MI vs KKR : ઘાયલ ચૅમ્પિયનો વચ્ચે આજે ઘમસાણ, લયમાં આવેલા મુંબઈની જીતની હૅટ-ટ્રિક?

09 May, 2022 12:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કલકત્તા છેલ્લી સાતમાંથી છ મૅચમાં અને ખાસ કરીને શનિવારની લખનઉ સામેની ૭૫ રનથી થયેલી મસમોટી હારથી ભારે હતાશ છે

ફાઇલ તસવીર

હારની હારમાળા બાદ લયમાં આવેલા મુંબઈની આજે ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં કલકત્તા સામે ટક્કર છે. હારથી હતાશ અને ઘાયલ પાંચ વખતની ચૅમ્પિયન્સ મુંબઈ અને બે વખતની વિજેતા કલકત્તા વચ્ચે આજે ઘમસાણ થવાની આશા છે. કલકત્તા છેલ્લી સાતમાંથી છ મૅચમાં અને ખાસ કરીને શનિવારની લખનઉ સામેની ૭૫ રનથી થયેલી મસમોટી હારથી ભારે હતાશ છે. કલકત્તાએ પહેલી ચારમાંથી ત્રણ જીતીને શાનદાર શરૂઆત કરી હતી, પણ ત્યાર બાદ તેઓ ફસડાઈ પડ્યા છે. કલકત્તાના ૧૧ મૅચમાં ૮ પૉઇન્ટ છે અને બાકીની ત્રણેય મૅચ તેઓ જીતશે તો પણ તેમના ૧૪ પૉઇન્ટ થશે અને પ્લે-ઑફમાં ચમત્કાર થાય તો જ પહોંચી શકાય એમ છે. મુંબઈ પહેલી સળંગ આઠ મૅચ હારીને પ્લે-ઑફની રેસમાંથી બહાર થઈ ગયું છે.

કલકત્તાને ટીમમાં બહુ બધા ફેરફાર અને પાવર-પ્લેમાં નબળો પર્ફોર્મન્સ નડી રહ્યા છે. કોચ બ્રેન્ડન મૅક્લમે ગઈ કાલે સ્વીકાર્યું હતું કે ‘પહેલી ૬ ઓવરમાં અમારી ટીમે આખી સીઝનમાં સ્ટ્રગલ કરી એ જ અમને હતાશ કરી રહ્યું છે. અમારો મિડલ અને છેલ્લી ઓવર્સમાં દેખાવ એટલો ખરાબ નથી.’

જ્યારે મુંબઈને રિટેન ખેલાડીઓ કૅપ્ટન રોહિત શર્મા, કિરોન પોલાર્ડ અને જસપ્રીત બુમરાહનું નબળું ફૉર્મ ભારે નડી રહ્યું છે. પોલાર્ડે અસલી ટચ ગુમાવી દીધો છે. જોકે ટિમ ડેવિડે ગુજરાત સામે તેની ટૅલન્ટનો પરચો બતાવતાં મુંબઈને મોટી રાહત થઈ હતી. રાજસ્થાન અને ગુજરાત બાદ મુંબઈ આજે વધુ એક જીત સાથે હૅટ-ટ્રિક કરશે એવી ચાહકો આશા રાખી રહ્યા છે.

22
કલકત્તા સામે મુંબઈનો રેકૉર્ડ શાનદાર છે અને એણે ૩૦ જંગમાંથી કુલ આટલી જીત મેળવી છે. છેલ્લા પાંચમાંથી ચાર મુકાબલામાં પણ રોહિતસેનાનો જ વિજય થયો છે.

sports sports news cricket news indian premier league ipl 2022 kolkata knight riders mumbai indians