10 January, 2026 06:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન અને સચિન તેન્ડુલકરે ઓપનિંગ સેરેમનીમાં રસપ્રદ ચર્ચાઓ કરી હતી.
સુરતના લાલભાઈ કૉન્ટ્રૅક્ટર સ્ટેડિયમમાં ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)ની ત્રીજી સીઝનની શરૂઆત થઈ હતી. ટેનિસ બૉલના T10 ક્રિકેટનો રોમાંચ શરૂ થાય એ પહેલાં મેદાન પર બૉલીવુડ-સ્ટાર્સ સહિત લીગના બ્રૅન્ડ ઍમ્બૅસૅડર સચિન તેન્ડુલકરે હાજરી આપી હતી. સચિને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટને મળનારી પૉર્શે કારને મેદાનની આખી બાઉન્ડરી લાઇન પર ચલાવી હતી. તેણે બેલ વગાડીને ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો હતો.
૮ ટીમના તમામ પ્લેયર્સ ઓપનિંગ સેરેમની દરમ્યાન મેદાન પર પોતાની ટીમના ફ્લૅગ સાથે હાજર રહ્યા હતા. સુરતમાં ગઈ કાલે ડિફેન્ડિંગ ચૅમ્પિયન માઝી મુંબઈના માલિક અમિતાભ બચ્ચન, શ્રીનગર કે વીર ટીમના માલિક અક્ષય કુમાર, ફાલ્કન રાઇઝર્સ હૈદરાબાદના માલિક રામચરણ, ચેન્નઈ સિંઘમના માલિક સૂર્યા શિવકુમાર અને દિલ્હી સુપરહીરોઝ તરફથી સલમાન ખાનની બહેન અર્પિતા ખાન સ્ટેજ પર હાજર રહ્યાં હતાં. દરેક ટીમના શહેર અને રાજ્યના પારંપરિક નૃત્ય વચ્ચે ઓપનિંગ સેરેમની દરમ્યાન ટીમના માલિકો સહિત પ્લેયર્સે મેદાન પર એન્ટ્રી મારી હતી.
બૅન્ગલોર સ્ટ્રાઇકર્સના માલિક હૃતિક રોશન, ટાઇગર્સ ઑફ કલકત્તાનાં માલિક સૈફ અલી ખાન અને કરીના કપૂર તથા અમદાવાદ લાયન્સના માલિક અજય દેવગનની ગેરહાજરીમાં ટીમના સહ-માલિક હાજર રહ્યા હતા. ‘અનુપમા’ સિરિયલ માટે જાણીતી રૂપાલી ગાંગુલીએ ઓપનિંગ સેરેમનીમાં ગુજરાતી ગરબાનો પર્ફોર્મન્સ આપ્યો હતો. તેણે ઍન્કરની પણ ભૂમિકા ભજવી હતી. ટીમોના મેન્ટર તરીકે સંજય બાંગર અને મોહમ્મદ કૈફે પણ સુરતમાં હાજરી આપી હતી. મહારાષ્ટ્રના મંત્રી આશિષ શેલાર લીગના કમિટી મેમ્બર તરીકે ઓપનિંગ સેરેમનીમાં આવ્યા હતા.
સુરતમાં અમિતાભ બચ્ચનને જોવા ફૅન્સની થઈ પડાપડી, તોડી નાખ્યો કાચનો દરવાજો
સુરતના પીપલોદમાં ગઈ કાલે લાલભાઈ કૉન્ટ્રૅક્ટર સ્ટેડિયમમાં ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)ની સીઝન 3નો પ્રારંભ થયો છે. આ ISPLની ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેવા માટે અમિતાભ બચ્ચન સુરતના ઉદ્યોગપતિ સુનીલ શાહના અડાજણમાં આવેલા તેમના ઘરે ગયા હતા. એ સમયે અમિતાભને જોવા માટે અને તેમની સાથે ફોટો પડાવવા માટે મોટી સંખ્યામાં આવેલા લોકોએ પડાપડી કરતાં એન્ટ્રી-ગેટનો કાચનો દરવાજો તૂટી ગયો હતો અને એમાં કેટલાક લોકોને ઈજા થઈ હતી. જોકે પોલીસે ભીડને કાબૂમાં લઈને અમિતાભને બહાર કાઢ્યા હતા અને પછી તેમને હોટેલ લઈ જવાયા હતા.