષિક મીટિંગમાં મૂકવામાં આવશે. ફિફાની આ મીટિંગ વચ્યુઅલી યોજાવાની છે. ૨૦ વર્ષ પહેલાં આ જ પ્રકારનો પ્રસ્તાવ ત્યારના ફિફાસા પ્રેસિડેન્ટ સેપ બ્લૅટરે મૂક્યો હતો. હવે ફરી આ પ્રસ્તાવ કોરોનાને કારણે રમત જગતનું શેડ્યુલ વેરણછેરણ થઈ ગયું ત્યારે આવ્યો છે. 

ચેલ્સીએ લિસ્ટરને ૨-૧થી હરાવીને ચાર જ દિવસમાં બદલો લઈ લીધો
ગયા શનિવારે ૧૫૦ વર્ષ જૂની ફુટબૉલ ટુર્નામેન્ટ એફએ કપની ફાઇનલમાં લિસ્ટરે ચેલ્સીને ૧-૦થી પછાડીને ચૅમ્પિયન બની ગયું હતું. લિસ્ટરે ૧૩૭ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર જ આ ટ્રોફી જીતી હતી. જોકે મંગળવારે આ હારનો બદલો ચેલ્સીએ લઈ લીધો હતો. પ્રીમિયર લીગની આ મૅચમાં ચેલ્સીએ લિસ્ટરને ૨-૧થી હાર આપી હતી. આ જીત સાથે ચેલ્સી પૉઇન્ટ ટેબલમાં ત્રીજા નંબરે પહોંચી ગયું હતું અને આવતા વર્ષની ચૅમ્પિયન્સ ટ્રોફી માટેની તેમની દાવેદારી મજબૂત કરી દીધી હતી. પ્રીમિયર લીગના અન્ય એક મુકાબલામાં બ્રિગ્ટન સામે મેન્ચેસ્ટર સિટી ૨-૦થી લીડ લીધા બાદ ફસડાઈ પડી હતી અને મૅચ ૨-૩થી હારી ગઈ હતી. બિગ્ટને છેલ્લી ૪૦ મિનિટમાં ત્રણ ગોલ કરીને કમાલના કમબૅક સાથે જીત મેળવી હતી. 

cricket news sports news sports wriddhiman saha football coronavirus covid19 bangladesh