07 May, 2025 08:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૨૦૧૩નો જસપ્રીત બુમરાહ અને સચિન તેન્ડુલકરનો ફોટો.
મુંબઈ ઇન્ડિયન્સના IPLના હાઇએસ્ટ વિકેટટેકર જસપ્રીત બુમરાહે ૧૯ વર્ષની ઉંમરે ૨૦૧૩ની સીઝનમાં IPLમાં ડેબ્યુ કર્યું હતું. તેણે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામે મુંબઈ માટે ત્રણ વિકેટ લીધી હતી જેમાં એના ટૉપ-બૅટર્સ વિરાટ કોહલી, મયંક અગ્રવાલ અને કરુણ નાયરને આઉટ કર્યા હતા. ટીમના એ સમયના અનુભવી બૅટર સચિન તેન્ડુલકરે તેના ડેબ્યુ પહેલાં શું સલાહ આપી હતી એનો ખુલાસો તેણે હાલમાં એક ઇન્ટરવ્યુમાં કર્યો હતો.
સચિનની સલાહ વિશે વાત કરતાં બુમરાહ કહે છે કે ‘હું અભિભૂત થઈ ગયો હતો, પણ રમત શરૂ થાય એ પહેલાં સચિન તેન્ડુલકરે મને કહ્યું કે બૅટ્સમૅનને બૉલ ફેંકો, (મોટા નામ સામે) નામને નહીં. મને ખબર છે કે સામે મોટા પ્લેયર્સ છે, પરંતુ મેદાન પર તેમનાં નામો ન જુઓ.’
બુમરાહ આગળ કહે છે કે ‘જ્યારે હું કોઈ પ્રતિસ્પર્ધીનો સામનો કરું છું ત્યારે હું ધ્યાનમાં રાખું છું કે તેઓ પણ પ્રેશરમાં હોય છે. મારી સલાહ છે કે દરેક પડકારને નિયમિત મૅચની જેમ લો, ધ્યાન કેન્દ્રિત રાખો અને તેમની પ્રતિષ્ઠા કે જેને આપણે નિયંત્રિત કરી શકતા નથી એની અસર પોતાના પર ન થવા દો.’