બે કીપર-કૅપ્ટન સૅમસન-પંત વચ્ચે જંગ

15 April, 2021 12:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિલ્હી કૅપિટલ્સ સામેની મૅચમાં રાજસ્થાનના ‘સેન્ચુરિયન સુકાની’ સૅમસનના પ્રદર્શન પર રહેશે દારોમદાર

સંજુ સૅમસન, રિષભ પંત

છેલ્લી મૅચમાં મળેલો પરાજય અને બેન સ્ટોક્સ ઈજાગ્રસ્ત થતાં મુશ્કેલીમાં મુકાયેલી રાજસ્થાનની ટીમ આજે દિલ્હી સામે રમાનારી મૅચમાં ફરી એક વાર કૅપ્ટન સંજુ સૅમસન પાસેથી પ્રેરણાદાયક રમતની આશા રાખશે. નવા કૅપ્ટન રિષભ પંતના નેતૃત્વમાં દિલ્હીએ પોતાની પહેલી મૅચમાં ચેન્નઈને ૭ વિકેટથી હરાવ્યું હતું તો રાજસ્થાન પંજાબ સામેની મૅચમાં છેલ્લા બૉલમાં માત્ર ચાર રનથી હારી ગયું હતું.

વિજય માટે ૨૨૨ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં સંજુ સૅમસને કૅપ્ટન તરીકેની પહેલી મૅચમાં ૬૩ બૉલમાં ૧૧૯ રન કર્યા હતા. છેલ્લા બૉલમાં સિક્સર ફટકારવાના પ્રયાસમાં આઉટ થયો હતો. હારને કારણે સૅમસન હતાશ થયો હતો, કારણ કે તેણે એકલેહાથે ઝઝૂમતાં ટીમની આશાને જીવંત રાખી હતી જેમાં તેણે સાત સિક્સર અને ૧૨ ચોગ્ગા ફટકાર્યા હતા. હાર કરતાં પણ વધુ મોટો ફટકો રાજસ્થાનને મંગળવારે લાગ્યો, જ્યારે આંગણીની ઈજાને કારણે બેન સ્ટોક્સ સમગ્ર ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયો હતો. સ્ટોક્સની ગેરહાજરીમાં જોસ બટલર, શિવમ દુબે અને રિયાન પરાગ પર સારા પ્રદર્શનનું દબાણ રહેશે. પહેલી મૅચમાં મનન વોહરા (૧૨), બટલર (૨૩), દુબે (૨૫) સારી શરૂઆત બાદ સૅમસનને ટેકો આપવામાં નિષ્ફળ રહ્યા હતા.

સૌથી મોટી સમસ્યા રાજસ્થાન માટે બોલિંગની છે. પહેલી મૅચમાં ખરાબ બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. યુવા બોલર ચેતન સાકરિયાએ (૩૧ રન આપીને ૩ વિકેટ) પહેલી જ મૅચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. એને બાદ કરતાં અન્ય બોલરો નિષ્ફળ રહ્યા હતા. મુસ્તફિઝુર રહેમાન, ક્રિસ મોરીસ, સ્ટોક્સ, શ્રેયસ ગોપાલ, રાહુલ તેવટિયા તમામે ઘણા રન આપ્યા હતા.

બીજી તરફ છેલ્લી સીઝનમાં રનર-અપ રહેલી દિલ્હીની ટીમે ત્રણ વખત ચૅમ્પિયન રહી ચૂકેલી ચેન્નઈની ટીમને હરાવીને શાનદાર શરૂઆત કરી હતી. પહેલી ફીલ્ડિંગ પસંદ કરીને દિલ્હીએ ચેન્નઈને પડકારજનર ૭ વિકેટે ૧૮૮ રનનો સ્કોર કરવા દીધો, પરંતુ ધવન અને પૃથ્વી શૉ વચ્ચે થયેલી ૧૩૮ રનની ઓપનિંગ પાર્ટનરશિપને કારણે જીતનો પાયો નખાયો હતો. ધવને ૫૪ બૉલમાં ૮૫ રન અને શૉએ ૩૮ બૉલમાં ૭૨ રન કરીને મૅચ પર સંપૂર્ણ કાબૂ રાખ્યો હતો. પંતના નોટઆઉટ ૧૫ રન અને માર્કસ સ્ટોઇનીસે ૧૪ રન કરતાં દિલ્હીએ આઠ બૉલ બાકી રાખીને વિજય મેળવ્યો હતો.

બોલિંગની વાત કરીએ તો ક્રીસ વોક્સે અને અવેશ ખાને બે-બે વિકટ ઝડપી સારા ફોર્મનો પરચો આપ્યો હતો. અમિત મિશ્રા અને સ્ટોઇનીસનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું.

ટૂંકમાં, આ મૅચમાં બે નવા કૅપ્ટન પંત અને સૅમસન વચ્ચે ચડસાચડસી માટેની હરીફાઈ થશે.

નૉર્કિયાનો રિપોર્ટ પૉઝિટિવ

કોરોનાનો ટેસ્ટ-રિપોર્ટ હજી આવ્યો ન હોવાથી આજે રાજ્સ્થાન સામે રમાનારી બીજી મૅચમાં સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર એન્રિક નૉર્કિયા અને કૅગિસો રબાડા નહીં રમે. નૉર્કિયાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હોવાના પણ અહેવાલ છે. જોકે નિયમ મુજબ એક વખત પૉઝિટિવ આવ્યો હોય તો બીજી વખત એ રિપોર્ટ લેવામાં આવે છે, કારણ કે પહેલાં રિપોર્ટમાં કોઈ ગડબડ તો નથીને. રબાડા અને નૉર્કિયા છઠ્ઠી એપ્રિલે મુંબઈ આવ્યા હતા. અગાઉ કલકત્તાના બૅટ્સમૅન નીતીશ રાણાનો કોરોના-રિપોર્ટ પણ પૉઝિટિવ આવ્યો હતો, આ પછી બીજી ટેસ્ટમાં એ નેગેટિવ આવ્યો હતો.

પંતના અભિગમમાં દેખાય છે કોહલી-વિલિયમસનની ઝલક : પૉન્ટિંગ

દિલ્હીની ટીમના કોચ રિકી પૉન્ટિંગે વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંતનાં વખાણ કરતાં તેની કૅપ્ટન્સીની પ્રક્રિયાની સરખામણી વિરાટ કોહલી અને કેન વિલિયમસન સાથે કરી છે. કૅપ્ટન તરીકેની પોતાની પહેલી જ મૅચમાં તેણે ચેન્નઈની ટીમને હરાવી હતી. ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં પૉન્ટિંગે કહ્યું હતું કે ‘તે વધુ લાંબો સમય બૅટિંગ કરવા માગે છે. વળી તે કોહલી અને કેન જેવું વિચારે છે. તે હંમેશાં જીતવા જ માગે છે, પછી ભલે ગમે એ પરિસ્થિતિ હોય. તે કેટલો સ્ફૂર્તિલો છે એનો ખ્યાલ સ્ટમ્પ પાછળથી આવતા અવાજના આધારે જાણી શકાય છે.’

તેની વિકેટકીપિંગમાં રહેલી ખામી વિશે પૉન્ટિંગે કહ્યું હતું કે ‘ઇંગ્લૅન્ડની સિરીઝ દરમ્યાન તેનામાં ઘણો સુધારો જોવા મળ્યો છે. પંત અને ઍડમ ગિલક્રિસ્ટની સરખામણી મામલે પૉન્ટિંગે કહ્યું હતું કે ‘ગિલક્રિસ્ટ ઘણો જ સારો વિકેટકીપર હતો. જો પંત પોતાની કીપિંગમાં સુધારો કરે તો તે આગામી ૧૦થી ૧૨ વર્ષ સુધી ભારતના ટેસ્ટ વિકેટકીપર તરીકે કામગીરી બજાવી શકશે.’

પંતમાં ચાર મહિનામાં સુધારો થયો છે, સુકાન સારી રીતે સંભાળશે: લારા

વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ બૅટ્સમૅન બ્રાયન લારાના મતે છેલ્લા કેટલાક મહિનામાં યુવા વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંતમાં ઘણો સુધારો જોવા મળ્યો છે અને તે આ આઇપીએલમાં દિલ્હીની ટીમનું સારી રીતે નેતૃત્વ સંભાળશે.

ઈજાને કારણે શ્રેયસ ઐયર બહાર થતાં પંતને કૅપ્ટન્સી સોપવામાં આવી હતી. શાનદાર ફોર્મમાં ચાલી રહેલો પંત ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં મૅચ-વિનર બન્યો હતો. સ્ટાર સ્પોર્ટ્સને આપેલા ઇન્ટરવ્યુમાં લારાએ કહ્યું હતું કે ‘છ મહિના પહેલાં ઑસ્ટ્રેલિયા અને ત્યાર બાદ ઇંગ્લૅન્ડમાં શાનદાર પ્રદર્શન બાદ તેને કૅપ્ટન્સી સોંપવામાં આવી છે. હાલમાં દિલ્હી પાસે એનરિચ નોર્જે, કૅગિસો રબાડા અને અક્ષર પટેલ ઉપલબ્ધ ન હોવાથી પંત પાસે ઘણી અપેક્ષા છે. જોકે તેની પાસે તેને સપોર્ટ કરનારી ટીમ છે જે બહુ મહત્ત્વનું છે. છેલ્લા ચાર મહિનામાં તેણે ઘણી પ્રગતિ કરી છે. મને આશા છે કે તે સારી કામગીરી બજાવશે. ફરજિયાત ક્વૉરન્ટીન પિરિયડને કારણે રબાડા અને નોર્જે રમી શક્યા નથી અને અક્ષર કોરોનામાંથી હાલમાં સાજો થઈ રહ્યો છે. મહત્ત્વના ખેલાડીઓની ગેરહાજરી છતાં પંતની ટીમે પોતાની પહેલી મૅચમાં ધોનીના નેતૃત્વવાળી ચેન્નઈની ટીમને હરાવી હતી.

sports sports news cricket news indian premier league ipl 2021 rajasthan royals delhi capitals