પંજાબ મૅચ જીત્યું, સૅમસન દિલ જીત્યો

13 April, 2021 12:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વાનખેડેમાં હાઈ-સ્કોરિંગ મુકાબલામાં રાજસ્થાન રૉયલ્સનો ૪ રનથી પરાજય: રાજસ્થાનના નવા કૅપ્ટનની ૧૧૯ રનની રેકૉર્ડબ્રેક ઇનિંગ્સ એળે ગઈ

પંજાબ ચાર રનથી જીતવામાં સફળ

આઇપીએલમાં ગઈ કાલે વાનખેડેમાં જામેલા રૉયલ મુકાબલમાં રાજસ્થાન સામે પંજાબ છેલ્લા બૉલમાં ચાર રનથી જીતવામાં સફળ થઈ હતી. ટીમનું નામ કિંગ્સ ઇલેવન પંજાબને બદલીને આ સીઝનમાં નવા નામ પંજાબ કિંગ્સ સાથે મેદાનમાં ઊતરેલી પ્રીતિ ઝિન્ટાની ટીમે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૨૨૧ રનનો ઢગલો કરી દીધો હતો. ગઈ સીઝનના બન્ને વચ્ચેની પહેલી ટક્કરમાં પંજાબે પહેલાં બૅટિંગ કરતાં ૨૨૩ રન બનાવ્યા છતાં હાર જોવી પડી હતી એ જોતાં ચાહકોમાં ફરી એવી આશા જાગી હતી, પણ એવું ન થતાં જરાક માટે રહી ગયું થયું અને રાજસ્થાન ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૨૧૭ રન જ બનાવી શક્યું હતું. છેલ્લી ઓવરમાં જીતવા માટે ૧૩ રનની જરૂર હતી, પણ એક સિક્સર છતાં ૮ જ રન બની શક્યા હતા. આ સાથે પંજાબે ગઈ સીઝનની લીગની બન્ને મૅચમાં મળેલી હારનો બદલો વાળી લીધો હતો.

કૅપ્ટન સંજુની રેકૉર્ડબ્રેક ઇનિંગ્સ

આઇપીએલમાં કૅપ્ટન તરીકે સેન્ચુરી ફટકારનાર સંજુ સૅમસન પ્રથમ ખેલાડી બન્યો હતો. ૬૩ બૉલબાં ૭ સિક્સર અને ૧૨ ફોર સાથે ૧૧૯ રનની ઇનિંગ્સ સાથે સંજુએ મૅચ હાર્યા છતાં લોકોનાં દિલ જીતી લીધાં હતાં. પંજાબ વતી મોંઘેરા ઝ્‍યે રિચર્ડસન (૫૫ રનમાં એક) અને રિલે મેરેડિથ (૪૯ રનમાં એક) સાબિત થયા હતા, ત્યારે મોહમ્મદ શમી ૩૩ રનમાં બે અને અર્શદીપ સિંહ ૩૫ રનમાં ૩ વિકેટ સાથે લાજવાબ રહ્યા હતા.

રાહુલ-હૂડા લાજવાબ

રાજસ્થાનના કૅપ્ટન તરીકે પહેલી જ મૅચમાં ટૉસ જીતીને સંજુ સૅમસને પંજાબને પહેલાં બૅટિંગનું આમંત્રણ આપ્યું હતું. મયંક અગરવાલ (૧૪)ને જલદી ગુમાવ્યા બાદ ક્રિસ ગેઇલે તેની સ્ટાઇલમાં ૨૬ બૉલમાં બે સિક્સર અને ચાર ફોર સાથે ૪૦ સાથે રનમશીન શરૂ કરાવી આપ્યું હતું. કૅપ્ટન લોકેશ રાહુલ ૫૦ બૉલમાં પાંચ સિક્સર અને સાત ફોર સાથે ૯૧ રન બનાવ્યા હતા, પણ તે ૯ રન માટે સેન્ચુરી ચૂકી ગયો હતો. જોકે ગેઇલ, રાહુલ અને પૂરનના શોમાં માત્ર ૨૮ બૉલમાં ૬ સિક્સર અને ચાર ફોર સાથે ૬૪ રનની લાજવાબ ઇનિંગ્સ સાથે દીપક હૂડા છવાઈ ગયો હતો. નિકોલસ પૂરન ખાતું પણ ખોલાવી નહોતો શક્યો. રાજસ્થાને આ સીઝનની પહેલી ડબલ સેન્ચુરી નોંધાવતાં ૬ વિકેટે ૨૨૧ રન બનાવી લીધા હતા. રાજસ્થાન વતી સૌરાષ્ટ્રના યુવા લેફ્ટ-હૅન્ડ પેસ બોલર ચેતન સાકરિયા ૩૧ રનમાં ૩ અને સૌથી મોંઘા ક્રિસ મૉરિસે ૪૧ રનમાં બે વિકેટ લીધી હતી.

પરાગની જાદવ-સ્ટાઇલ બોલિંગ

રિયાન પરાગ પાસે એક ઓવર કરાવવાનું રાજસ્થાનનું જૂગટું સફળ થયું હતું. પરાગે ગેઇલને આઉટ કર્યો હતો. ગેઇલની વિકેટ કરતાં પરાગની ચર્ચા તેની કેદાર જાદવની સ્ટાઇલમાં અન્ડર-આર્મ ફેંકેલા બૉલને લીધે વધુ થઈ હતી. અમ્પાયરે તેને વૉર્નિંગ આપી હતી. 

હૂડાએ રચ્ચો અનોખો રેકૉર્ડ

પહેલા ચાર બૉલમાં સંઘર્ષ કર્યા બાદ પંજાબના દીપક હૂડાએ વાનખેડેમાં ૬ સિક્સર અને ચાર ફોર સાથે હાહાકાર મચાવી દીધો હતો. દીપક હૂડાએ ૨૦ બૉલમાં હાફ-સેન્ચુરી ફટકારીને આ સીઝનની ફાસ્ટેસ્ટ હાફ-સેન્ચુરી સાથે આઇપીએલમાં એક અનોખો રેકૉર્ડ તેના નામે કરી લીધો હતો. દીપક હૂડા આ સાથે આઇપીએલમાં પ્રથમ અનકૅપ્ડ (એક પણ ઇન્ટરનૅશનલ મૅચ ન રમ્યો હોય એવો) ખેલાડી બન્યો હતો, જેણે બે-બે વાર ૨૩ કરતાં ઓછા બૉલમાં હાફ-સેન્ચુરી ફટકારી હોય. આ પહેલાં તેની ૨૦૧૫ની ડેબ્યુ સિરીઝમાં રાજસ્થાન વતી રમતાં ૨૨ બૉલમાં હાફ સેન્ચુરી ફટકારી હતી.

હૂડાના હાહાકાર બાદ સોશ્યલ મીડિયામાં કૃણાલ પંડ્યાને લોકોએ ભારે ટ્રોલ કર્યો હતો. કેમ કે તાજેતરમાં ડોમેસ્ટિક ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમ્યાન તેની ટીમ બરોડાના કૅપ્ટન કૃણાલ પંડ્યા સાથે ઝઘડો થતાં તે ટીમ છોડીને જતો રહ્યો હતો અને પછી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્રના ચેતન સાકરિયાનું યાદગાર ડેબ્યુ

રાજસ્થાને ૧.૨ કરોડ રૂપિયામાં ખરીદેલા સોરાષ્ટ્રના યુવા લેફ્ટ-હૅન્ડ પેસ બોલર ચેતન સાકરિયાને મોકો આપ્યો હતો. બધા ૧૦ રનની ઉપર રન આપી રહ્યા હતા ત્યારે સાકરિયાએ ચાર ઓવરમાં માત્ર ૩૧ રન આપીને લોકેશ રાહુલ, મયંક અગરવાલ અને રિચર્ડસનની વિકેટ લીધી હતી. આ ઉપરાંત નિકોસલ પૂરનનો લાજવાબ કૅચ પકડ્યો હતો.

351

ક્રિસ ગેઇલે ગઈ કાલે બે સિક્સર સાથે આઇપીએલમાં સૌથી વધુ આટલી સિક્સર સાથે તેનો રેકૉર્ડ વધુ મૂજબત કરી લીધો હતો. ૨૩૭ સિક્સર સાથે બીજા નંબરે એ. બી. ડિવિલિયર્સ છે. ત્રીજા નંબરના મહેન્દ્ર સિંહ ધોનીની ૨૧૬ સિક્સર છે.

ટૂંકો સ્કોર

પંજાબ કિંગ્સ ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૨૨૧ રન (રાહુલ ૯૧, હૂડા ૬૪ અને ગેઇલ ૪૦, સાકરિયા ૩૧ રનમાં ૩ અને મૉરિસ ૪૧ રનમાં બે)નો રાજસ્થાન રૉયલ્સ ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૨૨૧ રન (સૅમસન ૧૧૯, પરાગ ૨૫, અર્શદીપ ૩૫ રનમાં ૩ અને શમી ૩૩ રનમાં બે) સામે ચાર રનથી વિજય.

 

sports sports news cricket news indian premier league ipl 2021 punjab kings rajasthan royals