03 May, 2023 09:27 AM IST | Mohali | Gujarati Mid-day Correspondent
સૂર્યકુમાર યાદવે રવિવારે વાનખેડેમાં રાજસ્થાન સામે પંચાવન રન બનાવ્યા હતા. તસવીર અતુલ કાંબળે
મોહાલીમાં આજે પંજાબ કિંગ્સને હરાવીને વાનખેડેની હારનો બદલો લેવાનો મુંબઈ ઇન્ડિયન્સને મોકો છે. બન્નેની એકસરખી સ્ફોટક બૅટિંગ હોવાની સાથે બોલિંગ બન્નેની નબળી છે. બન્ને ટીમ વચ્ચેના ગયા મુકાબલામાં પંજાબે મુંબઈને છેલ્લી ઓવરમાં ૧૩ રનથી હરાવ્યું હતું. બાવીસમી એપ્રિલે વાનખેડેની એ મૅચમાં ૨૧૫ રનનો લક્ષ્યાંક મેળવવા જતાં મુંબઈ માટે જીત લગોલગ હતી, પણ પંજાબના અર્શદીપ સિંહે અગાઉની ઓવર્સમાં કિશન (૧ રન) અને સૂર્યકુમાર (૫૭ રન)ને આઉટ કર્યા પછી મૅચની છેલ્લી ઓવરના ત્રીજા-ચોથા બૉલમાં અનુક્રમે તિલક વર્મા અને નેહલ વઢેરાને ક્લીન બોલ્ડ કરીને પંજાબને જિતાડ્યું હતું. અર્શદીપે તિલક, વઢેરાના મિડલ સ્ટમ્પ તોડી નાખ્યા હતા. અર્શદીપે ઈશાનને ચાર બૉલ ફેંક્યા છે જેમાં તેને બે વાર આઉટ કર્યો છે. જોકે પંજાબને જવાબ આપવા ઇંગ્લૅન્ડના પેસ બોલર ક્રિસ જૉર્ડનને ટીમમાં સમાવાયો છે.
૨થી ૬ નંબરની ટીમ એકસરખી
પૉઇન્ટ્સ-ટેબલમાં બેથી છ નંબરની પાંચ ટીમની સ્થિતિ ઑલમોસ્ટ એકસરખી છે. માત્ર રનરેટ પર એ ટીમો એકમેકથી ચડિયાતી-ઊતરતી છે. આ પાંચેય ટીમ ૯માંથી પાંચ મૅચ જીતી છે, ચાર હારી છે અને દરેકના ૧૦ પૉઇન્ટ છે. જો આજે મુંબઈ સામે પંજાબ જીતશે તો ૧૨ પૉઇન્ટ સાથે રાજસ્થાનના સ્થાને બીજા નંબરે આવી જશે, કારણ કે એક સમયની ટોચની ટીમ રાજસ્થાનના હજી ૧૦ જ પૉઇન્ટ છે. મુંબઈ ૮માંથી ૪ મૅચ જીત્યું છે, ૪ હાર્યું છે અને ૮ પૉઇન્ટ સાથે સાતમા ક્રમાંકે છે.