બૅન્ગલોરને આજે લેવો છે એલિમિનેટરની હારનો બદલો

14 April, 2021 11:37 AM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

ગયા વર્ષે પ્લે-ઑફમાં હૈદરાબાદે વિરાટસેનાને હરાવીને ટુર્નામેન્ટની બહાર કરી દીધી હતી

ડેવિડ વૉર્નર, વિરાટ કોહલી

આઇપીએલમાં આજે ચેન્નઈમાં બે સાઉથની ટીમો બૅન્ગલોર અને હૈદરાબાદ વચ્ચે જંગ જામવાનો છે. બૅન્ગલોર પહેલી મૅચમાં મુંબઈ સામેની જીતના જોશ સાથે વધુ એક જીત મેળવવા મેદાનમાં ઊતરશે, જ્યારે હૈદરાબાદ પહેલી મૅચમાં કલકત્તા સામે મળેલી હારને ભૂલી જીતનું ખાતું ખોલાવવા કમર કસશે. ઉપરાંત ગઈ સીઝનમાં પ્લે-ઑફના એલિમિનેટરના જંગમાં મળેલી હારનો બદલો પણ વિરાટસેનાના ધ્યાનમાં હશે.

પડિક્કલનું કમબૅક

બૅન્ગલોરનો યુવા સ્ટાર ઓપનર દેવદત્ત પડિક્કલ કોરોના-પૉઝિટિવને લીધે પહેલી મૅચમાં નહોતો રમી શક્યો, પણ આજે તે ઉપલબ્ધ હશે અને વિરાટ સાથે ઓપનિંગમાં મેદાનમાં પણ ઊતરી શકે છે. મુંબઈ સામે વિરાટે વૉશિંગ્ટન સુંદર સાથે ઓપનિંગ કર્યું હતું, પણ એ જૂગટું સફળ નહોતું રહ્યું. પડિક્કલે ગઈ સીઝનમાં ૧૫ મૅચમાં ૪૭૩ રન બનાવ્યા હતા.

મૅક્સવેલ-હર્ષલ પર નજર

વિરાટ, એ. બી. ડિવિલિયર્સ, પડિક્કલ, ગ્લેન મૅક્સવેલને લીધે બૅન્ગલોરની બૅટિંગ લાઇનઅપ મજબૂત છે, પણ યુઝવેન્દ્ર ચહલના આઉટ ઑફ ફૉર્મને લીધે બોલિંગમાં ગરબડ જણાય છે. મુંબઈ સામે હર્ષલ પટેલના પાંચ વિકેટના તરખાટને લીધે ટીમની એક કમજોરી ઢંકાઈ ગઈ હતી. મૅક્સવેલે થોડો ચમકારો બતાવ્યો હોવાથી ચાહકો આજે મૅક્સવેલ અને હર્ષલ પાસે ટીમને સતત બીજા વિજય માટે મોટા ધમાકાની આશા રાખી રહ્યા હશે. યુવા ખેલાડીઓ ચમકી રહ્યા હોવાથી બૅન્ગલોર મોહમ્મદ અઝરુદ્દીનને પણ મોકો આપવા વિચારી શકે છે.

વિલિયમસન કે બેરસ્ટૉ?

હૈદરાબાદનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ તેની બોલિંગ અને ટૉપ ઑર્ડરના બૅટ્સમેનો છે. જોકે કલકત્તા સામે કૅપ્ટન ડેવિડ વૉર્નર અને વૃદ્ધિમાન સહા બન્ને ફ્લૉપ રહ્યા હતા. મનીષ પાન્ડે અને જૉની બેરસ્ટૉ ઉપયોગી ઇનિંગ્સ વડે  ટીમની વહારે આવ્યા હતા, પણ તેમને  વિલિયમસનની કમી ભારે મહેસૂસ થઈ હતી. વિલિયમસનને સમાવવા બેરસ્ટૉ અથવા મોહમ્મદ નબીનો ભોગ લેવો પડે.

સમદને મળી શકે છે પ્રમોશન

કલકત્તા સામે હૈદરાબાદે જમ્મુ-કાશ્મીરના યુવા ઑલરાઉન્ડર અબ્દુલ સમદને સાતમા નંબરે મોકલ્યો હતો. સમદના ૮ બૉલમાં બે સિક્સર સાથે અણનમ ૧૯ રનની નાનકડી ઇનિંગ્સે લોકોનાં દિલ જીતી લીધાં હતાં. આજે કદાચ પાંચમા નંબરે સમદનો નંબર લાગે.

આમને-સામને

બન્ને વચ્ચે અત્યાર સુધી ૧૮ મુકાબલ થયા છે, જેમાં હૈદરાબાદની સાત જીત સામે બૅન્ગલોરની ૧૦ જીત છે. એક મૅચ અનિર્ણીત રહી હતી. ગઈ સીઝનમાં બન્ને ટીમ લીગમાં એક-એક મૅચ જીતી હતી, પણ પ્લે-ઑફમાં એલિમિનેટ જંગમાં હૈદરાબાદે બૅન્ગલોરને હરાવીને ટુર્નામેન્ટની બહાર કરી દીધી હતી.

sports sports news cricket news indian premier league ipl 2021 sunrisers hyderabad royal challengers bangalore