IPLની ત્રણ ટીમને ક્વૉલિફાયર-વનમાં એન્ટ્રી અપાવનાર પહેલો કૅપ્ટન બન્યો શ્રેયસ ઐયર

28 May, 2025 09:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૨૪માં ક્વૉલિફાયર-વનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે જીત મેળવીને ફાઇનલમાં પહોંચીને એ જ ટીમને ૮ વિકેટે હરાવીને કલકત્તા ચૅમ્પિયન બન્યું હતું.

ક્વૉલિફાયર-વનમાં પહોંચ્યા બાદ મેદાન પર કૅપ્ટન શ્રેયસ ઐયરને ભેટી પડી હતી ઓનર પ્રીતિ ઝિન્ટા.

શ્રેયસ ઐયરની ક્રિકેટ-કરીઅરનો હાલમાં સ્વર્ણિમ સમય ચાલી રહ્યો છે. ૩૦ વર્ષના આ કૅપ્ટને પોતાની ટીમ પંજાબ કિંગ્સને IPL 2025ના પૉઇન્ટ્સ ટેબલમાં ટૉપ-ટૂમાં સ્થાન જાળવી રાખીને ક્વૉલિફાયર-વનમાં રમવાનું સુનિશ્ચિત કર્યું છે. તે IPLમાં ત્રણ ટીમને ટૉપ-ટૂમાં રાખીને ક્વૉલિફાયર-વનમાં એન્ટ્રી અપાવનાર પહેલો કૅપ્ટન બન્યો છે.

આ પહેલાં તેણે દિલ્હી કૅપિટલ્સ (૨૦૨૦) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (૨૦૨૪)ને ટૉપ-ટૂમાં રાખીને ક્વૉલિફાયર-વન મૅચ રમી હતી. તેના નેતૃત્વ હેઠળ દિલ્હીની ટીમ ૨૦૨૦માં મુંબઈ ઇન્ડિયન્સ સામે ક્વૉલિફાયર-વન હાર્યા બાદ ક્વૉલિફાયર-ટૂમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને ફાઇનલમાં પહોંચી હતી. જોકે ત્યાં એને મુંબઈ સામે પાંચ વિકેટે હાર મળી હતી. ૨૦૨૪માં ક્વૉલિફાયર-વનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે જીત મેળવીને ફાઇનલમાં પહોંચીને એ જ ટીમને ૮ વિકેટે હરાવીને કલકત્તા ચૅમ્પિયન બન્યું હતું.

ડેવિડ વૉર્નરનો એક દાયકા જૂનો રેકૉર્ડ તોડ્યો ઐયરે

મિડલ ઑર્ડર બૅટર ઐયરે વર્તમાન સીઝનની ૧૪ મૅચમાં પાંચ ફિફ્ટીની મદદથી ૫૧૪ રન બનાવ્યા છે. તેણે કૅપ્ટન તરીકે ૧૭૧.૯૦ના સ્ટ્રાઇક-રેટથી આ સીઝનમાં ૫૦૦ પ્લસ રન કરીને ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન બૅટર ડેવિડ વૉર્નરનો ૧૦ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો છે. ઓછામાં ઓછા ૫૦૦ રન કરવાના કિસ્સામાં ઐયર એક સીઝનમાં હાઇએસ્ટ સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરનાર કૅપ્ટન બની ગયો છે. વૉર્નરે ૨૦૧૫માં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ૧૫૭ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરી હતી.  

indian premier league IPL 2025 priety zinta shreyas iyer punjab kings delhi capitals kolkata knight riders sunrisers hyderabad mumbai indians cricket news sports news sports