પંજાબ કિંગ્સ પેસ બોલરોને ભેગા કરવામાં ક્યાંક સ્પિનરોને તો ભૂલી નથી ગઈને?

06 April, 2021 01:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લોકેશ-મયંકની ખતરનાક ઓપનિંગ જોડી અને ગેઇલની ફટકાબાજી ટીમને રન બનાવવામાં મદદ કરશે

લોકેશ રાહુલ અને મયંક અગરવાલ

કિંગ્સ ઇલેવન પંજાબમાંથી પંજાબ કિંગ્સ બનેલી પ્રીતિ ઝિન્ટાની માલિકીવાળી આ ટીમમાં નવા નામથી નવા આત્મવિશ્વાસનો સંચાર થશે એવી દલીલ પહેલાં જ ટીમ દ્વારા કરવામાં હતી. ડેથ-બોલિંગની સમસ્યા દૂર કરવા ફ્રૅન્ચાઇઝીએ આ વર્ષે મિની ઑક્શનમાં સારાએવા રૂપિયા ખર્ચ્યા હતા, પણ મિડલ-ઑર્ડરમાં તેમની પાસે જોઈએ એવી જબરદસ્ત સ્ક્વૉડ નથી.

ગયા વર્ષે શરૂઆતમાં નબળું પ્રદર્શન કર્યા બાદ ક્રિસ ગેઇલની ટીમમાં વાપસી કરાવીને પંજાબ સતત પાંચ મૅચ જીત્યું હતું, જેને લીધે બીજી ટીમો પણ થોડા સમય માટે ચિંતામાં મુકાઈ ગઈ હતી. પૉઇન્ટ ટેબલમાં અનેક ઊલટફેર કર્યા પછી તેઓ ટુર્નામેન્ટના અંતે છઠ્ઠા ક્રમે રહ્યા હતા. દિલ્હી સામે જીતી શકાતી મૅચ તેઓ હારી ગયા હતા. એમાં પણ શૉર્ટ રનનો જે વિવાદ થયો હતો એ નિર્ણય તેમના પક્ષમાં આવ્યો હોત તો પંજાબ કદાચ ટૉપ-ફોરમાં સ્થાન પ્રાપ્ત કરી શકત. મોહમ્મદ શમી અને મૅક્સવેલનું નબળું પ્ર્રદર્શન ટીમને ભારે પડ્યું હતું. ૧૨ એપ્રિલે પંજાબનો પહેલો મુકાબલો રાજસ્થાન રૉયલ્સ સાથે મુંબઈમાં થવાનો છે.

તાકાત

પંજાબ કિંગ્સની સૌથી મોટી તાકાત એની ખતરનાક ઓપનિંગ જોડી છે. પાછલી સીઝનની ઑરેન્જ કૅપ મેળવનાર લોકેશ રાહુલ અને મયંક અગરવાલ ટીમ માટે મોટી ઓપનિંગ પાર્ટનરશિપ કરવામાં સક્ષમ છે. આ ઉપરાંત ‘યુનિવર્સ બૉસ’ ક્રિસ ગેઇલ પણ ગયા વર્ષે રાજસ્થાન સામે ૯૯ રનની યાદગાર ઇનિંગ્સ રમ્યો હતો. સાત મૅચમાં ગેઇલે ૧૩૭.૧૪ના સ્ટ્રાઇક-રેટથી ૨૮૮ રન બનાવીને પોતાની પ્રતિભાનો પરચો આપ્યો હતો. આ વર્ષે પણ ટીમને તેની પાસેથી મોટા સ્કોરની આશા હશે. વિકેટકીપર-બૅટ્સમૅન નિકોલસ પૂરન પણ ટીમને બૅટિંગમાં સાથ-સહકાર આપી શકે છે. ટીમ પાસે ગેઇલના બૅકઅપમાં ડેવિડ મલાન જેવો ટી૨૦ ઇન્ટરનૅશનલનો નંબર-વન બૅટ્સમૅન ઉપલબ્ધ છે.

ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સેવલને છૂટો કર્યા બાદ આ વર્ષે મિડલ-ઑર્ડરની જવાબદારી મોઝિસ હેનરિક્સ અને શાહરુખ ખાન પર હશે. દીપક હૂડા અને ફેબિયન એલન ટીમ માટે ફિનિશરની ભૂમિકા ભજવી શકે છે. બિગ બૅશ લીગમાં શાનદાર પ્રદર્શન કરી ચૂકેલો ઑસ્ટ્રેલિયન ખેલાડી ઝ્‍યે રિચર્ડસન, મોહમ્મદ શમી અને ક્રિસ જૉર્ડન ટીમના બોલિંગ યુનિટને પીઠબળ પૂરું પાડશે. 

નબળાઈ

ક્વૉલિટી સ્પિનરોની અછત ટીમની સૌથી મોટી નબળાઈ છે. ગયા વર્ષે ટીમના મોંઘા ખેલાડીઓમાંના એક ઑફ સ્પિનર ગૌતમને ટીમે આ વર્ષે રિલીઝ કરી દીધો હતો. ગયા વર્ષની જેમ આ વર્ષે ટીમને મુરુગન અશ્વિન અને રવિ બિશ્નોઈ પાસેથી સારી એવી આશા હશે એ સ્વાભાવિક છે. વળી, સૈયદ મુશ્તાક ટ્રોફીમાં ૬.૨૬ની ઇકૉનૉમી રેટથી ૧૦ વિકેટ લેનાર જાલજ સક્સેના ટીમ પાસે ઉપલબ્ધ છે, જેને સ્થાનિક ક્રિકેટનો સારો એવો અનુભવ છે. એમ છતાં ટીમ પાસે કોઈ આંતરરાષ્ટ્રીય સ્પિનર ન હોવાની કમી તેમને નડી શકે છે. શમી જેવી ક્ષમતાવાળો અન્ય કોઈ પેસર પણ ટીમ પાસે નથી.

તક

પંજાબ કિંગ્સ હજી સુધી એક પણ વાર આઇપીએલ ચૅમ્પિયન નથી બની, પણ આ વખતે તેમની ટીમ દર વખત કરતાં વધારે મજબૂત દેખાઈ રહી છે. કોચ અનિલ કુંબલે અને કૅપ્ટન લોકેશ રાહુલના અનુભવનો ટીમને લાભ મળી શકે છે. વળી લોકેશ રાહુલ માટે ટી૨૦ વર્લ્ડ કપમાં સ્થાન મેળવવા આ ટુર્નામેન્ટ અતિમહત્ત્વની બની રહેશે.

કમજોર કડી

મોહમ્મદ શમી ઑસ્ટ્રેલિયાની ટૂરમાં ઈજા પામ્યા બાદ છેલ્લા ચાર મહિનાથી ક્રિકેટ નથી રમ્યો. નૅશનલ ટીમના વર્કલોડ મૅનેજમેન્ટને ધ્યાનમાં રાખીને આ વર્ષે તે દરેક મૅચ રમે છે કે નહીં એ જોવા જેવું રહેશે. ગયા વર્ષે શમીએ પંજાબ માટે કુલ ૨૦ વિકેટ લીધી હતી.

પંજાબની સ્ક્વૉડ

લોકેશ રાહુલ (કૅપ્ટન-વિકેટકીપર), મયંક અગરવાલ, ક્રિસ ગેઇલ, મનદીપ સિંહ, પ્રબસિમરન સિંહ, નિકોલસ પૂરન (વિકેટકીપર), સરફરાઝ ખાન, દીપક હૂડા, મુરુગન અશ્વિન, રવિ બિશ્નોઈ, હરપ્રીત બ્રાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, ઈશાન પોરેલ, દર્શન નાલકંડે, ક્રિસ જૉર્ડન, ડેવિડ મલાન, ઝ્‍યે રિચર્ડસન, શાહરુખ ખાન, રિલી મેરેડીથ, મોઝિસ હેનરિક્સ, જલજ સક્સેના, ઉત્કર્ષ સિંહ, ફેબિયન એલન, સૌરભ કુમાર

sports sports news cricket news indian premier league ipl 2021 kings xi punjab