વાનખેડેમાં બે ગ્રાઉન્ડ-સ્ટાફ સહિત વધુ ત્રણ જણ કોરોના-પૉઝિટિવ

07 April, 2021 11:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્ટેડિયમમાં ૧૦ એપ્રિલથી આઇપીએલની ૧૦ મૅચ રમાવાની છે

વાનખેડે

૧૪મી સીઝનની પ્રથમ મૅચને આડે માંડ પાંચેક દિવસ બાકી છે ત્યારે વાનખેડે સ્ટેડિયમમાં કોરોના‍નો કેર વધતો જ જાય છે. ગઈ કાલે સ્ટેડિયમના વધુ બે ગ્રાઉન્ડ-સ્ટાફ અને અન્ય એક પ્લમ્બર મળી કુલ ત્રણ જણનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ગ્રાઉન્ડ-સ્ટાફને સ્ટેડિયમની અંદરના એક ક્લબ હાઉસમાં રાખવામાં આવશે અને તેઓ કોઈ જગ્યાએ અવરજવર નહીં કરી શકે. સ્ટેડિયમમાં ૧૦ એપ્રિલથી આઇપીએલની ૧૦ મૅચ રમાવાની છે, એવામાં સતત કોરોનાના વધી રહેલા કેસ આયોજકોની ચિંતામાં વધારો કરી રહ્યા છે.

કુલ ત્રણ ગ્રાઉન્ડ-સ્ટાફ કોરોના-પૉઝિટિવ આવ્યા હોવાની મુંબઈ ક્રિકેટ અસોસિએશને પુષ્ટિ કરી હતી. આ પહેલાં ગયા શનિવારે સ્ટેડિયમના૧૦ ગ્રાઉન્ડ-સ્ટાફ કોરોનાગ્રસ્ત થયા હતા, જેઓ ત્યાર બાદ રિકવર થયા છે. સોમવારે મહારાષ્ટ્ર સરકારે આઇપીએલને લીધે ખેલાડીઓને રાતે ૮ વાગ્યા પછી પણ સ્ટેડિયમમાં પ્રૅક્ટિસ કરવાની અને સ્ટેડિયમથી તેમની હોટેલ સુધી આવવા-જવાની અનુમતિ આપી હતી.

sports sports news cricket news indian premier league ipl 2021 wankhede