રૉયલ વિરાટ સામે ધોની જ કિંગ

25 September, 2021 08:41 AM IST  |  Abu Dhabi | Gujarati Mid-day Correspondent

રેતીના તોફાનને લીધે થોડા મોડા શરૂ થયેલા ચેલા-ગુરુના જંગમાં બૅન્ગલોર સામે ચેન્નઈનો ૬ વિકેટે વિજય

મેચ બાદ એમ એસ ધોની અને વિરાટ કોહલી

શારજાહમાં ગઈ કાલે ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી વચ્ચે જંગ જામ્યો હતો. રેતીના વંટોળિયાને લીધે ટૉસ ૩૦ મિનિટ મોડો અને મૅચ ૪૫ મિનિટ મોડી શરૂ થઈ હતી. બૅન્ગલોરે આપેલા ૧૫૭ રનના ટાર્ગેટને ચેન્નઈએ ૧૮.૧ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. ૨૪ રનમાં ૩ વિકેટ લેનાર બ્રાવો મૅન આફ ધ મૅચ બન્યો હતો.

ચેન્નઈએ આ બીજા હાફમાં સતત બીજી જીત મેળવીને ફરી દિલ્હીને પછાડીને પૉઇન્ટ ટેબલ પર પ્રથમ સ્થાન મેળવી લીધું હતું. જ્યારે બૅન્ગલોરે બીજા હાફમાં સતત બીજી અને સીઝનમાં સતત ત્રીજી વાર હાર્યા છતાં ત્રીજું સ્થાન જાળવી રાખ્યું હતું.

ઓપનરોએ કરી જીત આસાન

૧૫૭ રનના ટાર્ગેટ સામે ચેન્નઈના ઓપનરો ઋતુરાજ ગાયકવાડ (૩૮) અને ફૅફ ડુ પ્લેસી (૩૧)એ ૮.૨ ઓવરમાં ૭૧ રનની પાર્ટનરશિપ સાથે જીતનો પાયો નાખ્યો હતો. મોઇન અલી (૨૩), અંબાતી રાયુડુ (૩૨), સુરેશ રૈના (અણનમ ૧૭) અને ધોનીએ (અણનમ ૧૧) ટીમને ૧૮મી ઓવરમાં યુએઈમાં સતત બીજો વિજય અપાવી દીધો હતો.

વિરાટ શરૂઆત બાદ થયો વામણો

ગુરુ ધોનીએ ટૉસ જીતીને ચેલા વિરાટની ટીમને પહેલાં બૅટિંગ કરવા કહ્યું હતું. વિરાટ કોહલી (૪૧ બૉલમાં એક સિક્સ અને ૬ ફોર સાથે ૫૩) અને યુવા ખેલાડી દેવદત્ત પડિક્કલે (૫૦ બૉલમાં ૩ સિક્સર અને પાંચ ફોર સાથે ૭૦ રન) ૧૩.૨ ઓવરમાં ૧૧૧ રનની શુભ અને મજબૂત શરૂઆત કરાવી આપી હતી. જોકે ત્યાર બાદ ટીમ ફસડાઈ હતી. પહેલી વિકેટના પતન બાદ તેઓ ૪૦ બૉલમાં માત્ર ૪૫ રન જ કરી શક્યા હતા અને વધુ પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. એ.બી. ડિવિલિયર્સ (૧૨) અને ગ્લેન મૅક્સવેલ (૧૧) ફરી ફ્લૉપ રહ્યા હતા.

ડેવિડનો માત્ર એક રન

આઇપીએલમાં પ્રથમ વાર સામેલ થયેલા સિંગાપોરના ખેલાડી ટિમ ડેવિડે વિરાટે મોકો આપ્યો હતો, પણ તે ત્રણ બૉલમાં માત્ર એક જ રન બનાવી શક્યો હતો.

9

ગઈ કાલની હાફ સેન્ચુરીએ વિરાટની ચેન્નઈ સામે આઇપીએલમાં આટલામી હતી. આ સાથે તે શિખર ધવનને પાછળ રાખીને ચેન્નઈ સામે સૌથી વધુ વાર ૫૦ પ્લસની ઇનિંગ્સ રમનાર ખેલાડી બની ગયો હતો.

46

ગઈ કાલની હાફ સેન્ચુરીએ વિરાટની આઇપીએલમાં આટલામી ૫૦ પ્લસ ઇનિંગ્સ હતી. આ સાથે તેણે શિખર ધવનની બરોબરી કરી લીધી હતી. આ મામલે ૫૪ વાર સાથે વૉર્નર નંબર વન છે.

sports sports news cricket news indian premier league ipl 2021 chennai super kings royal challengers bangalore