કોહલીએ આરસીબીને આપી લાજવાબ ઓળખ : ગાવસકર

13 October, 2021 05:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિરાટની કૅપ્ટન તરીકેની ફેરવેલ મૅચને બ્રૅડમૅન અને સચિન સાથે સરખાવી

કોહલીએ આરસીબીને આપી લાજવાબ ઓળખ : ગાવસકર

ભારતીય ક્રિકેટના લેજન્ડ સુનીલ ગાવસકરનું રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી)ના કૅપ્ટન તરીકે છેલ્લી આઇપીએલ રમેલા વિરાટ કોહલી વિશે એવું માનવું છે કે કોહલીએ આરસીબીને જે પ્રકારની ઓળખ આપી છે અને એનું જે રીતે પ્રતિનિધિત્વ કર્યું છે એવું બહુ ઓછા ક્રિકેટરો કરી શકે.
સોમવારે પ્લે-ઑફની એલિમિનેટર મૅચમાં કલકત્તા નાઇટ રાઇડર્સ સામે ૪ વિકેટે પરાજિત થતાં આરસીબીએ આ ટુર્નામેન્ટમાંથી આઉટ થઈ જવું પડ્યું અને આ સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટનું ટાઇટલ પોતાની ૯ વર્ષની કૅપ્ટન્સી દરમ્યાન જીતવાનું કોહલીનું સપનું અધરું રહી ગયું હતું. ગાવસકરે ‘સ્ટાર સ્પોર્ટ્સ’ને વધુમાં કહ્યું હતું કે ખેલાડીઓ ધારે કે ઇચ્છે એ બધું થઈ નથી શકતું. જોકે કોહલીએ આરસીબીને જે ઓળખ અને બ્રૅન્ડ સંબંધિત જે ઓળખ અપાવી છે એવું બહુ ઓછા ખેલાડીઓએ પોતાના ફ્રૅન્ચાઇઝી માટે કરી દેખાડ્યું છે. કોહલીની આઇપીએલની કરીઅર ભવ્ય રહી છે. ૨૦૧૬ની સીઝનમાં તો તેણે ૧૦૦૦ જેટલા રન ખડકી દીધા હતા.’

સનીએ કોહલીની આરસીબીના કૅપ્ટન તરીકેની સોમવારની આખરી (ફેરવેલ) મૅચને ડૉન બ્રૅડમૅન અને સચિન તેન્ડુલકરના ફેરવેલ સાથે સરખાવતાં કહ્યું હતું કે ‘દરેક ખેલાડી અપ્રતિમ સિદ્ધિ સાથે વિદાય લેવા માગતો હોય, પણ બધું કંઈ તેના કે તેના ચાહકોના ધાર્યા પ્રમાણે થાય નહીં. સર બ્રૅડમૅનને ૧૦૦.૦૦ની બૅટિંગ ઍવરેજ માટે આખરી ઇનિંગ્સમાં માત્ર ૪ રનની જરૂર હતી, પરંતુ તેઓ ઝીરોમાં જ આઉટ થઈ ગયા હતા. ૨૦૧૩માં સચિન મુંબઈમાં પોતાની ૨૦૦મી અને આખરી ટેસ્ટમાં સદી ફટકારીને નિવૃત્ત થવા માગતો હતો, પરંતુ તે ૭૯ રન (વાસ્તવમાં સચિને ૭૪ રન બનાવ્યા હતા)ના પોતાના સ્કોર પર આઉટ થયો હતો.’

‍કોહલી ભલે કૅપ્ટન નહીં હોય, પણ અમે હંમેશાં તેને અમારો લીડર માનીશું : હર્ષલ પટેલ
આ વખતની આઇપીએલમાં સૌથી વધુ ૩૨ વિકેટ લઈને પર્પલ કૅપ ધરાવતા રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરના ફાસ્ટ બોલર હર્ષલ પટેલે કહ્યું કે ‘કોહલીની કૅપ્ટન્સીનો ભલે આઇપીએલના એક પણ ટાઇટલ વગર અંત આવી ગયો, પણ તેણે આટલાં વર્ષોમાં ટીમને જે યોગદાન આપ્યું છે એને અમારું ફ્રૅન્ચાઇઝી ખૂબ સેલિબ્રેટ કરશે. ટીમ પાસે કોઈ કૅપ્ટન હોય તો કોઈ લીડર પણ હોય. કોહલી અમારો કૅપ્ટન નહીં હોય, પણ અમે હંમેશાં તેને અમારો લીડર માનતા રહીશું. તે સુકાની નહીં તો શું થયું, તેના નેતૃત્વના ગુણો કંઈ ઓછા નથી થઈ જવાના. ટીમના અને મારા પર્ફોર્મન્સમાં સુધારા માટે તેણે જે યોગદાન આપ્યું એ બદલ અમે તેના આભારી છીએ.’

કૅપ્ટન તરીકે કોહલીનો બૅન્ગલોરની ટીમ પર જે જબરદસ્ત પ્રભાવ હતો એનો ખુદ કોહલીને ક્યારેય અંદાજ નહીં આવે. મને કોહલીના નેતૃત્વમાં રમવા મળ્યું એ બદલ હું તેનો આભારી છું. માત્ર હું નહીં, પણ બૅન્ગલોરની ટીમના બધા ખેલાડીઓ કોહલીના સુકાનમાં રમવા મળ્યું એ બદલ પોતાને ભાગ્યશાળી માનીએ છીઅે
એ. બી. ડિવિલિયર્સ

cricket news sports news sports ipl 2021 virat kohli royal challengers bangalore sunil gavaskar