આક્રમક ટૉપ ઑર્ડર બૅટ્સમેનો વચ્ચે જંગ

21 September, 2021 08:32 AM IST  |  Abu Dhabi | Gujarati Mid-day Correspondent

સ્ટ્રગલ કરી રહેલા પંજાબ અને રાજસ્થાને આજે પાવર-પ્લેમાં બતાવવો પડશે પાવર, વર્લ્ડ નંબર વન તબ્રેઝ શમ્સી પર સૌથી નજર

તબ્રેઝ શમ્સી

દુબઈમાં આજે પૉઇન્ટ ટેબલ પર પાંચમા ક્રમાંકે રહેલી રાજસ્થાન રૉયલ્સ અને છઠ્ઠા નંબરની પંજાબ કિંગ્સ વચ્ચે મહત્ત્વપૂર્ણ જંગ જામવાનો છે. પંજાબની ૮ મૅચ અને રાજસ્થાનની ૭ મૅચ બાદ એકસરખી જીત સાથે એકસરખા ૬ પૉઇન્ટ છે. પ્લે-ઑફ માટેની રેસમાં દાવેદારી જાળવી રાખવા બન્ને માટે હવે વધુ હાર પરવડી શકે એમ નથી. ભારતમાં સ્ટ્રગલ કર્યા બાદ હવે બન્ને ટીમ યુએઈમાં નસીબ બદલાશે એવી આશા રાખી રહ્યું હશે.

રાજસ્થાનના જોશ બટલર, જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સ જેવા વિદેશી ખેલાડીઓની ગેરહાજરીમાં ઇંગ્લૅન્ડના લિયામ લિવિંગસ્ટન અને વેસ્ટ ઇન્ડિયન એવિન લુઇસ તથા કૅપ્ટન સંજુ સૅમસનના દમદાર ફૉર્મ પર દારોમદાર રાખી રહ્યું છે. જ્યારે પંજાબ કૅપ્ટન અને મેન ઇન ફૉર્મ લોકેશ રાહુલ અને ક્રિસ ગેઇલના ધમાકાની આશા રાખી રહ્યું છે. આમ આજે પાવર-પ્લેમાં જે પાવર બતાવશે એની જ જીત ઑલમોસ્ટ પાક્કી ગણાશે એવું લાગી રહ્યું છે.

પંજાબ આશા રાખી રહ્યું છે કે પહેલા હાફમાં સાવ જ ફ્લૉપ સાબિત થયેલો નિકોલસ પુરન યુએઈમાં પાવર બતાવે. પુરને કૅરિબિયન પ્રીમિયર લીગમાં સારું પર્ફોર્મ કર્યું હતું.

શમ્સી રાજસ્થાનને તારશે?

પંજાબની બોલિંગનો ભાર મોમ્મદ શમી ઉપરાંત ક્રિસ જૉર્ડન ઉપરાંત ન્યુ સ્ટાર નૅથન એલિસ તથા અર્શદીપ સિંહ અને હરપ્રીત બ્રાર પર રહેશે, જ્યારે રાજસ્થાન વતી સૌથી મોંઘા ખેલાડી ક્રિસ મૉરિસ, મુસ્તફિઝુર રહેમાન, સૌરાષ્ટ્રના યુવા પેસર ચેતન સાકરિયા, જયદેવ ઉનડકટ ઉપરાંત વર્લ્ડ નંબર-વન બોલર તબ્રેઝ શમ્સી પર પંજાબને કન્ટ્રોલમાં રાખવાની જવાબદારી રહેશે.

સિક્સરમાં બન્ને ટૉપ-થ્રીમાં

આ સીઝનમાં સૌથી વધુ ૬૯ સિક્સર ચેન્નઈએ ફટકારી છે, પણ ત્યાર બાદ બીજા નંબરે ૫૭ સિક્સર સાથે પંજાબ છે અને રાજસ્થાન ત્રીજા નંબરે છે અને એણે બાવન સિક્સ ફટકારી છે.

22

બન્ને ટીમ વચ્ચે આઇપીએલમાં કુલ આટલા મુકાબલા થયા છે જેમાંથી રાજસ્થાનનો ૧૨માં અને પંજાબનો ૧૦માં વિજય થયો છે.

16

આ સીઝનમાં સૌથી વધુ આટલી સિક્સર પંજાબના કૅપ્ટન લોકેશ રાહુલે ફટકારી છે.

sports sports news cricket news indian premier league ipl 2021 punjab kings rajasthan royals