કૅપ્ટન કોહલીનો આભાર : શાહબાઝ

16 April, 2021 04:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સનરાઇઝર્સ હૈદરાબાદ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વચ્ચેની મૅચમાં જ્યાં હૈદરાબાદ એક સમયે મૅચ કબજે કરી લેશે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી ત્યાં બૅન્ગલોરના સ્પિનર શાહબાઝ અહમદે કરેલી ઇનિંગ્સની ૧૭મી ઓવર મૅચનો ટર્નિંગ પૉઇન્ટ સાબિત થઈ

શાહબાઝ અહમદ

સનરાઇઝર્સ હૈદરાબાદ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વચ્ચેની મૅચમાં જ્યાં હૈદરાબાદ એક સમયે મૅચ કબજે કરી લેશે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી ત્યાં બૅન્ગલોરના સ્પિનર શાહબાઝ અહમદે કરેલી ઇનિંગ્સની ૧૭મી ઓવર મૅચનો ટર્નિંગ પૉઇન્ટ સાબિત થઈ અને તે ત્રણ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. શાહબાઝે બે ઓવરમાં ૭ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. આ ત્રણેય વિકેટ તેણે ૧૭મી ઓવરના પહેલા, બીજા અને છઠ્ઠા બૉલમાં લીધી હતી, જેમાં જૉની બેરસ્ટૉ, મનીષ પાન્ડે અને અબ્દુલ સમદ આઉટ થયા હતા.

મૅચ બાદ વિરાટ કોહલીનો આભાર માનતાં શાહબાઝે કહ્યું કે ‘આ ઘણી કપરી પરિસ્થિતિ હતી, પણ કૅપ્ટને મારી ક્ષમતા પર ભરોસો કર્યો અને હું સારું પ્રદર્શન કરી શક્યો એ બદલ હું કૅપ્ટનનો આભાર માનું છું. તેમણે મને ૧૭મી ઓવર આપી હતી, કેમ કે વિકેટ પર અમે પકડ જાળવી રાખી હતી. એનાથી મારી બોલિંગમાં મને મદદ મળી અને હું વિકેટ લેવામાં સફળ રહ્યો. પછીથી અન્ય ઓવર નાખવા પણ હું તૈયાર હતો, પણ મોહમ્મદ સિરાજે ઘણી સારી ડેથ ઓવર નાખી હતી. ’

શાહબાઝ અહમદે પોતાની ઉપયોગિતા સાબિત કરી : સિરાજ
શાહબાઝ અહમદે હૈદરાબાદ સામેની મૅચમાં એક ઓવરમાં ત્રણ વિકેટ લઈને વાહવાહ મેળવી હતી. તેના આ પ્રદર્શનથી બૅન્ગલોરનો સાથીપ્લેયર મોહમ્મદ સિરાજ પણ ઘણો પ્રભાવિત થયો હતો. શાહબાઝનાં વખાણ કરતાં સિરાજે કહ્યું કે ‘શાહબાઝ અહમદ અને રજત પાટીદારે નેટમાં સારી બોલિંગ કરી હતી. શાહબાઝ આવવાથી અમને વધારાનો એક વિકલ્પ મળી ગયો. વૉશિંગ્ટન સુંદરની ઓવર પણ બાકી હતી અને મેદાનમાં બે બૅટ્સમેન સારું રમી રહ્યા હતા એટલે વિરાટભાઈએ વિચાર્યું કે જમણા હાથના સ્પિનરને મોકલવો જોઈએ. પહેલી ઓવરમાં શાહબાઝે મનીષને ઘણો હેરાન કર્યો હતો અને બીજી ઓવરમાં તે તેની વિકેટ લેવામાં સફળ રહ્યો.’

ipl 2021 indian premier league cricket news sports news virat kohli