રાણાનો રણકાર, કલકત્તાની કમાલ

12 April, 2021 12:54 PM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

નીતીશે ૮૦ રનથી મૉર્ગનની ટીમને અપાવી રોમાંચક જીત, પાન્ડે હૈદરાબાદને ન જિતાડી શક્યો

કલકત્તાના નીતીશ રાણાએ ગઈ કાલે ધુઆંધાર ફટકાબાજીમાં ૮૦ રન ખડકી દીધા હતા

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં ગઈ કાલે ડેવિડ વૉર્નરની સનરાઇઝર્સ હૈદરાબાદ અને ઓઇન મૉર્ગનની કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે રોમાંચક મુકાબલો થયો હતો જે કલકત્તાએ ૧૦ રનથી જીતી લીધો હતો. હૈદરાબાદે ટૉસ જીતીને કલકત્તાને પહેલાં બૅટિંગનું આમંત્રણ આપ્યું હતું અને કલકત્તાએ નિર્ધારિત ઓવરમાં ૬ વિકેટે ૧૮૭ રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી, કૅપ્ટન ડેવિડ વૉર્નર ૩ રન બનાવીને તો વૃદ્ધિમાન સહા ૭ રન બનાવીને આઉટ થયો હતો. ત્રીજી વિકેટ માટે મનીષ પાન્ડે  અને જૉની બૅરસ્ટૉ વચ્ચે ૯૨ રનની પાર્ટનરશિપ થઈ હતી. બૅરસ્ટૉએ ત્રણ છગ્ગાની મદદથી ૪૦ બૉલમાં પંચાવન રન બનાવ્યા હતા.

પૅટ કમિન્સે બેરસ્ટૉને આઉટ કરીને આ ખતરનાક સાબિત થાય એવી પાર્ટનરશિપને તોડી હતી. જોકે મનીષ પાન્ડેએ નૉટઆઉટ ૬૬ રન બનાવી પોતાનો સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. કાશ્મીરના બૅટ્સમૅન અબ્દુલ સામદે બે છગ્ગાની મદદથી ૧૯ રન બનાવીને કલકત્તાનો જીવ અધ્ધર કરી દીધો હતો. હૈદરાબાદના બૅટસમૅન મોહમ્મદ નબીને મૅચની છેલ્લી પળોમાં ગરદન પર બૉલ વાગ્યો હતો. જોકે તે થોડી વારમાં જ આઉટ થઈ ગયો હતો. કલકતા વતી પ્રસિદ્ધ ક્રિષ્નાએ બે તેમ જ રસેલ, શાકિબ, કમિન્સને અેક-અેક વિકેટ મળી હતી.

રાણા-ત્રિપાઠીની ફટકાબાજી

કલકત્તાના ઓપનર નીતીશ રાણા (૮૦ રન, ૫૬ બૉલ, ૯ ચોક્કા, ૪ છગ્ગા) અને શુભમન ગિલે પહેલી વિકેટ માટે ૫૩ રનની ભાગીદારી કરી હતી. ગિલ ૧૫ રને રાશિદ ખાન દ્વારા બોલ્ડ થયો હતો. વનડાઉન  આવેલા રાહુલ ત્રિપાઠી સાથે મળીને નીતીશ રાણાએ બીજી વિકેટ માટે ૯૩ રનની પાર્ટનરશિપ કરી હતી. રાહુલ ત્રિપાઠીએ ૨૯ બૉલમાં પાંચ ચોગ્ગા અને બે સિક્સર ફટકારી ૫૩ રન બનાવ્યા હતા. ટી. નટરાજને તેને વૃદ્ધિમાન સહાના હાથે કૅચઆઉટ કરાવડાવ્યો હતો. ઍન્દ્રે રસેલ અને ઓઇન મૉર્ગન અનુક્રમે પાંચ અને બે રન કરીને આઉટ થયા હતા. સામા પક્ષે નીતીશ રાણાએ પોતાની ફટકાબાજી ચાલુ રાખી હતી. ટીમના ભૂતપૂર્વ કપ્તાન દિનેશ કાર્તિકે પણ શાનદાર પ્રદર્શન કરતાં ૯ બૉલમાં  બે ચોગ્ગા અને એક સિક્સર ફટકારી અણનમ ૨૨ રન કર્યા હતા.

રાશિદ અને નબી ચમક્યા

હૈદરાબાદના બે વિદેશી બોલર રાશિદ ખાન અને મોહમ્મદ નબીએ સારું બોલિંગ-પ્રદર્શન કર્યું હતું. રાશિદ ખાને ૨૪ રન આપીને બે વિકેટ જ્યારે નબીએ ૩૨ રન આપીને બે વિકેટ લીધી હતી. અફઘાનિસ્તાનના આ બન્ને બોલેરોને બાદ કરતાં ભુવનેશ્વર કુમાર અને ટી. નટરાજનને એક-એક વિકેટ મળી હતી. આંકડા પ્રમાણે જોઈએ તો હૈદરાબાદે ૭થી ૧૫ ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને ૯૫ રન બનાવ્યા હતા, જ્યારે ૧૬થી ૨૦મી ઓવરમાં તેમણે ૪૨ રન બનાવીને પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.

sports sports news cricket news indian premier league ipl 2021 kolkata knight riders sunrisers hyderabad