04 June, 2025 07:00 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રૅક્ટિસ કરતો વિરાટ કોહલી.
મુંબઈનો શ્રેયસ ઐયર IPL ઇતિહાસનો એવો પહેલો કૅપ્ટન બન્યો છે જેણે બે અલગ-અલગ ટીમને બૅક-ટુ-બૅક સીઝનમાં ફાઇનલમાં એન્ટ્રી કરાવી હોય. મહેન્દ્ર સિંહ ધોની, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા માત્ર એક ટીમને સળંગ બે વાર ફાઇનલમાં લઈ ગયા છે. શ્રેયસ ઐયર જો આજે જીતશે તો બૅ-ટુ-બૅક બે ટીમને ચૅમ્પિયન બનાવનાર પહેલો કૅપ્ટન બની જશે.
૨૦૦૪ની રોમૅન્ટિક ફિલ્મ ‘વીર ઝારા’માં મુખ્ય ભૂમિકા ભજવનાર બૉલીવુડ સ્ટાર શાહરુખ ખાન અને પ્રીતિ ઝિન્ટા માટે શ્રેયસ ઐયર ખાસ રહ્યો છે. ૨૦૨૪માં શ્રેયસની કૅપ્ટન્સી હેઠળ વીર એટલે કે શાહરુખની કલકત્તાની ટીમે ૧૦ વર્ષ બાદ પહેલી વાર અને ઓવરઑલ ત્રીજી IPL ટ્રોફી જીતી હતી. હવે તે ઝારા એટલે કે પ્રીતિ ઝિન્ટાની ટીમ પંજાબને ૧૧ વર્ષ બાદ ફાઇનલમાં પહોંચાડીને પહેલી વાર ચૅમ્પિયન બનાવવા ભરપૂર પ્રયત્ન કરશે. સોશ્યલ મીડિયા પર આ ‘વીર ઝારા’વાળી વાત શાહરુખ અને પ્રીતિ સાથેની શ્રેયસની તસવીરો સાથે વાઇરલ થઈ છે.
વિરાટને ફળશે ૧૮નો જબરદસ્ત સંયોગ?
વિરાટ કોહલીનો જર્સી-નંબર ૧૮ છે, IPLની આ ૧૮મી સીઝન છે અને આજે ૦૩-૦૬-૨૦૨૫ની જે તારીખે ફાઇનલ રમાઈ રહી છે એનું ટોટલ પણ ૧૮ છે એટલે સોશ્યલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે કે કિંગ કોહલી માટે પહેલવહેલી IPL જીતવાનો આ આદર્શ સંયોગ છે
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે પંજાબ કિંગ્સ (PBKS) અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) વચ્ચે IPL 2025ની ફાઇનલ મૅચ રમાશે. બન્ને ટીમનો ઉદ્દેશ આ પ્રતિષ્ઠિત ટ્રોફી જીતીને ૧૮ વર્ષના ઇન્તેજારનો અંત લાવવાનો હશે. ૧૧ વર્ષ બાદ ફાઇનલમાં પહોંચનાર પંજાબ માત્ર બીજી વાર, જ્યારે ૯ વર્ષ બાદ ફાઇનલમાં એન્ટ્રી મારનાર બૅન્ગલોર (૨૦૦૯, ૨૦૧૧, ૨૦૧૬ અને ૨૦૨૫) ચોથી વાર ફાઇનલ મૅચ રમશે.
૨૦૧૪ની ફાઇનલમાં પંજાબને કોલકાતા નાઇટ રાઇડર્સ સામે હાર મળી હતી; જ્યારે બૅન્ગલોરને ૨૦૦૯માં ડેક્કન ચાર્જર્સ, ૨૦૧૧માં ચેન્નઈ સુપર કિંગ્સ અને ૨૦૧૬માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ફાઇનલ મૅચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે જર્સી-નંબર ૧૮ ધરાવતો સ્ટાર બૅટર વિરાટ કોહલી ૧૮મી સીઝનમાં પહેલી IPL ટ્રોફી ઉપાડશે એવી આશા મોટા ભાગના ક્રિકેટ-ફૅન્સ રાખી રહ્યા છે. શ્રેયસ ઐયરે પણ સતત બીજા વર્ષે કૅપ્ટન તરીકે ફાઇનલમાં એન્ટ્રી કરીને સૌનાં દિલ જીતી લીધાં છે. બન્ને ટીમ વચ્ચેની છેલ્લી પાંચ મૅચની વાત કરીએ તો પંજાબ આ સીઝનમાં શરૂઆતમાં માત્ર એક મૅચ જીતી શક્યું છે.
|
હેડ ટુ હેડ રેકૉર્ડ |
|
|
કુલ મૅચ |
૩૬ |
|
PBKSની જીત |
૧૮ |
|
RCBની જીત |
૧૮ |
ડોમેસ્ટિક T20ની ફાઇનલમાં કૅપ્ટન તરીકે રજત પાટીદારને હરાવી ચૂક્યો છે શ્રેયસ ઐયર
રજત પાટીદાર અને શ્રેયસ ઐયર આ પહેલાં કૅપ્ટન તરીકે ડોમેસ્ટિક ક્રિકેટની T20 ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024-25ની ફાઇનલમાં ટકરાયા છે જ્યાં મધ્ય પ્રદેશ સામે કૅપ્ટન શ્રેયસ ઐયરના નેતૃત્વ હેઠળ મુંબઈ ચૅમ્પિયન બન્યું હતું.
ગઈ કાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ટ્રોફી સાથે બન્ને ટીમના કૅપ્ટન.
રજત પાટીદાર એ સમયે મધ્ય પ્રદેશને ૧૩ વર્ષ બાદ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ફાઇનલમાં લઈને આવ્યો હતો. ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં કૅપ્ટન તરીકે ૧૬માંથી ૧૨ મૅચ જીતી હતી અને ચાર મૅચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. IPLમાં આ સીઝનમાં પહેલી વાર કૅપ્ટન્સી સંભાળતાં રજત પાટીદારે અગિયારમાંથી આઠ મૅચ જિતાડી અને ત્રણ મૅચમાં હારનો સામનો કર્યો હતો.
તેની સરખામણીમાં ઐયરનો કૅપ્ટન્સી રેકૉર્ડ વધુ સારો છે. IPLમાં કૅપ્ટન તરીકે ૮૬ મૅચમાંથી ૫૦ મૅચમાં શ્રેયસ પોતાની ટીમને જીત અપાવી ચૂક્યો છે. ૩૩ મૅચમાં હાર મળી છે, જ્યારે ત્રણ મૅચ નો-રિઝલ્ટ રહી હતી.
શ્રેયસ ઐયરે કૅપ્ટન તરીકે અને રિકી પૉન્ટિંગે હેડ કોચ તરીકે ત્રણ ટીમને ફાઇનલમાં પહોંચાડવાની સિદ્ધિ મેળવી
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈ કાલે પ્રૅક્ટિસ વખતે રિકી પૉન્ટિંગ અને શ્રેયસ ઐયર.
શ્રેયસ ઐયર IPLમાં ત્રણ અલગ-અલગ ટીમને ફાઇનલમાં પહોંચાડનાર પહેલો કૅપ્ટન બની ગયો છે. તેના નેતૃત્વ હેઠળ તે દિલ્હી કૅપિટલ્સ (૨૦૨૦), કોલકાતા નાઇટ રાઇડર્સ (૨૦૨૪) અને હવે પંજાબ કિંગ્સ (૨૦૨૫)ને ફાઇનલ સુધી લઈ ગયો છે. પંજાબ કિંગ્સના વર્તમાન હેડ કોચ રિકી પૉન્ટિંગે પણ હેડ કોચ તરીકે ત્રણ ટીમને ફાઇનલ સુધી પહોંચાડવાની સિદ્ધિ મેળવી છે. તેના કોચિંગ હેઠળ મુંબઈ ઇન્ડિયન્સ (૨૦૧૫), દિલ્હી કૅપિટલ્સ (૨૦૨૦) અને પંજાબ કિંગ્સ (૨૦૨૫)એ ફાઇનલમાં એન્ટ્રી મારી છે. હવે આ કૅપ્ટન અને હેડ કોચની જોડી પંજાબને પહેલી વાર IPL ટ્રોફી જિતાડવાનો પ્રયાસ કરશે.
વરસાદને કારણે આજે મૅચ નહીં રમાશે તો શું થશે?
ગઈ કાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોલિંગ પ્રૅક્ટિસ કરતો જોશ હેઝલવુડ.
પંજાબ અને મુંબઈ વચ્ચેની બીજી ક્વૉલિફાયર વરસાદથી પ્રભાવિત થઈ હતી, પરંતુ અમદાવાદમાં આજે ફાઇનલના દિવસે વરસાદની કોઈ આગાહી નથી. સીઝનની અધવચ્ચે વરસાદની શક્યતાને કારણે રમતના સમયમાં એક વધારાનો કલાક ઉમેરીને એક્સ્ટ્રા ટાઇમ ૧૨૦ મિનિટ સુધી વધારી દેવામાં આવ્યો છે. હવામાનની ખરાબ પરિસ્થિતિઓ વચ્ચે ઓછામાં ઓછી પાંચ-પાંચ ઓવર્સની મૅચ દ્વારા પણ મૅચનો નિર્ણય લાવવાનો પ્રયાસ થશે. ફાઇનલમાં રિઝર્વ-ડે (૪ જૂન) રાખવામાં આવ્યો છે.
અમદાવાદમાં પંજાબ છે કિંગ, માત્ર એક મૅચ જીત્યું છે બૅન્ગલોર
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બન્ને ટીમ વચ્ચે ૨૦૨૧માં એકમાત્ર ટક્કર થઈ છે જેમાં પંજાબે ૩૪ રનથી મૅચ જીતી હતી. બૅન્ગલોર આ મેદાન પર છમાંથી માત્ર એક જ મૅચ ૨૦૨૪માં જીત્યું છે, જ્યારે પંજાબ સાતમાંથી પાંચ મૅચ જીત્યું છે.
પંજાબ કરતાં બૅન્ગલોરનો પ્લેઑફ્સ રમવાનો અનુભવ સૌથી વધારે
પ્લેઑફ્સમાં બન્ને ટીમની આ સીઝનની ક્વૉલિફાયર-ટૂ બાદ માત્ર બીજી જ ટક્કર છે. પ્લેઑફ્સમાં બૅન્ગલોરની ટીમ ૧૬માંથી ૧૦ મૅચ હારી છે અને માત્ર ૬ જીત મેળવી શકી છે. જ્યારે પંજાબ પ્લેઑફ્સમાં ૬ મૅચ રમ્યું છે જેમાંથી ચારમાં હાર અને બે મૅચમાં જીત મેળવી છે.