બ્રૉડ-બેરસ્ટૉની ઇનિંગ્સ બાદ અંગ્રેજ બોલરોએ બગાડી કિવીઓની હાલત

26 June, 2022 12:07 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

હેડિંગ્લી ટેસ્ટમાં ન્યુ ઝીલૅન્ડે ગુમાવી ૫ વિકેટ, ઇંગ્લૅન્ડે પહેલી ઇનિંગ્સમાં કર્યા ૩૬૦ રન

મૅચના ત્રીજા દિવસે સ્ટુઅર્ટ બ્રૉડ અને જૉની બેરસ્ટૉ

સ્ટુઅર્ટ બ્રૉડના આક્રમક ૪૨ રન અને જૉની બેરસ્ટૉની સદી (૧૬૨ રન)ને કારણે ન્યુ ઝીલૅન્ડ સામેની ત્રીજી અને છેલ્લી ટેસ્ટના ત્રીજા દિવસે ઇંગ્લૅન્ડની ટીમે ૩૧ રનની લીડ લીધી હતી. ન્યુ ઝીલૅન્ડની ટીમે ઇંગ્લૅન્ડને કુલ ૩૬૦ રનમાં ઑલઆઉટ કરી દીધા હતા અને આ લખાય છે ત્યાં સુધી ૧૬૮ રનમાં ૫ વિકેટ ગુમાવી દીધી હતી. બેરસ્ટૉએ ૧૪૪ બૉલમાં ૧૫૦ રન કર્યા હતા, જે કોઈ પણ ઇંગ્લૅન્ડના ખેલાડીએ ફટકારેલા બીજા ક્રમાંકના સૌથી આક્રમક હતા. તેનો પાર્ટનર જેમી ઓવરટન ૯૭ રને આઉટ થયો હતો અને ૩ રનથી સદી ચૂક્યો હતો. બોલ્ટે તેને ડેરિલ મિચલના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. બન્ને વચ્ચે ૨૪૧ રનની પાર્ટનરશિપ થઈ હતી.

જોકે ત્યાર બાદ હેડિંગ્લી ટેસ્ટમાં જાણે સ્ટુઅર્ટ બ્રૉડ શો જોવા મળ્યો હતો. તેણે બોલ્ટ અને નેઇલ વેગનરને ફટકાર્યા હતા. બ્રૉડની વિકેટ સાઉધીએ લીધી હતી. બ્રેસવેલે બેરસ્ટૉની વિકેટ ઝડપી હતી. ન્યુ ઝીલૅન્ડની શરૂઆત સારી નહોતી. ઓપનર વિલ યંગ માત્ર ૮ રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ ટૉમ લૅથમે કૅપ્ટન વિલિયનસન સાથે બાજી સંભાળી લીધી હતી. તેણે ૯૯ બૉલમાં શાનદાર ૭૬ રન કર્યા હતા. ઓવરટને તેની વિકેટ લીધી હતી. વિલ યંગને આઉટ કરનાર પોટ્સ વિલિયમસનની વિકેટ પણ લીધી હતી. ડેવોન કૉન્વે પણ સસ્તામાં આઉટ થયો હતો. આમ ત્રીજી ટેસ્ટમાં પણ ૫૧ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવવાથી ન્યુ ઝીલૅન્ડની હાલત કફોડી બની છે. પહેલી ઇનિંગ્સમાં તેણે ૩૨૯ રન કર્યા હતા. 

sports sports news cricket news england new zealand test cricket