તેને આંખમાં વાગ્યું હતું, ક્રિકેટ બંધ કરાવવાની હતી

27 February, 2021 12:34 PM IST  |  Ahmedabad | Harit N Joshi

તેને આંખમાં વાગ્યું હતું, ક્રિકેટ બંધ કરાવવાની હતી

‌નડિયાદનું લૅન્ડમાર્ક: અક્ષર પટેલનું ઘર

અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇન્ગ્લૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મૅચનો ભારતે બે દિવસમાં વીંટો વાળી દીધો ત્યારે નડિયાદના અક્ષર પટેલનું નામ લેતાં ગુજરાતીઓના ચહેરા ઝગમગવા માંડે છે. અક્ષરના વતન નડિયાદ શહેરના એક-એક ઘરમાં ઉત્સવનું વાતાવરણ છે. હાઇવે પરથી પસાર થતી કારમાંથી કોઈ નડિયાદના પેટ્રોલ પમ્પ પર અક્ષરનું સરનામું પૂછે તો ત્યાંનો પેટ્રોલ ભરનારો બતાવી દે. અરે, નડિયાદનો કોઈ ફેરિયો પણ તમને અક્ષરના ઘરનું પાક્કું સરનામું સમજાવી દે. જેમ મુંબઈમાં વિલે પાર્લેના જુહુ વિસ્તારમાં અમિતાભનો બંગલો લૅન્ડમાર્ક ગણાય છે એ રીતે નડિયાદમાં આજે અક્ષર પટેલનું ઘર લૅન્ડમાર્ક બની ગયું છે.

અક્ષરના પપ્પા રાજેશભાઈની છાતી ગજગજ ફૂલે છે અને મમ્મી પ્રીતિબહેનનાં હર્ષનાં આંસુ રોકાતાં નથી. રાજેશભાઈ પટેલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ગર્વથી મારી છાતી ગજગજ ફૂલે છે. લાખોની વસ્તી ધરાવતા નડિયાદ શહેરના લોકોમાં મારાં ઘર-પરિવાર જાણીતાં બની ગયાં એ આનંદ અને ગૌરવનો વિષય બને છે. આ કીર્તિ અને યશ મારા દીકરા અક્ષરને કારણે છે. મને પણ ક્રિકેટ રમવાનો ઘણો શોખ હતો. દીકરાને ક્રિકેટર બનાવવાની મારી ઇચ્છા હતી એથી મેં તેને હંમેશાં અક્ષરને ક્રિકેટ માટે ફુલ સપોર્ટ આપ્યો છે.’

પ્રાઉડ પેરન્ટ્સ: અક્ષરનાં મમ્મી પ્રીતિબહેન અને પપ્પા રાજેશભાઈ

પ્રીતિબહેને કહ્યું કે ‘મારાં આંસુ રોકાતાં નથી. મારી ખુશીની સીમા રહી નથી. અક્ષરે આ સ્તરે પહોંચવા માટે સખત મહેનત કરી છે. અક્ષર ૧૪ વર્ષનો હતો ત્યારે ઇન્ટર સ્કૂલ મૅચમાં તેને આંખમાં ઈજા થઈ હતી. મને તેની દૃષ્ટિ પર જોખમ જણાયું હતું. જોખમને કારણે મને તેની ક્રિકેટની પ્રવૃત્તિ રોકવાની ઇચ્છા થઈ હતી, પરંતુ તેના પપ્પાએ કહ્યું કે આવું તો ચાલ્યા કરે. આપણે અક્ષરની ક્રિકેટની પ્રવૃત્તિ રોકવી ન જોઈએ.’

sports sports news cricket news india ahmedabad axar patel