04 June, 2025 09:53 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશાળ તિરંગા સાથે દર્શકો આવ્યા હતા અને જ્યાં જુઓ ત્યાં તિરંગો લહેરાતો જોવા મળતો હતો.
રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર અને પંજાબ કિંગ્સ વચ્ચે ગઈ કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફાઇનલ મૅચમાં જર્સી-નંબર 18ને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમમાં કોહલીના વિરાટ સંખ્યામાં ફૅન્સ ઊમટ્યા હતા. મૅચ શરૂ થાય એ પહેલાં ઇન્ડિયન આર્મીને માનભેર સન્માન અપાયું હતું. સ્ટેડિયમમાં તિરંગાની થીમ સાથે રોશની કરવામાં આવી હતી અને પૅનલમાં પણ તિરંગો છવાયો હતો. શંકર મહાદેવન અને બૅન્ડે ભરચક મોદી સ્ટેડિયમમાં સબસે આગે હોંગે હિન્દુસ્તાની... સહિતનાં ગીતો રજૂ કરીને દેશભક્તિનો માહોલ રચ્યો હતો.
ભારતીય આર્મી ફોર્સિસને સલામી આપતાં ફાઇટર પ્લેન અને હેલિકૉપ્ટરો.
રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરની ટીમના આધારભૂત બૅટ્સમૅન અને ક્રિકેટની દુનિયના ધુરંધર બૅટ્સમૅન પૈકીના એક વિરાટ કોહલીની રમત જોવા માટે તેના ફૅન્સ અમદાવાદ ઉપરાંત સુરત, નવસારી, તામિલનાડુ સહિત દેશભરમાંથી ઊમટ્યા હતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યાં નજર કરો ત્યાં જર્સી નંબર 18 જોવા મળતી હતી. એટલી મોટી માત્રામાં કોહલીના ચાહકો ઊમટ્યા હતા.
મોટા ભાગના ચાહકોએ ‘મિડ-ડે’ સમક્ષ એવો સૂર વ્યક્ત કર્યો હતો કે ‘વિરાટ કોહલીને પહેલી વાર IPL ટ્રોફી જીતતો જોવો છે. તેની રમત જોવી આમ પણ એક લહાવો છે અને વિરાટ કોહલી હવે કદાચ T20 મૅચમાં રમતો જોવા મળે કે ન મળે એટલે અમે તેની દર્શનીય ઇનિંગ્સ જોવા આવ્યા છીએ.’
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યાં જુઓ ત્યાં ૧૮ નંબરની જર્સી પહેરીને વિરાટના ફૅન્સ ઊમટ્યા હતા.
બીજી તરફ મુંબઈ ઇન્ડિયન સામે ક્લાસ ઇનિંગ રમેલા શ્રેયસ ઐયરના ફૅન્સ પણ તેને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં આવ્યા હતા. ફૅન્સે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શ્રેયસ ટોચનો બૅટ્સમૅન છે અને તે જ્યારે સેટ થઈ જાય ત્યારે તેની રમત જોવી એક લહાવો બની રહે છે. IPLની આ સીઝનમાં તેની કૅપ્ટન્સી પણ જોવા મળી.’
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિરાટ કોહલીના છોટે ફૅન્સ પણ હાથમાં પ્લૅકાર્ડ સાથે આવ્યા હતા. તસવીર : જનક પટેલ
મૅચ પહેલાં શંકર મહાદેવન અને તેના સાથી કલાકારોએ સ્ટેડિયમમાં માં તુઝે સલામ... વંદે માતરમ્, લહરા દો લહરા દો, અય વતન આબાદ રહે તૂ, સુનો ગૌર સે દુનિયાવાલોં સહિતનાં ગીતોથી સ્ટેડિયમમાં દેશભક્તિનો માહોલ રચ્યો હતો. જ્યારે યે દેશ હૈ વીર જવાનોં કા ગીત ગાવાનું શરૂ કર્યું ત્યારે સ્ટેડિયમમાં બેઠેલા તમામ પ્રેક્ષકો ઊભા થઈને એ ગીતમાં જોડાઈ ગયા હતા અને ડાન્સ કરીને ધૂમ મચાવી હતી.
સ્ટેડિયમમાં જ્યાં નજર કરો ત્યાં તિરંગા લહેરાતા જોવા મળ્યા હતા. મૅચના નિયત સમય કરતાં સાડાચાર કલાક પહેલાં જ બપોરે અઢી-ત્રણ વાગ્યાથી ફાઇનલ મૅચ જોવા ક્રિકેટ ચાહકો સ્ટેડિયમમાં આવી ગયા હતા અને અંદર જવા માટે લાઇનો લગાવી હતી.