પાંચ કા દસ : મુંબઈમાં જન્મેલા ગુજરાતી અજાઝ પટેલે ન્યુ ઝીલૅન્ડ માટે રચ્યો ઇતિહાસ

05 December, 2021 08:31 AM IST  |  Mumbai | Harit Joshi

કિવી સ્પિનર અજાઝ પટેલે વાનખેડેમાં પાંચ વિકેટની અપેક્ષા રાખેલી, પણ તમામ ૧૦ શિકાર કરવામાં સફળ થયો અને રેકૉર્ડ-બુકમાં આવી ગયો

અજાઝ પટેલ

વાનખેડે સ્ટેડિયમમાં ગઈ કાલે બીજી ટેસ્ટના બીજા દિવસે ભારતના પ્રથમ દાવના ૩૨૧ રનના સ્કોર પર ૯મી વિકેટરૂપે જ્યારે જયંત યાદવ લૉન્ગ-ઑફ પર રાચિન રવીન્દ્રના હાથમાં કૅચઆઉટ થયો ત્યારે પ્રેક્ષકોમાંથી ‘ડિક્લેર ઇન્ડિયા, ડિક્લેર કોહલી’ એવી બૂમો પડી હતી,. કારણ, પ્રેક્ષકો નહોતા ઇચ્છતા કે પોતાના અનિલ કુંબલેની જેમ બીજો કોઈ બોલર એક ટેસ્ટ-ઇનિંગ્સમાં તમામ ૧૦ વિકેટની સિદ્ધિ મેળવે. કુંબલેએ ઇનિંગ્સની દસેદસ વિકેટની સિદ્ધિ ૧૯૯૯માં દિલ્હીમાં પાકિસ્તાન સામે મેળવી હતી અને એ પહેલાં ૧૯૫૬માં ઇંગ્લૅન્ડના રાઇટ-આર્મ ઑફ-બ્રેક બોલર જિમ લેકરે ઑસ્ટ્રેલિયા સામે દાવમાં બધી ૧૦ વિકેટ લીધી હતી અને એ સિદ્ધિ મેળવનાર તેઓ પ્રથમ બોલર હતા.
જોકે ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડના લેફ્ટ-આર્મ સ્પિનર અજાઝ પટેલે જ્યારે મોહમ્મદ સિરાજના રૂપે દાવની ૧૦મી વિકેટ લીધી અને ટેસ્ટ-ક્રિકેટમાં ન્યુ ઝીલૅન્ડ વતી સૌથી સફળ બોલર મનાતા સર રિચર્ડ હેડલી (બાવન રનમાં ૯ વિકેટ)ના વિક્રમને પાર કર્યો ત્યારે વાનખેડેમાં એક પણ વ્યક્તિ એવી નહોતી જેણે અજાઝને સ્ટૅન્ડિંગ ઓવેશન ન આપ્યું હોય. દરેકેદરેક જણે ઊભા થઈને તેની આ ઉપલબ્ધિને વધાવી લઈને તેની કદર કરી હતી. તમામ લોકોએ જોરશોરથી વાહવાહી કરી હતી અને મેદાન પર અજાઝે જબરદસ્ત ઉત્સાહપૂર્વક પોતાની સિદ્ધિનું સેલિબ્રેશન કર્યું હતું અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
અજાઝ મેદાન પરથી પૅવિલિયનમાં પાછો ગયો ત્યાં સુધી સ્ટેડિયમમાંથી ‘અજાઝ પટેલ અજાઝ પટેલ’ની બૂમો પડતી રહી હતી. ગઈ કાલની રમત બાદ પત્રકારો સાથેની વાતચીતમાં પોતાની સિદ્ધિથી ગદ્ગદ થઈ ગયેલા અજાઝે કહ્યું કે ‘સાચું કહું તો મારી ક્રિકેટિંગ લાઇફનો આ સૌથી યાદગાર અને સૌથી ઉત્તમ દિવસ છે અને હંમેશાં રહેશે. આ દિવસ મારા માટે, મારા પરિવાર માટે અને મારી પત્ની માટે વેરી સ્પેશ્યલ છે.’
મુંબઈમાં જન્મેલા અને ઊછરેલા અજાઝ માટે આ શહેર એક્સ્ટ્રા-સ્પેશ્યલ છે. શુક્રવારે વાનખેડેમાં અજાઝના ચાર વિકેટનો તરખાટ જોનાર તેના કઝિન ઓવૈસે ‘મિડ-ડે’ને ગઈ કાલે અજાઝ વિશે કહ્યું કે ‘મુંબઈ તો તેના દિલની ખૂબ નજીક છે. અજો (પરિવારમાં બધા તેને આ નામથી બોલાવે છે)ને આપણા આ શહેરનું બધું જ ખૂબ ગમે છે. ખાસ કરીને સ્ટ્રીટ-ફૂડ તેને અત્યંત પ્રિય છે. પાંઉભાજી, પાણીપૂરી અને વડાપાંઉનો આસ્વાદ માણવાનું તે ક્યારેય ચૂકતો નથી. તેણે આજે જે સિદ્ધિ મેળવી એ બદલ અમારા આખા કુટુંબને તેના પર ખૂબ ગર્વ છે.’
ગુજરાતી મેમણ અજાઝે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તે ઇનિંગ્સની તમામ ૧૦ વિકેટ લેશે. તેની મહત્ત્વાકાંક્ષા એટલી જ હતી કે તે પાંચ વિકેટ લે અને એ બદલ વાનખેડેના બોર્ડ પર તેનું નામ પણ લખાય. તેણે ગઈ કાલે કહ્યું કે ‘હું ઇચ્છતો હતો કે વાનખેડેના ઓનર્સ-બોર્ડમાં મારું પણ નામ હોય. ગઈ કાલે (શુક્રવારે) જ મેં વિચાર્યું હતું કે શનિવારે પાંચમી વિકેટ લઈશ એટલે બોર્ડ પર મારું નામ જોવાની મારી ઇચ્છા પૂરી થશે, પણ જુઓ તો ખરા, મારું નામ હવે કેવી રીતે લખાશે! મારે માટે આ ક્ષણ સ્પેશ્યલ છે.’
અજાઝે જ્યારે ગઈ કાલે પોતાની પહેલી ઓવરમાં વૃદ્ધિમાન સહા અને આર. અશ્વિનની ઉપરાઉપરી વિકેટ લીધી ત્યારે તે દાવમાં તમામ ૧૦ વિકેટ લઈ શકશે એવી તેની ધારણા મજબૂત થઈ હતી. સહાને આઉટ કરીને તેણે પાંચમી વિકેટ લેતાં વાનખેડેની પિચને ચૂમી લીધી હતી.
અજાઝ ગઈ કાલે ક્યારેક લાઇન ઍન્ડ લેન્ગ્થ ચૂકી જતો હતો, પરંતુ યુનિવર્સિટી ગ્રાઉન્ડ એન્ડ પરથી તેની બોલિંગ સંપૂર્ણપણે દમદાર હતી. તેને પિચમાંથી ઘણી મદદ પણ મળી હતી, જેમાં તેને માટે તકો ઊભી થતી ગઈ હતી. સામા છેડે બીજા કિવી બોલરોની બાબતમાં એવું નહોતું. 
અજાઝની બોલિંગ કુલ ચાર સ્પેલમાં હતી. પ્રથમ સ્પેલમાં તેણે સતત ૨૪ ઓવર બોલિંગ કરી હતી. તેણે પ્રથમ દાવમાં કુલ ૪૭.૫ ઓવર બોલિંગ કરી હતી, જેમાંની ૧૨ ઓવર મેઇડન હતી અને ૧૧૯ રન આપીને તેણે તમામ ૧૦ વિકેટ લીધી હતી. બીજા પાંચ કિવી બોલરોની ઓવર્સમાં કુલ ૧૮૮ રન બન્યા હતા.
૧૯૯૯માં દિલ્હીમાં જ્યારે કુંબલેએ પાકિસ્તાનની તમામ ૧૦ વિકેટ લીધી હતી ત્યાર બાદ જાવાગલ શ્રીનાથે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે સામા છેડેથી મેં જાણીજોઈને વાઇડ બૉલ ફેંક્યા હતા.
જોકે અજાઝના કિસ્સામાં આવું નહોતું બન્યું અને ટીમમાં એવો કોઈ પ્લાન પણ નહોતો. અજાઝે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘અમારી વચ્ચે એવી કોઈ ચર્ચા જ નહોતી થઈ. કોને વિકેટ મળવી જોઈએ એવી અમારી કોઈ યોજના જ નહોતી. મને ૯ વિકેટ મળી હોત અને બીજા કોઈ બોલરને બાકીની એક વિકેટ મળી હોત તો પણ હું ખુશ હોત. અમે અમારું કામ પૂરેપૂરી જવાબદારીથી કરવા માગતા હતા.’
સિરાજની વિકેટ અજાઝની ૧૦મી વિકેટ હતી અને એમાં રાચિન રવીન્દ્રએ તેનો કૅચ પકડ્યો એ પહેલાં બૉલ જ્યારે હવામાં ઊછળ્યો ત્યારે અજાઝ ખૂબ નર્વસ થઈ ગયો હતો. ખુદ અજાઝે રમત બાદ કહ્યું કે ‘હું ખૂબ નર્વસ હતો, પણ અમે રાચિનને એ કૅચ પકડવા માટે ખૂબ ઉત્સાહિત કર્યો હતો અને એમાં તે સફળ રહ્યો. મારો આ વિક્રમ હોમટાઉન મુંબઈમાં રચાયો એ બદલ હું બેહદ ખુશ છું.’

sports sports news cricket news test cricket india new zealand mumbai wankhede harit n joshi