આજે પંજાબ-રાજસ્થાન વચ્ચે ટક્કરઃ સૌથી મોંઘા પ્લેયર મૉરિસની કસોટી

12 April, 2021 12:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનુભવી કૅપ્ટન લોકેશ રાહુલ સામે ચડિયાતો પુરવાર થવા મેદાનમાં ઊતરશે રાજસ્થાનનો નવો સુકાની સંજુ સૅમસન

સંજુ સૅમસન, લોકેશ રાહુલ

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે આઇપીએલનો ચોથો મુકાબલો લોકેશ રાહુલની પંજાબ કિંગ્સ અને સંજુ સૅમસનની રાજસ્થાન રૉયલ્સ વચ્ચે થશે. મુંબઈમાં રમાનારી આ બીજી મૅચ છે. કપ્તાની પ્રમાણે જોવા જઈએ તો લોકેશ રાહુલ પાસે આઇપીએલમાં કપ્તાની સંભાળવાનો સારો અનુભવ છે, જ્યારે સંજુ સૅમસન પહેલી વાર ટીમની કમાન સંભાળશે. તેના પહેલાં ઑસ્ટ્રેલિયન ખેલાડી સ્ટીવ સ્મિથ રાજસ્થાનની કપ્તાની સંભાળતો હતો, જેને આ વર્ષે ફ્રૅન્ચાઇઝીએ રિલીઝ કર્યો હતો.

રાજસ્થાનનો રૉયલ મિજાજ?

સંજુ સૅમસનના નેતૃત્વમાં રાજસ્થાનનું ઓપનિંગ યુવા ભારતીય ખેલાડી યશસ્વી જયસ્વાલ અને અનુભવી ઇંગ્લૅન્ડ ટીમના પ્લેયર જોસ બટલર કરી શકે છે.

સંજુ પોતે બેન સ્ટોક્સ સાથે પછીના ક્રમમાં આવીને ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરશે. ઑલરાઉન્ડર તરીકે ટીમ પાસે શિવમ દુબે, શ્રેયસ ગોપાલ, રાહુલ તેવટિયા, રિયાન પરાગ અને લિયામ લિવિંગસ્ટનનો વિકલ્પ ઉપલબ્ધ છે. એમાંથી પણ ગોપાલ, તેવટિયા અને પરાગ

લેગ-સ્પિન બોલિંગ કરી શકે છે માટે એ જોવું અહીં રસપ્રદ રહેશે કે રાજસ્થાન કયા બે લેગ સ્પિનર સાથે મેદાનમાં ઊતરે છે.

જોફ્રાની કમી નડશે

રાજસ્થાનનો પેસર જોફ્રા આર્ચર આ વખતે ઈજાગ્રસ્ત હોવાને લીધે આઇપીએલ નહીં રમી શકે અને ટીમને તેની કમી નડી શકે છે છતાં ટીમ પાસે સાઉથ આફ્રિકન ઑલરાઉન્ડર ક્રિસ મૉરિસ જેવો ખેલાડી ઉપલબ્ધ છે, જેને ટીમે આ વર્ષે અધધધ ૧૬.૨૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. એવામાં આ મોંઘો ખેલાડી ટીમને કેટલો મદદગાર સાબિત થાય છે એ જોવા જેવું રહેશે. પ્લેઇંગ ઇલેવનમાં માત્ર ૪ વિદેશી પ્લેયર રમી શકતા હોવાથી ટીમે યોગ્ય ખેલાડીઓની પસંદગી કરવાની રહેશે. પેસર મુસ્તફિઝુર રહેમાન કે જયદેવ ઉનડકટ, કાર્તિક ત્યાગી કે ચેતન સાકરિયામાંથી ટીમ કોને પસંદ કરી આગળ વધે છે એની તો મૅચ દરમ્યાન જ ખબર પડશે.

પાવરપૅક્ડ પંજાબ

રાહુલની પંજાબે છેલ્લી આઇપીએલમાં સતત પાંચ મૅચ જીતીને પૉઇન્ટ ટેબલમાં ઊલટફેર કર્યો હતો અને લોકેશ રાહુલ (ગયા વર્ષે ૬૭૦ રન બનાવ્યા હતા) સાથે મયંક અગરવાલ (ગયા વર્ષે ૪૨૪ રન)ની ઘાતક ઓપનિંગ જોડી રાજસ્થાન સામે રનનો પહાડ ફડકી શકે છે, જેમાં ક્રિસ ગેઇલ વધારો કરી શકે છે. આ ત્રિપુટી ઉપરાંત ડેવિડ મલાન, શાહરુખ ખાન અને નિકોલસ પૂરનનું શાનદાર ફૉર્મ ટીમને પાવરપૅક પોઝિશનમાં પહોંચાડી શકે છે.

યોગ્ય કૉમ્બિનેશન પંજાબ માટે પણ જરૂરી છે અને શાહરુખ ખાનની જેમ દીપક હૂડા અને સરફરાઝ ખાન ફિનિશર તરીકેની ભૂમિકા ભજવી શકે છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં મોહમ્મદ શમી ટીમને લીડ કરતો જોવા મળશે, જેમાં તેને ઝ્‍યે રિચર્ડસન, રાઇલી મેરેડિથ અને ક્રિસ જૉર્ડનનો સપોર્ટ મળી શકે છે, જેમને બિગ બૅશ લીગમાં રમવાનો અનુભવ છે. મુરુગન અશ્વિન અને રવિ બિશ્નોઈ પાસેથી પણ ટીમ સારા પર્ફોર્મન્સની ઉમ્મીદ રાખી શકે છે.

કોણ કેટલા પાણીમાં?

અત્યાર સુધી આઇપીએલમાં રાજસ્થાન અને પંજાબ ૨૧ વખત આમને-સામને રમ્યા છે, જેમાં રાજસ્થાન સૌથી વધારે ૧૨ મૅચ જીતીને દમદાર દેખાઈ રહી છે. બાકીની ૯ મૅચ પંજાબ જીત્યું છે.

3 - લોકેશ રાહુલ આઇપીએલ ૨૦૨૧માં આટલી સિક્સર ફટકારશે તો તે સેહવાગના કુલ ૧૦૬ સિક્સરનો રેકૉર્ડ તોડશે.

 

બટલરને એક ઇનિંગ્સમાં હાઇએસ્ટ સિક્સરનો રેકૉર્ડ કરવો છે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં રાજસ્થાન રૉયલ્સ માટે રમતા ઇંગ્લૅન્ડના ક્રિકેટર જોસ બટલરને એક ખાસ રેકૉર્ડ તોડવાની ઇચ્છા છે. વાસ્તવમાં બટલરને આઇપીએલની કોઈ એક મૅચની એક ઇનિંગ્સમાં સૌથી વધારે સિક્સર ફટકારવાનો રેકૉર્ડ પોતાના નામે નોંધાવવો છે.

અત્યાર સુધી આઇપીએલની એક મૅચની એક ઇનિંગ્સમાં સૌથી વધારે સિક્સર ફટકારવાનો રેકૉર્ડ ‘યુનિવર્સ બૉસ’ ક્રિસ ગેઇલના નામે છે જેણે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગ્લોર વતી રમતાં પુણે વૉરિયર્સ ઇન્ડિયા સામે એક દાવમાં ૧૭ સિક્સર ફટકારી હતી.

ગેઇલનો રેકૉર્ડ તોડવા જોસ બટલરે એક ઇનિંગ્સમાં ૧૮ સિક્સર ફટકારવી પડશે. આ યાદીમાં બીજા ક્રમે બ્રેન્ડન મૅક્‍લમનું નામ સામેલ છે જેણે ૨૦૦૮માં આઇપીએલની પહેલી મૅચમાં ૧૩ સિક્સર ફટકારી હતી. બટલરે આઇપીએલની એક મૅચની એક ઇનિંગ્સમાં સૌથી વધારે ૭ સિક્સર ૨૦૧૯માં મુંબઈ ઇન્ડિયન્સ સામે ફટકારી હતી.

sports sports news cricket news indian premier league ipl 2021 punjab kings rajasthan royals