૨૦૧૨ના બે ફાઇનલિસ્ટ્સની ૨૦૨૧માં આજે ફરી ટક્કર

15 October, 2021 02:05 PM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

દુબઈમાં બે દમદાર હરીફો ચેન્નઈ-કલકત્તાનો મુકાબલો : ધોનીનો કદાચ છેલ્લી વાર ચૅમ્પિયન બનીને આઇપીએલને ગુડબાય કરવાનો પ્લાન : મૉર્ગનને પહેલી વાર ટ્રોફી જીતવાનો મોકો

ફાઈલ તસવીર

બે રાઉન્ડમાં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૧૪મી સીઝનમાં આજે નિર્ણાયક દિવસ છે. ત્રણ વખત ચૅમ્પિયન બનેલી ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) અને બે વાર વિજેતાપદ હાંસલ કરી ચૂકેલી કલકત્તા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ની ટીમ વચ્ચે આજે ફાઇનલ (સાંજે ૭.૩૦ વાગ્યાથી) મુકાબલો છે.

‘કૂલ કૅપ્ટન’ મહેન્દ્ર સિંહ ધોનીની યુક્તિપૂર્વકની કૅપ્ટન્સી સીએસકેનું સૌથી મોટું શસ્ત્ર છે, જ્યારે ઇયોન મૉર્ગનની ટીમ પાસે ખાસ કરીને સ્પિનની કમાલ છે જેના થકી તે ધોનીના ધુરંધરોને કદાચ નમાવી શકશે.

આજે દુબઈનું મેદાન સૌથી વધુ ગાજ્યા વિના રહેશે નહીં અને જે ટીમ જીતશે એને માટે યાદગાર અને અનોખો અનુભવ કહેવાશે. જો ધોની જીતશે તો કહેવાશે કે તે ચોથી અને છેલ્લી વાર આઇપીએલનો ચૅમ્પિયન બન્યો. કારણ એ છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ચૂકેલો ભારતનો આ સૌથી સફળ કૅપ્ટનોમાંનો એક હવે આગામી ટી૨૦ વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાનો મેન્ટર બન્યો છે અને પછી મેન્ટરિંગની જ ભૂમિકા ભજવવાનું પસંદ કરશે તો આવતા વર્ષથી કદાચ આઇપીએલમાં કૅપ્ટન કે પ્લેયર તરીકે તે જોવા નહીં મળે.

બીજી બાજુ ઇંગ્લૅન્ડના મૉર્ગનને આઇપીઅએલ જીતવાનો પહેલો અનુભવ થઈ શકે, કારણ કે કલકત્તાને આગલાં બન્ને ટાઇટલ ગૌતમ ગંભીરે અપાવ્યાં હતાં.

ચેન્નઈની ટીમ (બે વર્ષ માટે સસ્પેન્ડ થઈ હોવાથી) જે ૧૨ આઇપીએલમાં રમી છે એમાંથી ૯ વાર ફાઇનલમાં પહોંચી છે એટલે ફાઇનલની આ સૌથી અનુભવી ટીમ આજે નિર્ણાયક મુકાબલો જીતવા માટે ફેવરિટ ગણાય છે.

કલકત્તાને ચેન્નઈના સુપરસ્ટાર બૅટર ઋતુરાજ ગાયકવાડનો ડર હશે, જ્યારે ચેન્નઈ શુભમન ગિલ અને વેન્કટેશ ઐયરને કન્ટ્રોલમાં રાખવામાં કોઈ કસર નહીં છોડે. જોકે નીતિશ રાણા અને ગઈ મૅચનો હીરો રાહુલ ત્રિપાઠી પણ ચેન્નઈને ભારે પડી શકે. ઍન્દ્રે રસેલ (જો ફિટ હશે તો) ચેન્નઈને ચોંકાવી શકશે.

હરીફ ટીમ અલગ, પણ બન્નેના કોચ ન્યુ ઝીલૅન્ડના જ છે ચેન્નઈ સુપર કિંગ્સને સ્ટીફન ફ્લેમિંગનું કોચિંગ મળી રહ્યું છે, જ્યારે કલકત્તા નાઇટ રાઇડર્સને બ્રેન્ડન મૅક્‍લમનું કોચિંગ મળ્યું છે.

ચેન્નઈનો સુકાની ‘કૅપ્ટન કૂલ’ તરીકે જગજાણીતો છે અને કલકત્તાનો મૉર્ગન પણ ‘કૂલ કૅપ્ટન’ ગણાય છે.

ધોની અને મૉર્ગન બન્ને પોતાની કૅપ્ટન્સીમાં વન-ડે ક્રિકેટમાં વર્લ્ડ કપ જીતી ચૂક્યા છે. ૨૦૧૧માં ભારતને ધોનીએ અને ૨૦૧૯માં ઇંગ્લૅન્ડને મૉર્ગને વિશ્વકપની ટ્રોફી અપાવી હતી.

દુબઈમાં આજની પિચ જો ફાસ્ટ બોલરોને વધુ માફક આવે એવી હશે તો કલકત્તાની ટીમમાં ઍન્દ્રે રસેલ (ફિટ હશે તો) અચૂક જોવા મળશે અને તેની સાથે લૉકી ફર્ગ્યુસન પણ કદાચ હશે જ. હા, રસેલને સમાવવા કદાચ શાકિબ-અલ-હસન પડતો મૂકશે. જો પિચ સ્પિનરોને વધુ ફાવતી હશે તો રસેલને સમાવવા શાકિબને જાળવી રાખીને કદાચ ફર્ગ્યુસનને બેસાડી દેવાશે.

કલકત્તા એક ફાઇનલમાં ચેન્નઈને હરાવી ચૂક્યું છે!

કલકત્તા ૨૦૧૪માં ગૌતમ ગંભીરના સુકાનમાં ફાઇનલમાં પંજાબને હરાવીને આઇપીએલનું બીજી વાર ચૅમ્પિયન બન્યું હતું, પરંતુ એ પહેલાં ૨૦૧૨માં ગંભીરના જ સુકાનમાં કલકત્તા ચેન્નઈ શહેરમાં જે ફાઇનલ જીત્યું હતું એ ચેન્નઈ સામેની મૅચ હતી. ધોનીએ ટૉસ જીતીને બૅટિંગ લીધી હતી. રૈનાના ૭૩, માઇકલ હસીના ૫૪, મુરલી વિજયના ૪૨ અને ખુદ ધોનીના અણનમ ૧૪ રનની મદદથી ચેન્નઈએ ૨૦ ઓવરમાં ૩ વિકેટે ૧૯૦ રન બનાવ્યા હતા. કલકત્તા વતી શાકિબ, કૅલિસ અને રજત ભાટિયાએ એક-એક વિકેટ લીધી હતી.

કલકત્તાએ મનવિન્દર બિસ્લાના ૮૯ રન અને કૅલિસના ૬૯ રનની મદદથી ૧૯.૪ ઓવરમાં પાંચ વિકેટે ૧૯૨ રન બનાવીને પહેલી વાર વિજેતાપદ મેળવ્યું હતું. ૧૫૨ રનમાં ત્રણ જ વિકેટ પડી હતી, પરંતુ મામલો છેક ૨૦મી ઓવર સુધી ખેંચાયો હતો અને છેવટે કલકત્તાએ એ રોમાંચક મુકાબલો બે બૉલ બાકી રાખીને પાંચ વિકેટના માર્જિનથી જીતી લીધો હતો.

આજે ગ્રાઉન્ડ દુબઈનું છે, પરંતુ ફાઇનલના હરીફો ફરી ૨૦૧૨ની સાલવાળા જ છે એટલે ચેન્નઈને કલકત્તા સામે સાટું વાળવાની તક છે, જ્યારે કલકત્તાને ત્રીજું ટાઇટલ જીતીને ચેન્નઈની બરાબરી કરવાનો મોકો છે. જોઈઅે હવે સુપર કિંગ્સ જીતે છે કે કિંગ ખાન (શાહરુખ)ની ટીમ.

કાર્તિકે ગુસ્સામાં સ્ટમ્પ ઉખાડી ફેંક્યો એટલે મળ્યો ઠપકો

આઇપીએલમાં બુધવારે દિલ્હી કૅપિટલ્સ સામેની હાઈ-વૉલ્ટેજ મૅચમાં કલકત્તા નાઇટ રાઇડર્સના ભૂતપૂર્વ કૅપ્ટન અને વિકેટકીપર દિનેશ કાર્તિકને મૅચરેફરી મનુ નૈયરે આચારસંહિતાનો ભંગ કરવા બદલ ઠપકો આપ્યો હતો.

જોકે કલકત્તાએ આ મુકાબલો (રાહુલ ત્રિપાઠીની) સેકન્ડલાસ્ટ બૉલની સિક્સરથી ૩ વિકેટના માર્જિનથી જીતી લીધો હતો. કાર્તિકને કયા કસૂર બદલ ઠપકો મળ્યો એ સ્પષ્ટ નહોતું કરાયું, પરંતુ પી.ટી.આઇ.ના અહેવાલ અનુસાર કૅગિસો રબાડાના બૉલમાં ઝીરો પર ક્લીન બોલ્ડ થયો ત્યાર પછી ગુસ્સામાં તે એક સ્ટમ્પ ઉખેડી નાખતો જોવા મળ્યો હતો. કાર્તિકે સુનાવણી દરમ્યાન પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી.

sports sports news cricket news indian premier league ipl 2021 chennai super kings kolkata knight riders