જેમાઇમા મહિલા ટી૨૦માં ૧૦૦૦ રન બનાવનારી યંગેસ્ટ પ્લેયર

08 October, 2021 04:55 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વરસાદને કારણે ઑસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટી૨૦ મૅચ અનિર્ણીત જાહેર કરવામાં આવી

જેમાઇમા રૉડ્રિગ્સ

ઑસ્ટ્રેલિયામાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વન-ડે સિરીઝ ૧-૨થી હાર્યા બાદ અને એકમાત્ર ટેસ્ટ ડ્રૉમાં જતી જોયા પછી ગઈ કાલે કૅરેરા ખાતે ટી૨૦ સિરીઝ જીતવાની ઉત્કંઠા સાથે પ્રથમ મૅચમાં આક્રમક શરૂઆત કરી હતી, પણ મેઘરાજાએ બાજી બગાડી નાખી હતી. ઘણા દિવસે ફરી રમવા આવેલી મુંબઈકર જેમાઇમા રૉડ્રિગ્સે ૭ ફોરની મદદથી ૪૯ રન બનાવ્યા હતા અને ભારતનો સ્કોર ૧૫.૨ ઓવરમાં ૪ વિકેટે ૧૩૧ રન હતો ત્યારે ભારે વરસાદને કારણે મૅચ વધુ ન રમી શકાતાં છેવટે અનિર્ણીત જાહેર કરવામાં આવી હતી.

જોકે, જેમાઇમાએ આ અધૂરી રહી ગયેલી મૅચમાં નવો વિશ્ર્વરેકૉર્ડ સ્થાપિત કર્યો હતો.. ગઈ કાલે તેની ઉંમર ૨૧ વર્ષ અને ૩૨ દિવસની હતી અને એ સાથે તે મહિલા ટી૨૦ ઇન્ટરનેશનલ્સમાં ૧૦૦૦ રન પૂરા કરનારી સૌથી યુવાન ખેલાડી બની હતી. તેણે વેસ્ટ ઇન્ડિઝની કૅપ્ટન સ્ટેફની ટેલરનો વિક્રમ તોડ્યો હતો. સ્ટેફનીએ ૧૦૦૦ રન પૂરાં કર્યાં હતાં ત્યારે તે ૨૧ વર્ષ અને ૧૧૧ દિવસની હતી. જેમાઇમા ટી૨૦ ઇન્ટરનેશનલ્સમાં ૧૦૦૦ રન પૂરાં કરનારી મિતાલી રાજ, સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌર પછીની ચોથી ભારતીય પ્લેયર છે. મિતાલીએ ૪૦ મૅચમાં ૧૦૦૦ રન બનાવ્યા હતા, જ્યારે જેમાઇમાએ ૪૮ ઇનિંગ્સમાં બનાવ્યા હોવાથી ભારતીયોમાં સેકન્ડ-બેસ્ટ છે.

દરમ્યાન ગઈ કાલની અનિર્ણીત મૅચમાં સ્મૃતિ મંધાનાએ ૧૭, શેફાલી વર્માએ ૧૮, યાસ્તિકા ભાટિયાએ ૧૫ અને કૅપ્ટન હરમનપ્રીત કૌરે ૧૨ રન બનાવ્યા હતા. રિચા ઘોષ ૧૭ રને નૉટઆઉટ હતી. યજમાન ટીમ વતી સ્પિનર ઍશ્લેઇગ ગાર્ડનરે સૌથી વધુ બે વિકેટ લીધી હતી. બન્ને ટીમને એક-એક પૉઇન્ટ મળ્યો હતો.

sports sports news cricket news indian womens cricket team india