બૅક ઇન્જરીએ બુમરાહનું કમબૅક મુશ્કેલ બનાવ્યું

01 March, 2023 11:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સર્જરીની જરૂર : હજી કદાચ ૬ મહિના નહીં રમે : મુંબઈ ઇન્ડિયન્સમાં તેની ગેરહાજરીમાં અર્જુન તેન્ડુલકરને રમવાનો મોકો મળી શકે

ફાઇલ તસવીર

ભારતના ટોચના ફાસ્ટ બોલર અને મુંબઈ ઇન્ડિયન્સના વિકેટ-ટેકિંગ બોલર જસપ્રીત બુમરાહને પીઠની ઈજા (બૅક ઇન્જરી) હજી સતાવી રહી છે એને કારણે ૩૧ માર્ચે શરૂ થતી આઇપીએલ તેણે ગુમાવવી પડે એવી સ્થિતિ સર્જાઈ છે. પીઠના દુખાવાને કારણે તે ગયા વર્ષે ટી૨૦ વર્લ્ડ કપ નહોતો રમી શક્યો. હવે તે જૂનમાં રમાનારી ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલ (એમાં ભારતનો પ્રવેશ લગભગ નક્કી છે) પણ ગુમાવે એવી હાલત છે. તે હજી ૬ મહિના નહીં રમી શકે.

બીસીસીઆઇના મેડિકલ સ્ટાફે બુમરાહને પીઠના નીચલા ભાગની ઈજામાંથી સંપૂર્ણપણે મુક્ત થવા સર્જરી કરાવવાનો વિકલ્પ આપ્યો છે. ઑક્ટોબરમાં વન-ડે વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો છે અને એમાં ટીમને બુમરાહની ખાસ જરૂર પડશે એટલે તેના વિશેનો સારવારને લગતો નિર્ણય બીસીસીઆઇનો તબીબી સ્ટાફ અને બૅન્ગલોરની એનસીએનો સ્ટાફ ભેગા મળીને લેશે.
માર્ચની આખર તારીખે શરૂ થનારી આઇપીએલમાં બુમરાહ નહીં રમી શકે તો મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં બીજા ત્રણ પેસ બોલર્સમાંથી કોઈ એકને રમવાની તક મળી શકે. એમાં લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્જુન તેન્ડુલકર તથા અર્શદ ખાન અને રાઇટ-આર્મ પેસ બોલર આકાશ મઢવાલનો સમાવેશ છે.

sports sports news cricket news indian premier league ipl 2023 mumbai indians jasprit bumrah