વિલિયમસન ઇન્જર્ડ, ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટમાં નહીં રમે

10 June, 2021 02:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજથી શરૂ થતી બીજી ટેસ્ટમાં ઓપનર બૅટ્સમૅન ટૉમ લૅથમ સંભાળશે ટીમની કમાન; સ્પિનર મિચલ સૅન્ટનર પણ ઇન્જરીને લીધે આઉટ

કેન વિલિયમસન

ઇંગ્લૅન્ડ સામે આજે બીજી અને છેલ્લી ટેસ્ટ શરૂ થાય એ પહેલાં ન્યુ ઝીલૅન્ડ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કૅપ્ટન અને મુખ્ય બૅટ્સમૅન કેન વિલિયમસન કોણીમાં ઈજાને લીધે બીજી ટેસ્ટમાં નથી રમવાનો. વિલિયમસનની ગેરહાજરીમાં ઓપનર બૅટ્સમૅન ટૉમ લેથમ ટીમનું નેતૃત્વ સંભાળશે.

સ્પિનર મિચલ સૅન્ટનર પણ ઈજાને લીધે આ બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. આમ ભારત સામેની વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલને આડે માંડ આઠેક દિવસ બાકી રહ્યા છે ત્યારે કૅપ્ટન અને મુખ્ય સ્પિનર ઇન્ગર્ડ થતાં ન્યુ ઝીલૅન્ડ કૅમ્પ થોડો ચિંતિત છે. સૅન્ટનર પહેલાં જ બહાર થઈ ગયો હતો, પણ વિલિયમસન વિશે આ ટેસ્ટમાં રમવા વિશે સસ્પેન્સ બની રહ્યું હતું પણ ગઈ કાલે તેની ઈજા ગંભીર જણાતાં ન્યુ ઝીલૅન્ડ ભારત સામેની ફાઇનલ પહેલાં કોઈ રિસ્ક લેવા ન માગતું હોવાથી તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ નહોતો કર્યો. વિલિયમસનની જગ્યાએ ટીમતાં વિલ યંગનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 

જોકે ન્યુ ઝીલૅન્ડ મૅનેજમેન્ટે વિલિયમસનની ઈજા બાબતે ખુલાસો કર્યો હતો કે તેને કોઈ ગંભીર સમસ્યા નથી, પણ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપને ધ્યાનમાં રાખીને આરામ અપાયો છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તે ફાઇનલ પહેલાં એકદમ ફિટ થઈ જશે.

બોલ્ટ રમશે અને સાઉધીને આરામ
પેસ બોલર ટ્રેન્ટ બોલ્ટ પણ ટીમ સાથે જોડાઈ ગયો છે. બોલ્ટ આઇપીએલ બાદ ટીમ સાથે સીધો ઇંગ્લૅન્ડ જવાને બદલે ફૅમિલીને મળવા ન્યુ ઝીલૅન્ડ ગયો હતો એથી તેણે પહેલી ટેસ્ટ ગુમાવી હતી. હવે ટીમ સાથે જોડાઈ જતાં ટીમ મૅનેજમેન્ટ ભારત સામેની ફાઇનલ પહેલાં મુખ્ય બોલરોને ફ્રેશ રાખવા અમુક બોલરોને ખાસ કરીને ટિમ સાઉધીને પણ આરામ આપી શકે છે. 

કૅપ્ટન વિલિયમસન નંબર-વનનું સ્થાન ગુમાવશે
આજથી શરૂ થતી બીજી ટેસ્ટમાં વિલિયમસન ઈજાને લીધે ન રમવાનો હોવાથી તથા પહેલી ટેસ્ટમાં ફ્લૉપ શોને લીધે તે ટેસ્ટના નંબર વન બૅટ્સમૅનનું સ્થાન પણ ગુમાવશે. 

તેની જગ્યાએ ઑસ્ટ્રેલિયન સ્ટીવ સ્મિથ નંબર વન બનશે. વિલિયમસન બીજી ટેસ્ટમાં ન રમવાને લીધે તેને નવેક પૉઇન્ટનું નુકસાન થશે અને પહેલી ટેસ્ટમાં નિષ્ફળ રહેતાં પણ પૉઇન્ટમાં ઘટાડો થઈ શકે છે. વિલિયમસનના અત્યારે ૮૯૫ પૉઇન્ટ છે, જ્યારે સ્મિથના ૮૯૧ પૉઇન્ટ છે.

ન્યુ ઝીલૅન્ડ જીત્યું તો ભારતને હટાવીને એ બનશે નંબર-વન
આજથી શરૂ થતી બીજી ટેસ્ટ જો ન્યુ ઝીલૅન્ડ જીત્યું તો ભારતને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ પહેલાં મોટો ઝટકો લાગશે. જો ન્યુ ઝીલૅન્ડ આ ટેસ્ટ સાથે સિરીઝ જીતી જશે તો એ ભારતને હટાવીને ટેસ્ટ-રૅન્કિંગ્સમાં નંબર-વન પર બિરાજમાન થઈ જશે અને ફાઇનલમાં નંબર-વન તરીકે મેદાનમાં ઊતરશે. ભારત બીજા નંબરે પહોંચી જશે. 

new zealand england cricket news sports sports news kane williamson