ડેથ-ઓવર્સમાં બુમરાહ બેસ્ટ, તે મારું કામ ઘણું સરળ કરી આપે છે : ટ્રેન્ટ બોલ્ટ

19 April, 2021 05:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ ટીમ અને મુંબઈ ઇન્ડિયન્સના બોલર ટ્રેન્ટ બોલ્ટના મતે જસપ્રીત બુમરાહ ઘણો સારો ડેથ-બોલર છે જેને લીધે તેનું કામ ઘણું સરળ થઈ જાય છે.

ટ્રેન્ટ બૉલ્ટે શનિવારે હૈદરાબાદની ત્રણ વિકેટ લીધી હતી. તસવીર : બીસીસીઆઇ/ આઇપીએલ

ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ ટીમ અને મુંબઈ ઇન્ડિયન્સના બોલર ટ્રેન્ટ બોલ્ટના મતે જસપ્રીત બુમરાહ ઘણો સારો ડેથ-બોલર છે જેને લીધે તેનું કામ ઘણું સરળ થઈ જાય છે. વાસ્તવમાં બુમરાહે હૈદરાબાદ સામેની મૅચમાં ૪ ઓવરના સ્પેલમાં માત્ર ૧૪ રન આપીને એક વિકેટ લીધી હતી, જ્યારે બોલ્ટે ૩.૪ ઓવરમાં ૨૮ રન આપીને ત્રણ વિકેટ મેળવી હતી.

બુમરાહની પ્રશંસા કરતાં બોલ્ટે કહ્યું કે ‘બુમરાહ જેવા બોલર પાસેથી સારી બોલિંગથી ઘણો લાભ થાય છે. પોતાના આખા સ્પેલમાં પોતે શું કરવા માગે છે એ બાબતે તે ઘણો સ્પષ્ટ છે. જ્યાં સુધી ડેથ ઓવરની વાત છે તો મારું વ્યક્તિગતપણે માનવું છે કે ડેથ-ઓવર્સમાં તેને વિશ્વના સૌથી સારા બોલરોમાં ગણી શકાય, જેને લીધે તે મારું ઘણું ખરું કામ આસાન કરી નાખે છે. મૅચમાં આવી પરિસ્થિતિમાં સારું પ્રદર્શન કરી બતાવવું ઘણું ગમે છે, પણ આ એક આખું ટીમવર્ક હતું અને દરેકે સારું એવું યોગદાન આપ્યું હતું. અમને ખબર હતી કે અમે થોડા ઓછા રન બનાવ્યા હતા, પણ અમને એ પણ ખબર હતી કે આ એવી પિચ છે જ્યાં તમે જોરદાર વળતી લડત આપી શકો છો અને વિકેટ મેળવી શકો છો. મારા ખ્યાલથી હાર્દિકે કરેલી ડાયરેક્ટ હિટ અને રાહુલે લીધેલી ત્રણ વિકેટ ઘણી મહત્ત્વની હતી. પછીથી બુમરાહે પણ પોતાના સ્પેલમાં ૧૪ રન આપીને એક વિકેટ લઈને સારું પ્રદર્શન કરી બતાવ્યું હતું. આ ઉપરાંત બોલ્ટે ચેન્નઈ અને મુંબઈની પિચ વિશે પણ પોતાના વિચાર પ્રગટ કર્યા હતા.

cricket news sports news jasprit bumrah ipl 2021 indian premier league