01 March, 2025 11:12 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
મિચલ સ્ટાર્ક
ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક વ્યક્તિગત કારણોસર ટુર્નામેન્ટમાંથી બહાર થયો હોવાના સમાચાર સામે આવ્યા હતા, પણ હાલ એક પૉડકાસ્ટમાં તેણે સ્પષ્ટતા કરી છે કે ‘ટેસ્ટ-સિરીઝ (શ્રીલંકા સામે) દરમ્યાન મારા પગની ઘૂંટીમાં થોડો દુખાવો થયો હતો એટલે મારે એને ઠીક કરવાની જરૂર છે. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) ફાઇનલ આવી રહી છે અને પછી વેસ્ટ ઇન્ડીઝ ટૂર છે તેમ જ IPL ક્રિકેટ પણ છે. હું મારા શરીરને ઠીક કરીશ, આગામી થોડા મહિનામાં થોડું ક્રિકેટ રમીશ અને પછી WTC ફાઇનલ માટે તૈયાર થઈશ.’
આગામી માર્ચથી મે મહિનામાં મિચલ સ્ટાર્ક દિલ્હી કૅપિટલ્સ માટે ઇન્ડિયન પ્રીમિયર લીગ રમશે. અગિયાર જૂનથી લૉર્ડ્સ ખાતે સાઉથ આફ્રિકા સામે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) ફાઇનલ મૅચ રમ્યા બાદ તે ઑસ્ટ્રેલિયન ટીમ સાથે જૂન-જુલાઈ દરમ્યાન વેસ્ટ ઇન્ડીઝમાં ત્રણ મૅચની ટેસ્ટ સિરીઝ અને પાંચ મૅચની T20 સિરીઝ રમવા જશે.